જેમાઇમા રૉડ્રિગ્સના ૭૨ રન રોમાંચક મૅચમાં ગયા વ્યર્થ

09 February, 2019 10:08 AM IST  | 

જેમાઇમા રૉડ્રિગ્સના ૭૨ રન રોમાંચક મૅચમાં ગયા વ્યર્થ

નિરાશા: રૉડ્રિગ્સના ૭૨ રન પણ ટીમને હારમાંથી બચાવી નહોતા શક્યા.

ઑકલૅન્ડના ઈડન પાર્ક ગ્રાઉન્ડમાં ભારત અને ન્યુ ઝીલૅન્ડની વિમેન્સ ટીમ વચ્ચે રમાયેલી સિરીઝની બીજી T૨૦ ઇન્ટરનૅશનલ મૅચમાં હરમનપ્રીત કૌરની કૅપ્ટન્સીમાં ભારતની ટીમે પહેલી મૅચનું રિહર્સલ કર્યું હતું. મુંબઈની જોડી સ્મૃતિ મંધાના અને ૧૮ વર્ષની જેમાઇમા રૉડ્રિગ્સ સિવાય એકેય પ્લેયર ડબલ ફિગરમાં પહોંચી શકી નહોતી. ટૉસ જીતીને ન્યુ ઝીલૅન્ડની કૅપ્ટન ઍમી સૅટરથ્વેઇટે ભારતને પહેલાં બૅટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. ભારતની સ્મૃતિ-જેમાઇમા વચ્ચે બીજી વિકેટ માટે ૭ ઓવરમાં ૬૩ રનની પાર્ટનરશિપ થઈ હતી. એમ છતાં ભારતની ટીમ ૨૦ ઓવરમાં ૬ વિકેટે ફક્ત ૧૩૫ રન બનાવી શકી હતી.

ન્યુ ઝીલૅન્ડની ઓપનર સુઝી બેટ્સે બાવન બૉલમાં પાંચ ફોરની મદદથી ૬૨ અને કૅપ્ટન ઍમી સૅટરથ્વેઇટે ૨૩ રન બનાવીને ૧૪.૩ ઓવરમાં ૧૦૧ રન બનાવી લીધા હતા. અહીંથી મૅચ રોમાંચક તબક્કામાં પ્રવેશી હતી. યજમાન ટીમને મૅચ જીતવા ૩૨ બૉલમાં ૩૫ રન કરવાના હતા અને એણે છેલ્લી ૩ ઓવરમાં ૧૦ બૉલમાં ૩ વિકેટ ગુમાવી દીધી હતી. અંતે તેમણે છેલ્લા બૉલે ૩ વિકેટ બાકી હતી ત્યારે વિનિંગ રન ફટકારીને મૅચ અને સિરીઝ જીતી હતી.

આ પણ વાંચો : કર્ટની વૉલ્શ સામે રમવામાં થતી હતી મુશ્કેલી, અઝહરનો સ્વીકાર

મૅચ પછી ભારતની કૅપ્ટન હરમનપ્રીત કૌરે મીડિયાને કહ્યું ‘એમાં કોઈ શક નથી કે ન્યુ ઝીલૅન્ડની ટીમ અમારા કરતાં સારું ક્રિકેટ રમી. સિરીઝ-પરાજયથી અમે નિરાશ નથી, અમે અહીં સારું પર્ફોર્મ કરવા આવ્યાં હતાં અને અમે અહીં સારું પર્ફોર્મ કર્યું. ભલે અમે સિરીઝ ન જીત્યાં, પણ ઘણું શીખ્યાં. અમારી પાસે યંગ ટીમ છે અને ઘણી ખેલાડીઓ ૧૦ મૅચ પણ નથી રમી, છતાં ઘણું શીખવા મળ્યું.’

india new zealand cricket news sports news