મંધાનાની મહેનત પાણીમાં, ન્યુ ઝીલૅન્ડે કર્યો વાઇટવૉશ

11 February, 2019 10:42 AM IST  | 

મંધાનાની મહેનત પાણીમાં, ન્યુ ઝીલૅન્ડે કર્યો વાઇટવૉશ

ધો ડાલા : ભારતને ૦-૩થી હરાવ્યા બાદ ન્યુ ઝીલૅન્ડની ટીમના ખેલાડીઓ.

ઓપનર સ્મૃતિ મંધાનાની (૮૬) દમદાર ઇનિંગ્સ છતાં ભારતીય મહિલા ટીમ ગઈ કાલે ન્યુ ઝીલૅન્ડ સામે ત્રીજી વ્૨૦માં બે રનથી હારી ગઈ હતી. હૅમિલ્ટનમાં સિરીઝની છેલ્લી વ્૨૦માં ન્યુ ઝીલૅન્ડની મહિલા ટીમે ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરતાં ૭ વિકેટે ૧૬૧ રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ આ મૅચમાં ૨૦ ઓવરમાં ૪ વિકેટે ૧૫૯ રન જ બનાવી શકી હતી. આ સાથે જ ભારતીય ટીમ ૩-૦થી હારી ગઈ હતી. વન-ડે સિરીઝ ૨-૧થી જીતી હતી, પરંતુ વ્૨૦માં તે પોતાના પ્રદર્શનને જાળવી શકી નહોતી.

સિરીઝમાં સારું પ્રદર્શન કરનાર બાવીસ વર્ષની સ્મૃતિએ આ મૅચમાં પણ શાનદાર ઇનિંગ્સ રમી હતી. તેણે વ્૨૦માં કરીઅરની ૮મી હાફ સેન્ચુરી ૩૩ બૉલમાં પૂરી કરી હતી. તે પોતાની પહેલી સેન્ચુરી તરફ આગળ વધી રહી હતી. તેણે ૬૨ બૉલમાં ૧૨ ચોગ્ગા અને ૧ સિક્સર ફટકાર્યા હતા. સોફી ડિવાઇને તેને આઉટ કરી હતી. સ્મૃતિ આઉટ થયા બાદ ભારતની આશા મિતાલી રાજ (નૉટઆઉટ) પાસે હતી, પરંતુ તે પણ જિતાડી શકી નહોતી. દીપ્તિ શર્માએ પણ નૉટઆઉટ ૨૧ રન બનાવ્યા હતા. ૭૨ રન ફટકારવા ઉપરાંત બોલિંગમાં બે વિકેટ લેનાર સોફી ડિવાઇનને પ્લેયર ઑફ ધ મૅચ જાહેર કરાઈ હતી.

છેલ્લી રોમાંચક ઓવર

ભારતને છેલ્લી ઓવરમાં જીત માટે ૧૬ રનની જરૂર હતી. બોલર હતી લી કાસ્પરક. તો બૅટ્સવિમેન્સ હતી મિતાલી રાજ અને દીપ્તિ શર્મા. પહેલા બૉલમાં મિતાલીએ ચોગ્ગો ફટકાર્યો તો બીજા બૉલમાં ૧ રન લીધો. ત્યાર બાદ દીપ્તિએ ત્રીજા બૉલમાં ચોગ્ગો ફટકાર્યો હતો. ચોથા બૉલમાં બે રન લીધા. પાંચમા બૉલમાં ૧ રન લીધો. આમ છેલ્લા બૉલમાં ભારતને જીત માટે ૪ રન કરવાના હતા, પરંતુ તે માત્ર બે રન જ કરી શક્યું હતું.

india new zealand cricket news sports news