વેસ્ટ ઇન્ડીઝ ટૂર માટે ધોનીને આરામ આપવાની સંભાવના

13 July, 2019 05:49 PM IST  |  મુંબઈ

વેસ્ટ ઇન્ડીઝ ટૂર માટે ધોનીને આરામ આપવાની સંભાવના

ધોની (ફાઇલ ફોટો)

વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં ટીમ ઇન્ડિયાનો ન્યુ ઝીલૅન્ડ સામે પરાજય થતાં કરોડો ભારતવાસીઓનાં દિલ હજી સદમામાંથી ઉભરાયાં નથી ત્યાં સમાચાર આવ્યા છે કે વેસ્ટ ઇન્ડીઝ ટૂર પર કૅપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધોનીના જવાની સંભાવના નહીંવત્ છે. એક બાજુ ધોનીના રિટાયરમેન્ટ અંગે પણ અટકળો ચાલી રહી છે ત્યાં આ સમાચાર ધોનીના ચાહકોને નિરાશ કરી શકે છે. જોકે ધોની રિટાયરમેન્ટ ક્યારે અને કેવી રીતે લેશે એ અંગે કોઈ પણ માહિતી સત્તાવાર રીતે આપવામાં નથી આવી. વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝ માટે ભારતીય ટીમનું ચયન હજી બાકી છે. ૧૭-૧૮ જુલાઈએ મુંબઈમાં આ સિરીઝ માટે ટીમ ઇન્ડિયાના સિલેક્શન અંગે સિલેક્શન કમિટીની મીટિંગ મળવાની છે. વેસ્ટ ઇન્ડીઝ સામે ટીમ ઇન્ડિયા ત્રણ ટી૨૦, ત્રણ વન-ડે અને બે ટેસ્ટ-મૅચની સિરીઝ રમશે. પ્રાપ્ત જાણકારી મુજબ ધોની સહિત રિષભ પંત અને દિનેશ કાર્તિકના ભવિષ્ય પર પણ આ મીટિંગમાં નિર્ણય લેવામાં આવશે. વિરાટ કોહલી સહિત જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર અને મોહમ્મદ શમી જેવા અગ્રણી ખેલાડીઓને આ સિરીઝમાં આરામ આપવામાં આવી શકે છે. જોકે આ પ્લેયરો ટીમ ઇન્ડિયાને એન્ટિગુઆ અને જમૈકામાં થનારી ટેસ્ટ-મૅચમાં જૉઇન કરવાની સંભવાના છે. વર્લ્ડ કપમાં પાંચ સેન્ચુરી ફટકારનારા રોહિત શર્મા વન-ડે અને ટી૨૦માં ભારતીય ટીમને લીડ કરશે. બીસીસીઆઇ દ્વારા કહેવામાં આવ્યું છે કે ‘ધોની છેલ્લા ત્રણ મહિનાથી સતત મૅચ રમી રહ્યો છે. આઇપીએલ બાદ તે સીધો વર્લ્ડ કપમાં વ્યસ્ત થઈ ગયો હતો. તેની બૅકમાં ઈજા છે, પરંતુ તે એને નજરઅંદાજ કરતો ફરે છે. તેના અંગૂઠામાં પણ વાગ્યું છે. સિલેક્ટર તેને આરામ આપવાનું વિચારી રહ્યા છે જેથી આવતા વર્ષના ઇન્ટરનૅશનલ કૅલેન્ડર પર વધુ ફોક્સ કરી શકાય.’

ધોનીના રિટાયરમેન્ટ પ્લાન વિશે કોહલીએ શું કહ્યું?

આ પણ વાંચો : Rathyatra: રાજકોટમાં પણ નગરચર્યાએ નીકળ્યા નાથ, આવો રહ્યો રંગારંગ માહોલ

ભારતના કૅપ્ટન વિરાટ કોહલીએ ૩૮ વર્ષના લેજન્ડરી ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીના ફ્યુચર વિશે કોઈ કમેન્ટ્સ કરવાનો ઇનકાર કર્યો છે. હાલમાં એવી ચર્ચા ચાલી રહી છે કે ધોની રિટાયર થઈ રહ્યો છે. આ વિશે ઇન્ડિયન ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને પૂછવામાં આવતાં તેણે કહ્યું હતું કે ધોનીએ તેના રિટાયરમેન્ટ વિશે અમારી સાથે કોઈ ચર્ચા નથી કરી.

ms dhoni cricket news sports sports news