સહા અને રોહિત આપશે ટીમને સારી કિક?

02 October, 2019 12:54 PM IST  |  વિશાખાપટ્ટનમ

સહા અને રોહિત આપશે ટીમને સારી કિક?

રોહિત શર્મા

આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપના ભાગરૂપે ભારત અને સાઉથ આફ્રિકાની પહેલી ટેસ્ટ મૅચનું શ્રીગણેશ આજથી થઈ રહ્યું છે. ત્રણ ટેસ્ટ મૅચની સિરીઝમાંની પહેલી મૅચ આજથી વિશાખાપટ્ટનમમાં રમાશે. ફૅફ ડુ પ્લેસીના નેતૃત્વમાં સાઉથ આફ્રિકન ટીમ વિરાટસેનાને જબરદસ્ત ટક્કર દેવાના લક્ષ્યથી મેદાનમાં ઊતરશે. વેસ્ટ ઇન્ડીઝને તેની ધરતી પર ૨-૦થી હરાવીને ટેસ્ટ મૅચની સિરીઝ જીતનારી ભારતીય ટીમનો જોશ હાઈ છે અને હવે એ ઘરઆંગણે આવેલી મહેમાન ટીમને પણ પરાસ્ત કરીને ટેસ્ટ મૅચની સિરીઝ જીતી પોતાની નંબર વનની પૉઝિશન જા‍ળવી રાખવા પ્રયાસ કરશે. સામા પક્ષે સાઉથ આફ્રિકાની ટીમને પણ ઓછી આંકી શકાય એમ નથી. ભલે તેમની ટીમમાં વધારે અનુભવી પ્લેયરોની સંખ્યા ઓછી હોય, પણ એ ટીમમાં સિરીઝ ડ્રો કરાવવાની ભરપૂર ક્ષમતા છે.

ભારતીય ટીમ માટે સૌથી બેસ્ટ ગણાઈ રહેલો બોલર જસપ્રીત બુમરાહ સ્ટ્રેસ ફ્રૅક્ચરને કારણે આ સિરીઝની બહાર થયો હોવાથી ઇશાન્ત શર્મા, મોહમ્મદ શમી અને ઉમેશ યાદવ પર બોલિંગ ડિપાર્ટમેન્ટની જવાબદારી વધી ગઈ છે. બૅટિંગમાં વૃદ્ધિમાન સહા અને રોહિત શર્મા પર ટીમને સારી સ્ટાર્ટ અપાવવાની જવાબદારી રહેશે. સહાને ટીમમાં લેતાં રિષભ પંતને નબળા પર્ફોર્મન્સને કારણે ડ્રૉપ કરવામાં આવ્યો છે.

આ ટેસ્ટ-સિરીઝ પહેલાં રમાયેલી બન્ને ટીમો વચ્ચેની ટી૨૦ સિરીઝ ૧-૧થી ડ્રો રહી હતી. જોકે એ વખતે મહેમાન ટીમને ડુપ્લેસી જેવા અનુભવી ખેલાડીનો સાથ મળ્યો નહોતો, પણ ટેસ્ટ-સિરીઝમાં તેમને આ લહાવો મળી શકે છે. જોકે ભારત સામે ટેસ્ટ મૅચમાં જીતવું અઘરું હોવાની વાત સાઉથ આફ્રિકન પ્લેયરો દ્વારા સ્વીકારાઈ છે તેમ છતાં આ સિરીઝમાં પોતાનું બેસ્ટ આપવા તેઓ દરેક ચોક્કસ પગલાં લેશે.

india south africa cricket news sports news rohit sharma wriddhiman saha