પાકિસ્તાન ટૂર બૉયકૉટ કરવામાં ભારતનો કોઈ હાથ નથી : હરીન ફર્નાન્ડો

12 September, 2019 12:32 PM IST  |  નવી દિલ્હી

પાકિસ્તાન ટૂર બૉયકૉટ કરવામાં ભારતનો કોઈ હાથ નથી : હરીન ફર્નાન્ડો

હરીન ફર્નાન્ડો

પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચેની સિરીઝમાં હવે બન્ને દેશોના પ્રધાનોને વચ્ચે પડવાનો વારો આવ્યો છે. પાકિસ્તાનમાં થનારી સિરીઝ માટે શ્રીલંકાના ટોચના ૧૦ પ્લેયરોએ નકારો કર્યો હતો જેના માટે તેમને પોતાના દેશના ખેલ મંત્રાલય તરફથી સંપૂર્ણ ટેકો પ્રાપ્ત છે. ૨૦૦૯માં પાકિસ્તાન ગયેલી શ્રીલંકન ટીમ પર થયેલા આતંકવાદી હુમલાને કારણે શ્રીલંકન પ્લેયરોએ આ વખતે પાકિસ્તાન ટૂરમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. શ્રીલંકન ટીમ પાકિસ્તાન ન જઈ રહી હોવાથી પાકિસ્તાનના વિજ્ઞાન અને તંત્રજ્ઞાન પ્રધાન ફવાદ ચૌધરીએ આમાં ભારતની સંડોવણી હોવાનો આરોપ મૂક્યો હતો જેને હવે શ્રીલંકાના ખેલપ્રધાન હરીન ફર્નાન્ડોએ નકાર્યો છે. આ વાતની સ્પષ્ટતા કરતાં તેમણે કહ્યું હતું કે ‘ભારતીયો દ્વારા શ્રીલંકન પ્લેયરોની કાનભંભેરણીના સમાચારમાં કોઈ તથ્ય નથી. સંપૂર્ણપણે ૨૦૦૯ના કિસ્સાને ધ્યાનમાં રાખીને જ કેટલાક પ્લેયરોએ પાકિસ્તાન ન જવાનો નિર્ણય લીધો છે. તેમના નિર્ણયને માન આપીને અમે એ જ પ્લેયરોને પસંદ કર્યા છે જે પાકિસ્તાન જવા માટે તૈયાર છે. આશા રાખું છું કે પાકિસ્તાનને તેમની ધરતી પર હરાવવા માટે અમારી ટીમ બધી રીતે તૈયાર છે.’

આ પણ વાંચો : નાઇટહૂડને લઈને શરૂ થયેલી કન્ટ્રોવર્સીથી મને ફરક નથી પડતો : જ્યૉફ્રી બૉયકૉટ

પ્રાપ્ત માહિતી મુજબ શ્રીલંકાના પ્લેયરો પર આંતકી હુમલો થવાના ભયે શ્રીલંકન ક્રિકેટ પાકિસ્તાનમાં પોતાના ક્રિકેટરોની સુરક્ષા અંગે વધુ એક વાર સમીક્ષા કરશે જેને કારણે બન્ને ટીમો વચ્ચેની સિરીઝ પર હાલમાં પ્રશ્નચિહ્ન લાગવાની સંભાવના છે. શ્રીલંકા અને પાકિસ્તાન ત્રણ વન-ડે, ત્રણ ટી૨૦ મૅચની સિરીઝ રમવાની છે.

sri lanka india pakistan cricket news sports news