ઇંગ્લૅન્ડને 21 રનથી માત આપીને સિરીઝ બરાબર કરી ન્યુ ઝીલૅન્ડે

04 November, 2019 01:53 PM IST  |  વેલિંગ્ટન

ઇંગ્લૅન્ડને 21 રનથી માત આપીને સિરીઝ બરાબર કરી ન્યુ ઝીલૅન્ડે

ઇંગ્લૅન્ડને બીજી ટી૨૦માં ન્યુ ઝીલૅન્ડે 21 રનથી પરાજય આપ્યો હતો.

ઇંગ્લૅન્ડ અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે રમાયેલી પાંચ ટી૨૦ મૅચોની સિરીઝમાંની બીજી મૅચ ન્યુ ઝીલૅન્ડે ૨૧ રનથી જીતી લીધી હતી. પહેલી મૅચ ઇંગ્લૅન્ડે સાત વિકેટે જીતી લેતાં સિરીઝમાં ૧-૦થી લીડ બનાવી લીધી હતી, પણ બીજી મૅચમાં ધમાકેદાર બોલિંગ કરી ન્યુ ઝીલૅન્ડે સિરીઝ અત્યાર સુધી ૧-૧ની બરાબરી પર લાવીને મૂકી દીધી છે.

ઇંગ્લૅન્ડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને પહેલા બૅટિંગ કરવા ઊતરેલી ન્યુ ઝીલૅન્ડની ટીમે ૨૦ ઓવરમાં આઠ વિકેટે ૧૭૬ રન બનાવ્યા હતા. ટીમ વતી જેમ્સ નિશમે સૌથી વધારે ૪૨ અને માર્ટિન ગપ્ટિલે ૪૧ રન કર્યા હતા. કોલિન ડી ગ્રેન્ડહોમ અને રોસ ટેલર ૨૮-૨૮ રન બનાવીને આઉટ થયા હતા. ઇંગ્લૅન્ડના બોલર ક્રિસ જોર્ડને સૌથી વધારે ત્રણ વિકેટ મેળવી હતી અને ચાર ઓ‍વરમાં તેણે ૨૩ રન આપ્યા હતા.

૧૭૭ રનના લક્ષ્યને પ્રાપ્ત કરવા ઊતરેલી ઇંગ્લૅન્ડ ટીમની શરૂઆત અનુકૂળ નહોતી રહી અને પહેલા જ બૉલ પર ટીમ સાઉધીએ જૉની બૅરસ્ટૉને પૅવિલિયન મોકલ્યો હતો. ન્યુ ઝીલૅન્ડના બોલરો સામે કોઈ પણ ઇંગ્લૅન્ડ પ્લેયર ૪૦ રનનો આંકડો પણ પાર કરી શક્યો નહોતો. ડેવિડ માલને સૌથી વધારે ૩૯ રન બનાવ્યા હતા. ક્રિસ જોર્ડન અને ઓઇન મૉર્ગને અનુક્રમે ૩૬ અને ૩૨ રન કર્યા હતા. આ ત્રણ પ્લેયર ઉપરાંત ઇંગ્લૅન્ડની ટીમના સાત પ્લેયર ૧૦ રનનો આંકડો પણ પાર કરી શક્યા નહોતા જેના કારણે ૧૯.૫ ઓવરમાં ઇંગ્લૅન્ડની ટીમ ૧૫૫ રને ઑલઆઉટ થઈ ગઈ હતી અને ન્યુ ઝીલૅન્ડે પહેલી ટી૨૦માં મળેલી હારનો બદલો વાળ્યો હતો.

આ પણ વાંચો : નાના બનેલા બૉયકૉટની ઇચ્છા પૌત્રને સુનીલ ગાવસકર જેવો બનાવવાની

ચાર ઓવરમાં ૨૫ રન આપી ત્રણ વિકેટ લેનારા મિચલ સૅન્ટનરને પ્લેયર ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યો હતો. બન્ને ટીમો વચ્ચેની ત્રીજી ટી૨૦ મૅચ આવતી કાલે રમાશે.

martin guptill new zealand england cricket news sports news t20 international twenty20 international