ટી૨૦ બાદ વન-ડેમાં ન્યુ ઝીલૅન્ડનું કમબૅક

06 February, 2020 02:47 PM IST  |  Mumbai Desk

ટી૨૦ બાદ વન-ડેમાં ન્યુ ઝીલૅન્ડનું કમબૅક

હૅમિલ્ટન : (આઇ.એ.એન.એસ.) ઇન્ડિયા સામે ગઈ કાલે રમાયેલી પહેલી વન-ડેમાં ચાર વિકેટે જીતીને ન્યુ ઝીલૅન્ડે ભારતીય ચાહકો માટે અપસેટ સર્જ્યો હતો. ભારતના પક્ષમાં દેખાતી મૅચ પર રૉસ ટેલર અને ટોમ લૅધમ ભારે પડ્યા હતા. તેમણે પોતાની ટીમને ત્રણ વન-ડે મૅચની સિરીઝમાં ૧-૦ની લીડ અપાવી છે. અગાઉની મૅચની જેમ આ મૅચમાં પણ અનેક વાર ટીમ ઇન્ડિયાની ખરાબ ફીલ્ડિંગ જોવા મળી હતી. ટેલરને પ્લેયર ઑફ ધ મૅચ જાહેર કરાયો હતો.

ઇન્ડિયાએ આપેલા ૩૪૮ રનના ટાર્ગેટને ચૅઝ કરવા આવેલી ન્યુ ઝીલૅન્ડે શરૂઆતથી જ સંભાળીને રમવાનું નક્કી કર્યું હતું. પહેલી વિકેટ માટે ઇન્ડિયાએ ૮૫ રન સુધી રાહ જોવી પડી હતી. હેનરી નિકોલ્સે ૧૧ ચોગ્ગા મારી ૭૮ રન બનાવ્યા હતા અને કોહલી દ્વારા રનઆઉટ થયો હતો. ચોથા નંબરે આવેલા રૉસ ટેલર અને કૅપ્ટન ટોમ લૅધમે ચોથી વિકેટ માટે ૧૩૮ રનની પાર્ટનરશિપ કરી હતી. ટેલરે ૮૪ બૉલમાં ૧૦ ચોગ્ગા અને ચાર છગ્ગા વડે નૉટઆઉટ ૧૦૯ રનની ઇનિંગ રમી હતી. વન-ડેમાં તેની આ ૨૧મી અને ઘરઆંગણે ૧૨મી સેન્ચુરી હતી, જ્યારે ટીમ ઇન્ડિયા સામેની તેની આ ત્રીજી અને હૅમિલ્ટનમાં ચોથી સેન્ચુરી હતી. લૅધમ ૬૯ રન બનાવીને આઉટ થયો હતો.

ટોસ હારીને પહેલાં બૅટિંગ કરવા આવેલી ઇન્ડિયન ટીમની ઓપનિંગ પૃથ્‍વી શૉ અને મયંક અગરવાલે કરી હતી. આ બન્ને પ્લેયરની આ ડેબ્યુ વન-ડે હતી. તેમણે અનુક્રમે ૨૦ અને ૩૨ રનની ઇનિંગ રમી હતી. કૅપ્ટન કોહલી ૫૧ રન બનાવીને આઉટ થતાં ચોથા નંબરે આવેલા શ્રેયસે ટીમની પારી સંભાળી અને વન-ડેમાં પોતાની પહેલી સેન્ચુરી ફટકારી હતી. તેણે ૧૦૭ બૉલમાં ૧૧ ચોગ્ગા અને એક સિક્સર સાથે ૧૦૩ રન બનાવ્યા હતા. પાંચમા ક્રમે ઊતરેલા લોકેશ રાહુલે પણ શ્રેયસનો સાથ આપ્યો અને ૬૪ બૉલમાં ત્રણ ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી નૉટઆઉટ ૮૮ રન બનાવ્યા હતા. ટીમ ઇન્ડિયા ૫૦ ઓવરમાં ચાર વિકેટે ૩૪૭ રન કરી શકી હતી જેને ન્યુ ઝીલૅન્ડે ૪૮.૧ ઓવરમાં છ વિકેટ ગુમાવી ચૅઝ કરી લીધો હતો.

શ્રેયસ અય્યર અને લોકેશ રાહુલે ચોથી વિકેટ માટે ૧૩૬ રનની જ્યારે રૉસ ટેલર અને ટોમ લૅધમે ચોથી વિકેટ માટે ૧૩૮ રનની પાર્ટનરશિપ કરી હતી. ચોથા ક્રમાંકે બૅટિંગ કરવા ઊતરેલા બન્ને ટીમના પ્લેયર શ્રેયસ અય્યર અને રરૉસ ટેલરે શતકીય પારી રમી હતી. બન્ને દેશો વચ્ચે બીજી મૅચ આઠમી ફેબ્રુઆરીએ ઓકલૅન્ડમાં રમાશે.

sports sports news cricket news new zealand