સારી પિચ બનાવશો તો જ બચશે ટેસ્ટ : તેન્ડુલકર

26 August, 2019 12:55 PM IST  |  મુંબઈ

સારી પિચ બનાવશો તો જ બચશે ટેસ્ટ : તેન્ડુલકર

સચિન તેન્ડુલકર

ક્રિકેટ જગતના માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકરે હાલમાં એક ઇવેન્ટમાં હાજરી આપી હતી ત્યાં ટેસ્ટ મૅચ વિશે વાત કરતાં તેણે જણાવ્યું કે જો ટેસ્ટ મૅચની મજા માણવી હોય પિચ સારી હોવી ઘણી જરૂરી છે.

તેન્ડુલકરે આ સંદર્ભે બીજી ઍશિઝનું ઉદાહરણ આપી વિસ્તારપૂર્વક વાત કરતાં કહ્યું કે ‘બીજી ઍશિઝમાં જોફ્રા આર્ચર અને સ્ટીવન સ્મિથ વચ્ચે જાણે કાંટાની ટક્કર હતી. ટેસ્ટ ક્રિકેટનું હાર્ટ એની પિચ હોય છે. તમે સારી પિચ પર મૅચ રમાડશો તો તમને ટેસ્ટ મૅચ જોવાનો કંટાળો નહીં આવે. એમાં પણ તમને સારી બોલિંગ અને ધૂંઆધાર બૅટિંગ જોવા મળી શકે છે. લૉર્ડ્સની મૅચમાં વરસાદે ખલેલ પહોંચાડી લગભગ દોઢ દિવસની ગેમ બગાડી દીધી પણ છેલ્લા દિવસે ઇંગ્લૅન્ડે જે રીતે આક્રમક બોલિંગ કરી એ કારણે ઑસ્ટ્રેલિયાની ટીમનું પિચ પર ટકી રહેવું અઘરું થઈ ગયું હતું. ટેસ્ટ મૅચની આ જ કમાલ છે.’

આ ટેસ્ટ મૅચની પિચ વિશેની વાતમાં વધુ ઉમેરતાં માસ્ટર બ્લાસ્ટરે જણાવ્યું કે ‘મારા મતે જો ટેસ્ટ મૅચ જોવાની મજા માણવી હોય તો સારી પિચ જરૂરી છે. જો પિચ સારી નહીં હોય તો પ્લેયરોને રમવામાં પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. મેં ઍશિઝમાં માર્નસ લબુસેનની બૅટિંગ જોઈ. તે જે પ્રમાણે બૅટિંગ કરી રહ્યો હતો એ ખરેખર પ્રશંસનીય હતી, કેમ કે તમારે કેટલાક બૉલમાં ડિફેન્ડ કરવાનું હોય છે અથવા તો એને છોડી દેવાનો હોય છે અને જો તમે એ‍વા બૉલ પર રમવા જાઓ તો પૅવિલિયન ભેગા થવાનો વારો આવી શકે છે. લબુસેન જે પ્રમાણે બૉલને પ્લેસ કરતો હતો એ ખરેખર લાજવાબ હતું.’

sachin tendulkar mumbai marathon cricket news sports news