ICC વન-ડે રૅન્કિંગમાં નંબર વન પર વિરાટ કોહલી યથાવત્

13 February, 2020 03:39 PM IST  |  Mumbai Desk

ICC વન-ડે રૅન્કિંગમાં નંબર વન પર વિરાટ કોહલી યથાવત્

ભારતે ન્યુ ઝીલૅન્ડ સામેની વન-ડે સિરીઝ ૩-૦થી ગુમાવ્યા બાદ આઇસીસીએ નવી વન-ડે રૅન્કિંગ જાહેર કરી છે. આ નવી રૅન્કિંગ પ્રમાણે બૅટ્સમેનોની યાદીમાં વિરાટ કોહલીએ પોતાનો પહેલો ક્રમાંક જાળવી રાખ્યો છે, જ્યારે બોલરોની કૅટેગરીમાં જસપ્રીત બુમરાહે પોતાનું પહેલું સ્થાન ગુમાવી દીધું છે. કોહલીએ ન્યુ ઝીલૅન્ડ સામેની ત્રણ વન-ડેમાં માત્ર ૭૫ રન બનાવ્યા હતા છતાં તે પહેલાં ક્રમે બની રહેવામાં સફળ રહ્યો છે. તેના કુલ ૮૬૯ પૉઇન્ટ્સ છે. બીજા ક્રમે રોહિત શર્મા ૮૫૫ પૉઇન્ટ્સ સાથે બનેલો છે. વન-ડે ટુર્નામેન્ટમાં પ્લેયર ઑફ ધ સિરીઝ રહેનારા રૉસ ટેલરને પણ રૅન્કિંગમાં ફાયદો થયો છે અને તે ૮૨૮ પૉઇન્ટ્સ સાથે ચોથા ક્રમે પહોંચી ગયો છે.

વન-ડે સિરીઝમાં એક પણ વિકેટ ન લઈ શકવાને લીધે જસપ્રીત બુમરાહને પોતાનો નંબર વનનો તાજ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્રણ મૅચમાં બુમરાહે નાખેલી ૩૦ ઓવરમાં કુલ ૧૬૭ રન આપ્યા હતા અને એક પણ વિકેટ મેળવી નહોતી. બુમરાહને બીજા ક્રમે ખસેડી ન્યુ ઝીલૅન્ડના ટ્રેન્ટ બોલ્ટે ૭૨૭ પૉઇન્ટ્સ સાથે પહેલો ક્રમ હાસિલ કર્યો છે. ઑલરાઉન્ડરોની કૅટેગરીમાં રવીન્દ્ર જાડેજાને ત્રણ પૉઝિશનનો ફાયદો થયો છે અને તે સાતમા નંબરે પહોંચી ગયો છે. આ યાદીમાં કોલિન ડી ગ્રેન્ડહૉમ ૨૬૬ પૉઇન્ટ્સ સાથે ચોથા નંબરે છે.

virat kohli sports sports news cricket news jasprit bumrah