નંબર-વનનો તાજ છીનવવા કોહલી સ્મિથની નજીક પહોંચ્યો

15 October, 2019 06:02 PM IST  |  મુંબઈ ડેસ્ક

નંબર-વનનો તાજ છીનવવા કોહલી સ્મિથની નજીક પહોંચ્યો

દુબઈ : (પી.ટી.આઇ.) ઇન્ડિયન ટીમે સાઉથ આફ્રિકાને ઘરઆંગણે ટેસ્ટ સિરીઝમાં ૨-૦થી માત આપીને વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં ૨૦૦ પૉઇન્ટ મેળવીને પહેલો ક્રમાંક હાંસલ કરી લીધો છે અને એની સાથે ૨૫૪ રનની નાબાદ ઇનિંગ રમનાર કૅપ્ટન વિરાટ કોહલી સહિત અનેક ભારતીય ખેલાડીઓના રૅન્કિંગ્સમાં ઉછાળો જોવા મ‍ળ્યો છે. 

કોહલી પોતાની ડબલ સેન્ચુરીવાળી ઇનિંગને કારણે આઇસીસી ટેસ્ટ રૅન્કિંગ્સમાં ફરી એક વાર નંબર-વનનો તાજ છીનવવા સ્ટીવન સ્મિથની નજીક પહોંચી ગયો છે. ઍશિઝ સિરીઝમાં ધુંઆધાર બૅટિંગ કરી ઑસ્ટ્રેલિયન પ્લેયર સ્ટીવન સ્મિથે કોહલી પાસેથી નંબર-વનનો તાજ છીનવી લીધો, પણ જો કોહલી હવે ત્રીજી મૅચમાં પણ મોટો સ્કોર કરે તો તે ફરી એક વાર આઇસીસી ટેસ્ટ રૅન્કિંગ્સમાં પહેલો ક્રમાંક પ્રાપ્ત કરી લેશે. હાલમાં સ્મિથ ૯૩૭ રેટિંગ સાથે પહેલા ક્રમાંકે અને કોહલી ૯૩૬ રેટિંગ સાથે બીજા ક્રમાંકે છે.
કોહલી ઉપરાંત ચેતેશ્વર પુજારા ૮૧૭ અને અજિંક્ય રહાણે ૭૨૧ રૅન્ક સાથે આ યાદીમાં અનુક્રમે ચોથા અને નવમા ક્રમાંકે છે. મયંક અગરવાલે પણ ટૉપ-૨૦ પ્લેયરોમાં પોતાની જગ્યા બનાવવામાં સફળતા મેળ‍વી છે. બોલરોના રૅન્કિંગ્સમાં જસપ્રીત બુમરાહે પોતાનું ત્રીજું સ્થાન જાળવી રાખ્યું છે, જ્યારે ટેસ્ટ-કરીઅરમાં ૩૫૦થી વધારે વિકેટ લેનાર રવિચંદ્રન અશ્વિને ત્રણ રૅન્કનો ઉછાળો મારી સાતમો ક્રમ હાંસલ કર્યો છે.
ઑલરાઉન્ડરોની યાદીમાં ગુજરાતી પ્લેયર રવીન્દ્ર જાડેજા ૪૧૪ રૅન્ક સાથે બીજા નંબરે પહોંચ્યો છે. રવિચંદ્રન અશ્વિન આ યાદીમાં ૩૨૮ રૅન્ક સાથે પાંચમા નંબરે છે. વેસ્ટ ઇન્ડીઝનો ઑલરાઉન્ડર જેસન હોલ્ડર ૪૭૨ રૅન્ક સાથે પહેલા ક્રમાંકે છે.

virat kohli steve smith sports sports news cricket news