ઑસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝમાં ભારતીય ટીમ કોઈ પ્રયોગ નહીં કરે

13 February, 2019 10:03 AM IST  | 

ઑસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝમાં ભારતીય ટીમ કોઈ પ્રયોગ નહીં કરે

ટીમ ઈન્ડિયા

આ વર્ષે ૩૦મેથી ૧૪ જુલાઈ સુધી વન-ડે વર્લ્ડ કપ રમાશે. આ પહેલાં ભારતીય ટીમ ઑસ્ટ્રેલિયા સામે પાંચ વન-ડે અને બે ટી20ની સિરીઝ રમશે. આ માટે ૧૫ ફેબ્રુઆરીએ શુક્રવારે સિલેક્શન સમિતિની મુંબઈમાં બેઠક થશે. આ બેઠકમાં સિલેક્ટરોનું ધ્યાન વર્કલોડ મૅનેજમેન્ટ પર હશે જેમાં ટી20 સિરીઝમાં રોહિત શર્માને આરામ આપવામાં આવે એવી શક્યતા છે. બીજી માર્ચથી હૈદરાબાદમાં પહેલી વન-ડે રમાશે. તો ૧૩ માર્ચે દિલ્હીમાં પાંચમી અને છેલ્લી વન-ડે રમાશે. ૨૪ ફેબ્રુઆરીએ વિશાખાપટનમાં પહેલી અને ૨૭ ફેબ્રુઆરીએ બૅન્ગલોરમાં બીજી રમાશે.

ઑસ્ટ્રેલિયા સામે જે ટીમ વન-ડે સિરીઝમાં રમશે લગભગ એ જ ટીમ ઇંગ્લૅન્ડમાં રમાનારા વર્લ્ડ કપમાં હશે. આ વિશે ટીમ-મૅનેજમેન્ટ અને સિલેક્શન સમિતિ વચ્ચે કોઈ મતભેદ નથી. વન-ડે સિરીઝમાં વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ૧૫ને બદલે ૧૬ સભ્યોની ટીમ પસંદ કરવામાં આવશે. પોતાનું નામ ન જણાવવાની શરતે ક્રિકેટ ર્બોડના એક અધિકારીએ કહ્યું હતું કે ટી20 સિરીઝ માટે રોહિત શર્માને આરામ આપવામાં આવશે. વિરાટ કોહલી જ ટીમની કૅપ્ટન્સી કરશે. જોકે વન-ડે ટીમમાં કોઈ પ્રયોગો કરવામાં નહીં આવે.’

આ પણ વાંચોઃ IND VS AUS:શુક્રવારે ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર થશે

વર્કલોડ મૅનેજમેન્ટ વિશે વાત કરતાં અધિકારીએ કહ્યું હતું કે ‘મોટા ભાગના વન-ડે ખેલાડીઓને બે સપ્તાહનો આરામ મળ્યો છે. પાંચ મૅચોની સિરીઝ દરમ્યાન ફાસ્ટ બોલરોને બદલવામાં આવશે, પરંતુ કોઈને પણ આરામ આપવામાં નહીં આવે. વર્લ્ડ કપ માટે માત્ર બે સ્પૉટ જ ખાલી છે. દિનેશ કાર્તિક અને રિષભ પંત વચ્ચે બીજા વિકેટકીપર અને ત્રીજા ઓપનરની જ જગ્યા ખાલી છે. પહેલી ત્રણ મૅચ દરમ્યાન ટીમ-મૅનેજમેન્ટ કોઈ પ્રયોગો નહીં કરે. છેલ્લી બે મૅચમાં શિખર ધવનને આરામ આપવાની યોજના છે. એથી લોકેશ રાહુલ ફૉર્મમાં વાપસી કરે અને તેને વર્લ્ડ કપ માટે તૈયાર રાખી શકાય.

team india australia sports news cricket news