બોલો, રહાણે પિન્ક બૉલ ટેસ્ટ મૅચનાં સપનાં જુએ છે

20 November, 2019 08:44 AM IST  |  Kolkata

બોલો, રહાણે પિન્ક બૉલ ટેસ્ટ મૅચનાં સપનાં જુએ છે

રહાણે જુએ છે પિન્ક બૉલ ટેસ્ટ મૅચનાં સપનાં

બંગલા દેશ સામેની પહેલી ટેસ્ટ મૅચ સહેલાઈથી જીતી લીધા બાદ બન્ને ટીમ હવે બાવીસમી નવેમ્બરથી બીજી ટેસ્ટ મૅચ રમશે જે એક ઐતિહાસિક મૅચ હશે, કેમ કે ઇન્ડિયાની આ પહેલી ડે-નાઇટ મૅચ હોવાની સાથે પિન્ક બૉલથી રમાશે. આ મૅચની છેલ્લા કેટલાક દિવસથી ઘણીબધી ચર્ચા થઈ રહી છે. જોકે ટીમના વાઇસ કૅપ્ટન અજિંક્ય રહાણેને તો સપનામાં પણ આ પિન્ક બૉલ ટેસ્ટ મૅચ આવે છે. સોશ્યલ મીડિયા પર રહાણેએ ઊંઘ લેતો પોતાનો એક ફોટો શૅર કર્યો હતો અને કહ્યું હતું કે ‘ઐતિહાસિક પિન્ક બૉલ મૅચ વિશે સપનાં જોઈ રહ્યો છું.’

રહાણેની આ ટ્વીટ એટલી વાઇરલ થઈ છે કે મસ્તીખોર એવા કૅપ્ટન વિરાટ કોહલી અને શિખર ધવને રહાણેની ફીરકી લીધી હતી. ધવને લખ્યું હતું કે ‘સપને મેં પિક ખીંચ ગઈ.’ તો કોહલીએ લખ્યું હતું, ‘સારો પોઝ છે જિન્ક્સી.’

વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં ભારત અત્યાર સુધી ૬ ટેસ્ટ મૅચ જીતીને ૩૦૦ પૉઇન્ટ્સ સાથે નંબર-વન પર છે.

પિન્ક બૉલની સાથે સ્ટેડિયમની ફૅસિલિટી પણ મહત્વની છે : રાહુલ ડ્રવિડ

ડે-નાઇટ ટેસ્ટ મૅચ સંદર્ભે ભૂતપૂર્વ ઇન્ડિયન પ્લેયર રાહુલ દ્રવિડે કહ્યું કે આ ટેસ્ટ મૅચમાં માત્ર પિન્ક બૉલ નહીં, સ્ટેડિયમની સુવિધાને પણ ધ્યાનમાં રાખવી જોઈએ. આ વિશે વધુ જણાવતાં દ્રવિડે કહ્યું હતું કે ‘અહીં વાત માત્ર ટેસ્ટ ક્રિકેટના નવીનીકરણની નથી. આપણે ફક્ત એક વાત પર જ ધ્યાન નથી આપવાનું. પિન્ક બૉલથી રમાનારી આ ટેસ્ટ મૅચમાં ભેજ એ સૌથી મોટો પડકાર છે. દર વર્ષે ભારતમાં ટેસ્ટ મૅચ પણ રમાય છે, પણ આ મૅચ બોલરો માટે અઘરી સાબિત થઈ શકે છે.

બેઝિક વસ્તુ જેમ કે ટૉઇલેટ, કાર-પાર્કિંગ, બેઠક-વ્યવસ્થા પણ બરાબર હોવી જોઈએ. આપણે ૨૦૦૧માં કહેતા કે ઈડન ગાર્ડન્સમાં એક લાખ માણસો બેસતા, કારણ કે એ સમયે ઘરે-ઘરે એચડી ટીવી નહોતાં, મોબાઇલ પર મૅચ નહોતી જોઈ શકાતી. આ સુવિધાને કારણે હવે દર્શકો માટે સ્ટેડિયમમાં અન્ય સુવિધા પૂરી પાડવી મહત્ત્વની છે.’

ajinkya rahane virat kohli shikhar dhawan cricket news bangladesh india