દાયકામાં હાઇએસ્ટ ઇન્ટરનૅશનલ રન કરનાર પ્લેયર બન્યો કોહલી

16 August, 2019 09:02 AM IST  |  પોર્ટ ઑફ સ્પેન

દાયકામાં હાઇએસ્ટ ઇન્ટરનૅશનલ રન કરનાર પ્લેયર બન્યો કોહલી

દાયકામાં હાઇએસ્ટ ઇન્ટરનૅશનલ રન કરનાર પ્લેયર બન્યો કોહલી

ક્રિકેટ જગતમાં નિયમિતરૂપે એક રેકૉર્ડ તૂટી નવો રેકૉર્ડ બનતો જ હોય છે. હાલમાં વેસ્ટ ઇન્ડીઝ સામે રમાયેલી ૩ વન-ડેની સિરીઝમાં ભારતે ૨-૦થી બાજી તો મારી લીધી, પણ પ્લેયર તરીકે એક ખાસ રેકૉર્ડ બનાવવામાં કૅપ્ટન કોહલીએ બાજી મારી લીધી છે.
વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે સિરીઝમાં કોહલીએ સતત બે સેન્ચુરી ફટકારી હતી, જેને કારણે એક ડિકેડ એટલે કે એક દસકામાં ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવનાર પ્લેયરોના લિસ્ટમાં વિરાટ કોહલી ટૉપ પર પહોંચી ગયો છે. એક દાયકામાં તેણે ૨૦,૦૦૦ રન કરવાનું કીર્તિમાન રચ્યું છે, જ્યારે બીજા ક્રમાંકે ઑસ્ટ્રેલિયન પ્લેયર રિકી પૉન્ટિંગનું નામ આવે છે જેણે એક દાયકામાં ૧૮,૯૬૨ રન કર્યા હતા.
આ લિસ્ટમાં જૅક કૅલિસ ૧૬,૭૭૭ રન સાથે ત્રીજા ક્રમાંકે છે, જ્યારે અન્ય પ્લેયરોમાં માહેલા જયવર્દને ૧૬,૩૦૪ રન, કુમાર સંગકારા ૧૫,૯૯૯ રન, સચિન તેન્ડુલકર ૧૫,૯૬૨ રન, રાહુલ દ્રવિડ ૧૫,૮૫૩ રન અને હાશિમ આમલા ૧૫,૧૮૫નો સમાવેશ છે.
એક દસકામાં સૌથી વધારે રન કરવાના રેકૉર્ડ ઉપરાંત કોહલીએ સચિન તેન્ડુલકરના વન-ડે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં કોઈ એક ટીમ સામે સૌથી વધારે સેન્ચુરી કરવાના રેકૉર્ડની પણ બરાબરી કરી છે. કોહલીએ વેસ્ટ ઇન્ડીઝ સામે અત્યાર સુધી ૯ વખત સેન્ચુરી ફટકારવામાં સફળતા મેળવી છે, જ્યારે સચિન તેન્ડુલકરે ઑસ્ટ્રેલિયા સામે ૯ વખત સેન્ચુરી ફટકારી હતી. કૅપ્ટન તરીકે સૌથી વધુ વન-ડે સેન્ચુરી કરવાના ઑસ્ટ્રેલિયાના રિકી પૉન્ટિંગના રેકૉર્ડથી પણ વિરાટ કોહલી માત્ર એક સેન્ચુરી દૂર છે. પૉન્ટિંગે કૅપ્ટન તરીકે ટોટલ બાવીસ વન-ડે સેન્ચુરી ફટકારી છે, જ્યારે કોહલીની સેન્ચુરીનો આંકડો ૨૧ પર પહોંચ્યો છે.

virat kohli sports news