મિડ ડે TEN10 કપ:કચ્છી લોહાણાએ રોક્યો કચ્છી કડવા પાટીદારનો વિજયરથ

17 February, 2019 11:11 AM IST  |  મુંબઈ

મિડ ડે TEN10 કપ:કચ્છી લોહાણાએ રોક્યો કચ્છી કડવા પાટીદારનો વિજયરથ

કચ્છી લોહાણાના અવધ ઠક્કર બન્યા મેન ઓફ ધી મેચ

મિડ-ડે કપની બારમી સીઝનની ઑપનિંગ સેરેમની બાદ ગઈ કાલે કાંદિવલી (વેસ્ટ)માં આવેલા પૉઇસર જિમખાનામાં રમાયેલી એકમાત્ર લીગ મૅચમાં રોમાંચક ટક્કર જોવા મળી હતી અને છેલ્લાં બે વર્ષની ચૅમ્પિયન કચ્છી કડવા પાટીદારને આઘાતજનક હારનો સામનો કરવો પડ્યો હતો. ત્રણ વખતની રનર-અપ ટીમ કચ્છી લોહાણાએ લાજવાબ પફોર્ર્મન્સ સાથે કચ્છી કડવા પાટીદાર ટીમને ૯ વિકેટે હરાવીને આંચકો આપ્યો હતો.

 ભાવિક ભગત ત્રીજા જ બૉલે આઉટ 

કચ્છી કડવા પાટીદારના કૅપ્ટન રમેશ જબુઆણીએ ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરવાનો નર્ણિય લીધો હતો. જોકે પહેલી જ ઓવરમાં તેમના સુપરસ્ટાર બૅટ્સમૅન ભાવિક ભગત માત્ર એક રન બનાવીને ત્રીજા જ બૉલે આઉટ થઈ જતાં મોટો ઝટકો લાગ્યો હતો. ભાવિક ભગત જય સચદેના બૉલમાં થાપ ખાઈ જતાં એલબીડબ્લ્યુ થયો હતો. ત્યાર બાદ ઓપનર હાર્દિક પારસિયા (૨૩ બૉલમાં ૨૭ રન) અને વેદાંશ ધોળુ (૨૦ બૉલમાં ૨૪ રન)એ ૨૬ બૉલમાં ૩૪ રનની પાર્ટનરશિપ સાથે થોડું કમબૅક કર્યું હતું, પણ વેદાંશ ધોળુ પાંચમી અને પાવર ઓવરના પાંચમા બૉલમાં આઉટ થઈ જતાં ચૅમ્પિયન ટીમને ડબલ ઝટકો લાગ્યો હતો. પાવર ઓવરમાં વિકેટ ગુમાવવાને લીધે ટીમના સ્કોરમાંથી ૧૦ રન માઇન્સ પણ થઈ ગયા હતા. પાવર ઓવરના આઘાતમાંથી ટીમ બહાર નહોતી આવી શકી અને ૮મી ઓવરના અંતે માત્ર ૬૩ રન સુધી પહોંચી શકી હતી. નવમી ઓવરના છેલ્લા બે બૉલે દિલીપ લિંબાણીએ લગાતાર બે સિક્સર ફટકારતાં ટુર્નામેન્ટના હટકે નિયમ પ્રમાણે અને ખૂબ જ જરૂરી ૧૫ રન બૉનસના મળતાં ટીમનો સ્કોર નવમી ઓવરના અંતે ૮૭ રન પર પહોંચી ગયો હતો. કચ્છી કડવા પાટીદાર ૧૦૦ રનનો આંકડો પાર કરી લેશે એવું લાગવા લાગ્યું હતું. પહેલા બૉલે બાઉન્ડરી સાથે શરૂઆત પણ સારી કરી હતી, પણ ત્યાર બાદ કચ્છી લોહાણાના દર્શન કતિરાએ કમબૅક કરીને બાકીના પાંચ બૉલમાં માત્ર બે જ રન આપ્યા હતા અને બે વિકેટ પણ ઝડપી હતી. કચ્છી કડવા પાટીદાર ૧૦ ઓવરના અંતે ૬ વિકેટે ૯૩ રન સુધી સીમિત રહી હતી. કચ્છી લોહાણ ટીમ વતી સૌથી અસરકારક દર્શન કતિરા સાબિત થયો હતો. તેણે બે ઓવરમાં માત્ર ૧૦ રન આપીને બે વિકેટ ઝડપી હતી. ધ્વરુ ઠક્કરને પણ બે વિકેટ મળી હતી પણ તેણે બે ઓવરમાં ૨૦ રન આપી દીધા હતા. જય સચદે અને મિહિર કોટકને એક-એક વિકેટ મળી હતી. 

