સ્મિથ પર ભારે પડી રોહિતની સેન્ચુરી

20 January, 2020 12:37 PM IST  |  Mumbai Desk

સ્મિથ પર ભારે પડી રોહિતની સેન્ચુરી

બૅન્ગલોરના એમ. ચેન્નાસ્વામી સ્ટેડિયમમાં ગઈ કાલે રમાયેલી ઑસ્ટ્રેલિયા સામેની અંતિમ અને નિર્ણાયક મૅચમાં રોહિત શર્મા (૧૧૯) અને કૅપ્ટન વિરાટ કોહલી (૮૯) વચ્ચે થયેલી નિર્ણાયક ૧૩૭ રનની પાર્ટનરશિપને કારણે ભારતે સિરીઝ ૨-૧થી પોતાના નામે કરવામાં સફળતા મેળવી હતી. ઇન્ડિયન ટીમે આ મૅચ ૭ વિકેટે જીતીને ૨૦૨૦માં વન-ડે સિરીઝની વિજયી શરૂઆત કરી હતી. ધમાકેદાર ઇનિંગ રમનાર રોહિત શર્મા પ્લેયર ઑફ ધ મૅચ રહ્યો હતો, જ્યારે વિરાટ કોહલીને પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ જાહેર કરવામાં આવ્યો હતો. આમ ભારતે ગયા વર્ષનો માર્ચ મહિનામાં ઘરઆંગણે સિરીઝ હારવાનો બદલો પણ લઈ લીધો હતો. મુંબઈમાં રમાયેલી પહેલી મૅચમાં ૧૦ વિકેટે હાર છતાં રાજકોટ અને બૅન્ગલોરમાં રમાયેલી મૅચ જીતી લીધી હતી. 

આ વખતે પણ સતત ત્રીજી વાર ઑસ્ટ્રેલિયા ટૉસ જીત્યું હતું, પણ આ વખતે એણે પહેલાં બૅટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓપનિંગ બૅટ્સમૅન ઍરોન ફિન્ચ અને ડેવિડ વૉર્નરને સસ્તામાં આઉટ કરવામાં ઇન્ડિયન બોલરોને સફળતા મળી હતી. ત્રીજી વિકેટ માટે માર્નસ લબુશેન અને સ્ટીવન સ્મિથ વચ્ચે ૧૨૭ રનની પાર્ટનરશિપ થઈ હતી. માર્નસે પોતાની વન-ડે કરીઅરની પહેલી હાફ સેન્ચુરી આ મૅચમાં ફટકારી હતી, જ્યારે સ્ટીવન સ્મિથ ૧૪ બાઉન્ડરી અને એક સિક્સરની મદદથી ૧૩૨ બૉલમાં ૧૩૧ રનની ધમાકેદાર ઇનિંગ રમ્યો હતો. ઍ‍લેક્સ કૅરી ૩૫ રન બનાવીને આઉટ થયો હતો. આ ઉપરાંત મહેમાન ટીમના પાંચ પ્લેયર્સ એકઅંકી આંકડામાં પૅવિલિયનભેગા થઈ ગયા હતા. ઑસ્ટ્રેલિયાએ ૫૦ ઓવરમાં ૯ વિકેટે ૨૮૬ રન બનાવ્યા હતા.

આ સિરીઝ જીતી લીધા બાદ ટીમ ઇન્ડિયા ૨૪ જાન્યુઆરીએ ન્યુ ઝીલૅન્ડ સામે પાંચ ટી૨૦ મૅચમાંની પહેલી ટી૨૦ મૅચ રમશે.

અજબ-ગજબ
૧૯ જાન્યુઆરી ૨૦૧૭ - સ્ટીવન સ્મિથે વન-ડેમાં આઠમી સેન્ચુરી ફટકારી
૧૯ જાન્યુઆરી ૨૦૨૦ - સ્ટીવન સ્મિથે વન-ડેમાં નવમી સેન્ચુરી ફટકારી

9000
રોહિત શર્મા વન-ડેમાં ગઈ કાલે આટલા રન સૌથી ઝડપથી પૂરા કરનારો ત્રીજો પ્લેયર બન્યો હતો. તેણે ૨૧૬ ઇનિંગમાં આટલા રન પૂરા કર્યા હતા.
5000
વન-ડેમાં કૅપ્ટન તરીકે વિરાટ કોહલીએ ગઈ કાલે આટલા રન પૂરા કર્યા હતા. આ માટે તેણે ૮૨ ઇનિંગ રમી હતી.
4000
સ્ટીવન સ્મિથે ગઈ કાલે વન-ડેમાં આટલા રન પૂરા કર્યા હતા જે માટે તે ૧૦૬ ઇનિંગ રમ્યો હતો.
9
સ્ટીવન સ્મિથે ગઈ કાલે આટલામી સેન્ચુરી ફટકારી હતી જેમાંથી ઇન્ડિયા સામે તેની આ ત્રીજી સેન્ચુરી હતી.

જાન્યુઆરી ૨૦૧૯ બાદ વન-ડેમાં ડેથ ઓવરમાં સૌથી વધારે વિકેટ
૨૨ મુસ્તફીઝુર રહેમાન
૧૯ મોહમ્મદ શમી
૧૬ ભુવનેશ્વર કુમાર
૧૫ લોકી ફર્ગ્યુસન

sports news sports cricket news australia india