ભવિષ્યમાં પ્લેયર્સ વધુ બ્રેક લઈ શકશે : કોહલી

20 February, 2020 12:34 PM IST  |  Mumbai Desk

ભવિષ્યમાં પ્લેયર્સ વધુ બ્રેક લઈ શકશે : કોહલી

વિરાટ કોહલીનું કહેવું છે કે ભવિષ્યમાં ઇન્ડિયન ટીમ અત્યાર કરતાં વધુ સારી રીતે બ્રેક લઈ શકશે. આવતી કાલથી ભારત અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચેની પહેલી ટેસ્ટ મૅચ શરૂ થવાની છે એવામાં ગઈ કાલે કોહલીએ મીડિયાને સંબોધતી વખતી પ્લેયરો માટેની ભાવિ સંભાવનાઓ વ્યક્ત કરી હતી. ટીમમાં કોહલી સહિત એવા અનેક પ્લેયરો છે જે ક્રિકેટની ત્રણેય ફૉર્મેટમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી સતત રમી રમ્યા છે. આ પ્લેયરોને આરામ મળી રહે એ વિશે કોહલીએ કહ્યું હતું કે ‘આ કોઈનાથી છુપાવવાની વાત નથી. મારા ખ્યાલથી હું છેલ્લાં ૮-૯ વર્ષથી સતત રમી રહ્યો છું. વર્ષના લગભગ ૩૦૦ દિવસ રમવું, ટ્રાવેલ કરવું, પ્રૅક્ટિસ સેશનમાં ભાગ લેવો સર‍ળ નથી હોતું. હું એમ નથી કહેતો કે પ્લેયરો આ વિશે કશું વિચારતા નથી. શેડ્યુલ તમને પરવાનગી નથી આપતું છતાં પ્લેયરને વધુ બ્રેક મળે એવો અમે વિચાર કરી રહ્યા છીએ. ભવિષ્યમાં તમે ઘણા પ્લેયરોને બ્રેક લેતા જોઈ શકશો. ખાસ કરીને એ પ્લેયરો જે ત્રણેય ફૉર્મેટમાં રમે છે. એક કૅપ્ટન હોવું, પ્રૅક્ટિસ સેશનમાં ભાગ લેવો, ગેમ ડિસકસ કરવી ઘણું પડકારજનક હોય છે.’
કોહલીએ આ વિશે વધારે વાત કરતાં પોતાની ભવિષ્યની યોજનાઓની પણ વાત કરી હતી. વિરાટે કહ્યું કે ‘હું નાના-નાના બ્રેકને લઈને ત્રણે ફૉર્મેટમાં સરળતાથી રમી શકું છું. હાલમાં હું એ સ્થિતિમાં નથી કે સતત ગેમ ન રમી શકું. કદાચ આવતાં ૨-૩ વર્ષ સુધી મને વાંધો ન આવે, પણ ૩૪-૩૫ વર્ષની ઉંમરે મારી બૉડી જોઈએ એવું રિસ્પૉન્ડ ન પણ કરે. જોકે એ ભવિષ્યની વાત છે અને કદાચ એ સમયે મારો જ જવાબ અત્યારના જવાબ કરતાં અલગ પણ હોય. હું જાણું છું ટીમને મારી જરૂરત છે અને ૫-૬ વર્ષ સુધીમાં આપણે કંઈક સુધારા કરી શકીએ એવી આશા રાખીએ છીએ.’
ન્યુ ઝીલૅન્ડ સામેની ટી૨૦ સિરીઝ જીત્યા બાદ ઇન્ડિયાએ વન-ડે સિરીઝમાં વાઇટવૉશનો સ્વાદ ચાખ્યો હતો અને ટેસ્ટ ચૅમ્પિયનશિપના ભાગરૂપે બે ટેસ્ટ મૅચમાંની પહેલી મૅચ રમશે.

ફિટનેસ અને આત્મવિશ્વાસના સ્તરે અમે એવી રીતે તૈયારી કરી છે કે અમે વર્લ્ડમાં કોઈની પણ સામે લડી શકીએ છીએ. આ સિરીઝમાં અમે એ પ્રકારના કૉન્ફિડન્સ સાથે જ મેદાનમાં ઊતરીશું.
- વિરાટ કોહલી
મારા મગજમાં અલગ છબી છે અને ત્રણ વર્ષ સુધી અને ત્યાર બાદ પણ સરળતાથી રમી શકું એવી તૈયારી કરી રહ્યો છું. હાલમાં હું એ સ્થિતિમાં નથી કે સતત ગેમ ન રમી શકું. કદાચ આવતાં ૨-૩ વર્ષ સુધી મને વાંધો ન આવે, પણ ૩૪-૩૫ વર્ષની ઉંમરે મારી બૉડી જોઈએ એવું રિસ્પૉન્ડ ન પણ કરી શકે.
- વિરાટ કોહલી
અમારી આ ટૂરમાં ઇન્ડિયન હાઈ કમિશન સાથેની અમારી સાંજ યાદગાર રહી કેમ કે અહીં અમે માત્ર ભારતીયોને જ નહીં, પણ અહીંના લોકોને પણ મળ્યા. અમે બન્ને દેશોને એકબીજા પ્રત્યેની પ્રશંસા કરતા અને માન-સન્માનની વાતો કરતા પણ સાંભળ્યા છે અને એનાથી વધુ આપણને શું જોઈએ. જો અમારો પહેલો રૅન્ક શૅર કરવાની વારી આવે તો મારા ખ્યાલથી ન્યુ ઝીલૅન્ડની ટીમ એક માત્ર એવી ટીમ હશે જેની સાથે અમે પહેલો રૅન્ક શૅર કરીશું.’
- વિરાટ કોહલી

sports sports news cricket news virat kohli