સૉલિડ ઓપનિંગ

૯૪ રનનો એચિવેબલ ટાર્ગેટ છતાં કચ્છી કડવા પાટીદાર ચૅમ્પિયન ટીમ છે અને ગમે ત્યારે કમબૅક કરવા સક્ષમ છે એ વાતથી કચ્છી લોહાણાની ટીમ બરાબર વાકેફ હતી, પણ ચૅમ્પિયન ટીમને હરાવવી જ છે એવા મજબૂત ઇરાદાથી મેદાનમાં ઊતરેલી અનુભવી ઓપનિંગ જોડી કૅપ્ટન અધવ ઠક્કર અને કપિલ સોતાએ ૭.૧ ઓવરમાં ૭૬ રન સાથે સ્ટ્રૉન્ગ શરૂઆત સાથે કચ્છી લોહાણા ટીમની જીત નક્કી થઈ ગઈ હતી. કપિલ સોતા આઠમી ઓવરના પહેલા બૉલે હિરેન રંગાણીના બૉલમાં બોલ્ડ થયો હતો. કપિલે ૧૯ બૉલમાં એક સિક્સર અને ત્રણ ફોર સાથે ૨૫ રન બનાવ્યા હતા. ટીમને છેલ્લી ઓવરમાં જીત માટે પાંચ રન બનાવવાના હતા. છેલ્લી ઓવરનો પહેલો બૉલ વાઇડ બાદ કૅપ્ટન અવધ ઠક્કરે બાઉન્ડરી ફટકારીને ટીમને ૯ વિકેટે જીત અપાવીને ૧૨મી સીઝનમાં શુભ શરૂઆત કરાવી આપી હતી. કૅપ્ટન અવધ ઠક્કરે ૨૯ બૉલમાં એક સિક્સર અને છ ફોર સાથે અણનમ ૪૦ રન બનાવ્યા હતા. અવધ સાથે તેનો મોટો ભાઈ જયેશ ઠક્કર ૭ બૉલમાં પાંચ રન બનાવીને અણનમ રહ્યો હતો. અણનમ ૪૦ રનની ઇનિંગ્સ બદલ અવધ ઠક્કર મૅન ઑફ ધ મૅચ જાહેર થયો હતો.

આ પણ વાંચોઃ 'મિડ-ડે' આયોજિત TEN10 કપની આજથી થઈ શરૂઆત, જુઓ ફોટોઝ

 ટૂંકો સ્કોર 

કચ્છી કડવા પાટીદાર : ૧૦ ઓવરમાં ૬ વિકેટે ૯૩ રન (૨૩ બૉલમાં ૩ ફોર સાથે ૨૭, વેદાંશ ધોળુ ૨૦ બૉલમાં ચાર ફોર સાથે ૨૪ અને દિલીપ રંગાણી ૧૦ બૉલમાં બે સિક્સર સાથે ૧૭ રન, દર્શન કતિરા ૧૦ રનમાં અને ધþુવ ઠક્કર ૨૦ રનમાં બે વિકેટ, મિહિર કોટક ૧૯ અને જય સચદે ૨૧ રનમાં એક-એક વિકેટ)

કચ્છી લોહાણા : ૯.૧ ઓવરમાં એક વિકેટે ૯૪ રન (અવધ ઠક્કર ૨૯ બૉલમાં એક સિક્સર અને ૬ ફોર સાથે અણનમ ૪૦ અને કપિલ સોતા ૧૯ બૉલમાં એક સિક્સર અને ત્રણ ફોર સાથે ૨૫ રન, હિરેન રંગાણી ૯ રનમાં એક વિકેટ)