હું પણ‌ બીજા બધાના જેવો જ છું બસ, મારાં ઇમોશન્સ છુપાવી જાણું છું : ધોની

17 October, 2019 02:08 PM IST  |  નવી દિલ્હી

હું પણ‌ બીજા બધાના જેવો જ છું બસ, મારાં ઇમોશન્સ છુપાવી જાણું છું : ધોની

ધોની

વર્લ્ડ કપ સેમી ફાઇનલ મૅચમાં ભારતનો ન્યુ ઝીલૅન્ડ સામે પરાજય થતાં લાખો કરોડો ભારતીય ચાહકોનાં દિલ તૂટી ગયાં હતાં. એમાં પણ ખાસ કૅપ્ટન કુલ મહેન્દ્ર સિંહ ધોનીના આઉટ થયા બાદ મૅચ અને ટુર્નામેન્ટ હાથમાંથી જતી રહેશે એ ડર પર વધી ગયો હતો. આ ટુર્નામેન્ટના સમાપન બાદ મહેન્દ્ર સિંહ ધોનીની નિવૃ‌ત્ત‌િની અટકળો પણ મોટા પ્રમાણમાં ચાલી રહી હતી. જોકે તાજેતરમાં એક કાર્યક્રમ દરમ્યાન ધોનીએ મીડિયા સાથે વાત કરી હતી. વર્લ્ડ કપ બાદ પહેલી વાર જ્યારે મીડિયા સાથે ધોની રૂબરૂ થઈ રહ્યો હતો ત્યારે તેણે કહ્યું હતું કે ‘હું પણ બીજા બધાના જેવો છું. ફરક માત્ર એટલો છે કે હું મારાં ઇમોશન્સ છુપાવી જાણું છું.’

પોતાના મનની વાત જણાવતાં ધોનીએ કહ્યું હતું કે ‘સાચું કહું તો હું પણ બીજા બધાની જેમ ફ્રસ્ટ્રેટેડ હતો. મને એ સમયે ગુસ્સો આવતો હતો. હું પણ એ સમયે માયૂસ થઈ ગયો હતો, પણ મહત્ત્વની વાત એ છે કે આ બધી લાગણીઓ રચનાત્મક છે. હું પણ બીજા બધાના જેવો જ છું. ફરક માત્ર એટલો છે કે હું મારાં ઇમોશન્સ છુપાવી જાણું છું. આ બધી લાગણીઓ કરતાં વધારે મહત્ત્વનું એ છે કે મારે આ પરિસ્થિતિમાં શું કરવાનું છે? મારે કયા પ્લાન સાથે આગળ વધવાનું છે? આ હાલતમાં ટીમનો કયો પ્લેયર બેસ્ટ સાબિત થઈ શકે છે જેને રમવા મોકલી શકાય? આ બધા સવાલોનો વિચાર કરી હું મારી લાગણીઓને બીજા કરતાં સારી રીતે છુપાવી શકું છું.’

વર્લ્ડ કપ દરમ્યાન ધોનીની ધીમી બૅટિંગને કારણે પણ ઘણી આલોચના કરવામાં આવી હતી છતાં કૅપ્ટન કૂલના મતે અંતિમ પરિણામ કરતાં ચાલતી રહેતી પ્રક્રિયા મહત્ત્વની છે. તેનું કહેવું હતું કે ‘જો તમે ટેસ્ટ મૅચ રમતા હો તો તમારી પાસે બીજી ઇનિંગ હોય છે જેમાં તમે તમારા પ્લાનને ડિઝાઇન કરી શકો છે. ટી૨૦માં તમારે દરેક નિર્ણય ફટાફટ લેવા પડે છે. ભૂલ કોઈ એક વ્યક્તિની પણ હોઈ શકે છે અથવા આખી ટીમની પણ હોઈ શકે છે. કદાચ અમે ફૉર્મેટ પ્રમાણે અમારા પ્લાનનો બરાબર રીતે અમલ નહોતા કરી શક્યા. અંતે તો જીત અને હાર ટીમના દરેક પ્લેયરની મહેનતના કારણે મળે છે કેમ કે દરેકની કંઈક ફરજ અને જવાબદારીઓ છે. ટી૨૦ વર્લ્ડ કપ દરમ્યાન દરેક પ્લેયર પોતાની જવાબદારી ઘણી સારી રીતે નિભાવી શક્યો હતો અને એને કારણે એ ટુર્નામેન્ટ આપણે જીત્યા હતા. મહત્ત્વનું એ છે કે ટીમનો દરેક પ્લેયર ટીમમાં પોતાનું યોગદાન આપે.’

ધોની વિશે હું સિલેક્ટરો સાથે ૨૪ ઑક્ટોબરે વાત કરીશ : ગાંગુલી

ભારતીય ક્રિકેટ બોર્ડના નવા પ્રેસિડન્ટ પદે પસંદગી પામનારા સૌરવ ગાંગુલી ૨૩ ઑક્ટોબરથી પોતાનો નવો કારભાર સંભાળી શકે છે અને આ કારભાર સંભાળતાની સાથે તે લિસ્ટ-એ ક્રિકેટરોનાં હિતો માટે પહેલાં કામ કરશે એમ પણ અગાઉ જણાવ્યું હતું.
વર્લ્ડ કપ ૨૦૧૯ બાદ પહેલી વખત મીડિયા સામે આવેલા કૅપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધોનીના સંદર્ભમાં સૌરવ ગાંગુલી ૨૪ ઑક્ટોબરે સિલેક્ટરો સાથે વાત કરશે. ગાંગુલીએ આ સંદર્ભે કહ્યું હતું કે ‘હું સિલેક્ટરોને ૨૪ તારીખે મળીશ અને એ જાણવાનો પ્રયાસ કરીશ કે તેઓ ધોની વિશે શું વિચારી રહ્યા છે અને એના પછી હું મારો મત મૂકીશ.

આ પણ વાંચો : વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ ટીમના નવા હેડ કોચ તરીકે ફિલ સિમન્સની વરણી

હાલમાં હું કશે પણ પિક્ચરમાં નથી એટલે કોઈ પણ ટિપ્પણી કરી શકું એમ નથી. ૨૪ તારીખ પછી જ હું કશું કહી શકીશ. એ પણ જોવા જેવું રહેશે કે ધોની પોતે શું ઇચ્છે છે.’નોંધનીય છે કે તાજેતરમાં ધોનીએ પોતાના મનની વાત લોકો સામે મૂકી હતી અને પોતે પોતાની લાગણી પણ બીજા બધા કરતાં વધારે સંયમ રાખી શકવાની વાત કરી હતી. સિલેક્ટર્સ ઉપરાંત ગાંગુલી ૨૪મીએ કૅપ્ટન વિરાટ કોહલીને પણ મળી શકે છે.

ms dhoni cricket news sports news world cup