IND vs SA: બેટિંગ‍‍નો બાદશાહ રોહિત શર્મા

06 October, 2019 11:39 AM IST  |  વિશાખાપટ્ટનમ

IND vs SA: બેટિંગ‍‍નો બાદશાહ રોહિત શર્મા

રોહિત શર્મા

ભારતે ગઈ કાલે ૩૨૩ રન કરી સાઉથ આફ્રિકાને ૩૯૪ રનની લીડ આપી છે. વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપના ભાગરૂપે રમાઈ રહેલી ત્રણ ટેસ્ટ મૅચોની સિરીઝમાંની પહેલી ટેસ્ટમાં ગઈ કાલના ચોથા દિવસે ભારતે મજબૂત સ્થિતિ મેળવી લીધી હતી. ઓપનર તરીકે રોહિત શર્મા ફરી એક વાર પોતાની ક્ષમતા પુરવાર કરવામાં સફળ રહ્યો હતો. તેણે બીજી ઇનિંગમાં પણ સેન્ચુરી મારી ૧૨૭ રનની પારી રમી હતી.

ચોથા દિવસની શરૂઆતમાં સાઉથ આફ્રિકન ટીમ ૪૩૧ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી અને ભારતે ૭૧ રનની લીડ બનાવી રાખી હતી. જોકે બીજી ઇનિંગમાં મયંકનું બૅટ શાંત રહ્યું હતું અને તે માત્ર સાત રન કરીને આઉટ થયો હતો. રોહિત શર્મા અને ચેતેશ્વર પૂજારાએ ટીમના સ્કોરમાં મહત્ત્વનું યોગદાન આપ્યું અને બીજી વિકેટ માટે ૧૬૯ રનની પાર્ટનરશિપ કરી હતી. પૂજારા ૮૧ રન કરીને ફિલૅન્ડરનો શિકાર થયો હતો અને પોતાની સેન્ચુરી ચૂકી ગયો હતો. ચોથા નંબરે રમવા આવેલા ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ પણ ત્રણ સિક્સર સાથે ૩૨ બૉલમાં ૪૦ રન કર્યા હતા.

વિરાટ કોહલી અને અજિંક્ય રહાણેએ નાબાદ ૩૧ અને ૨૭ રનના વ્યક્તિગત સ્કોર પર ચાર વિકેટે ૩૨૩ રન બનાવી ઇનિંગ ડિક્લેર કરી હતી અને મહેમાન ટીમ પર પહેલી ઇનિંગના બાકી રહેલા ૭૧ રન સાથે કુલ ૩૯૪ રનની લીડ મેળવી લીધી હતી.

ભારતે આપેલા લક્ષ્યને પ્રાપ્ત કરવા ઊતરેલી સાઉથ આફ્રિકન ટીમે બીજી ઇનિંગમાં ગઈ કાલે નવ ઓવર રમી હતી જેમાં ૧૧ રન કરી એક વિકેટ ગુમાવી હતી. પહેલી ઇનિંગમાં ૧૬૦ રનની પારી રમનારા ડીન એલ્ગરના રૂપમાં આ વિકેટ રવીન્દ્ર જાડેજાના ખાતામાં ઉમેરાઈ હતી. આજે ખેલના પાંચમા દિવસે સાઉથ આફ્રિકન પ્લેયરો શેષ રહેલા ૩૮૪ રનને પ્રાપ્ત કરવા મેદાનમાં ઊતરશે અને ભારતીય પ્લેયર શું રણનીતિ અપનાવી તેમને ઑલઆઉટ કરવાનો પ્રયાસ કરે છે એ જોવા જેવું રહેશે.

કેશવ મહારાજનો શિકાર બન્યો રોહિત

બન્ને ઇનિંગ્સમાં રોહિત શર્માએ સેન્ચુરી ફટકારી હતી, પણ સાથે-સાથે બન્ને ઇનિગ્સમાં તે કેશવ મહારાજનો જ શિકાર બન્યો હતો.

ટેસ્ટ-ઓપનર તરીકે સૌથી વધુ રન રોહિતના

ટેસ્ટ મૅચમાં ઓપનર તરીકે રોહિત શર્મા પોતાની પહેલી મૅચ રમી રહ્યો છે. આ મૅચની બન્ને ઇનિંગ્સમાં તેણે સેન્ચુરી ફટકારીને કુલ ૩૦૩ રન બનાવ્યા હતા. જોકે એક ટેસ્ટ-ઓપનર તરીકે સૌથી વધારે રન કરવાનો રેકૉર્ડ પણ રોહિતે પોતાના નામે નોંધાવ્યો છે. તેણે ઑસ્ટ્રેલિયાના એક સમયના ઓપનર કેપ્લર વેસલ્સનો રેકૉર્ડ તોડ્યો છે. કેપ્લરે ૧૯૮૨-’૮૩માં ઇંગ્લૅન્ડ સામેની મૅચમાં અનુક્રમે ૧૬૨ અને ૪૬ મળી કુલ ૨૦૮ રન બનાવ્યા હતા. આ ઉપરાંત ટેસ્ટ-ઓપનર તરીકે બન્ને ઇનિંગ્સમાં સેન્ચુરી ફટકારવાનો રેકૉર્ડ પણ રોહિતે પોતાના નામે કર્યો છે. સતત સાતમી હાફ સેન્ચુરી કરવામાં પણ રોહિતને સફળતા મળી છે.

ટેસ્ટમાં રોહિત બન્યો સિક્સર-કિંગ

બન્ને ઇનિંગ્સમાં અનુક્રમે ૧૭૬ અને ૧૨૭ મળી કુલ ૩૦૩ રન કરનાર રોહિત શર્માએ આ મૅચમાં અનુક્રમે ૬ અને ૭મળી કુલ ૧૩ સિક્સર ફટકારીને નવો રેકૉર્ડ કર્યો હતો. અત્યાર સુધી એક મૅચમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકૉર્ડ પાકિસ્તાનના વસીમ અકરમના નામે હતો, જે ૧૯૯૬માં નૉટઆઉટ ૨૫૭ રનની પારી રમ્યો હતો અને એમાં તેણે ૧૨ સિક્સર મારી હતી.

ભારતીય પ્લેયરોમાં આ રેકૉર્ડ નવજોત સિંહ સિધુના નામે હતો, જેણે ૧૯૯૪માં લખનઉમાં શ્રીલંકા સામેની મૅચમાં પહેલી ઇનિંગમાં જ ૮ સિક્સર મારી હતી, પણ બીજી ઇનિંગ રમવાનો તેનો વારો જ આવ્યો નહોતો.

india south africa cricket news sports news rohit sharma