IND vs SA: ઇન્ડિયાની આબરૂ બચાવી મુંબઈકરે

20 October, 2019 01:52 PM IST  |  રાંચી

IND vs SA: ઇન્ડિયાની આબરૂ બચાવી મુંબઈકરે

હૈ દમ : સેન્ચુરી માર્યા બાદ વાઇસ કૅપ્ટન અજિંક્ય રહાણે સાથે સેલિબ્રેટ કરતો રોહિત શર્મા.

રાંચીમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટના પહેલા દિવસે રોહિત શર્મા અને અજિંક્ય રહાણેએ ભારતની આબરૂ બચાવી લીધી હતી. સાઉથ આફ્રિકા સામેની ત્રીજી ટેસ્ટમાં ઇન્ડિયાએ ૫૮ ઓવરમાં ૩ વિકેટે ૨૨૪ રન બનાવ્યા હતા. ખરાબ વાતાવરણને કારણે મૅચ જલદી બંધ કરવામાં આવી હતી. આ ટેસ્ટમાં રોહિતે છઠ્ઠી ટેસ્ટ સેન્ચુરી એટલે કે ૧૧૭ રન અને રહાણેએ ૮૩ રન કરીને ઇન્ડિયાને એક સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યું હતું.

વિરાટ કોહલીએ ટૉસ જીતીને બૅટિંગ લીધી હતી. કૅગિસો રબાડાએ પાંચમી ઓવરના છેલ્લા બૉલમાં ૧૦ રન બનાવનાર ઓપનર મયંક અગરવાલની વિકેટ લીધી હતી. ઇન્ડિયન ટીમની શરૂઆત નબળી રહી હતી. મયંક બાદ ચેતેશ્વર પુજારા પણ રબાડાની આઠમી ઓવરના ત્રીજા બૉલમાં ઝીરો પર આઉટ થયો હતો. પુજારા બાદ કૅપ્ટન વિરાટ કોહલી અને રોહિત શર્માએ ટીમની કમાન સંભાળી હતી, પણ કોહલી પણ પંદરમી ઓવરના ત્રીજા બૉલમાં ૧૨ રન બનાવીને આઉટ થયો હતો. સાઉથ આફ્રિકાની ટીમમાં રબાડાએ ૧૪ ઓવરમાં ૫૪ રન આપીને બે વિકેટ લીધી હતી. સૌથી વધુ ૧૬ ઓવર એનરિટ નોટજેએ નાખી હતી, જેમાં તેણે ૫૦ રન આપીને કોહલીની વિકેટ લીધી હતી.

આ વિકેટ બાદ મુંબઈકર રોહિત અને અજિંક્ય રહાણે પર જવાબદારી વધી હતી. જોકે તેઓ તેમના પર રાખવામાં આવી રહેલી આશા પર ખરા ઊતર્યા હતા. ત્રણ વિકેટ બાદ તેમણે ૧૮૫ રનની પાર્ટનરશિપ કરી હતી, જેમાંથી ૧૦૦ રન રોહિતના અને ૮૩ રહાણેના હતા. રોહિતે કુલ ૧૧૭ રન બનાવ્યા હતા, જેમાં તેણે ૧૪ બાઉન્ડરી અને ચાર સિક્સર ફટકારી હતી. બીજા દિવસે રોહિત શર્મા કેટલા રન કરે અને રહાણે તેની સેન્ચુરી પૂરી કરે છે કે નહીં એ જોવાનું રહ્યું.

બંગલા દેશ સામેની ટી૨૦ સિરીઝ નહીં રમે કોહલી?

ઇન્ડિયન કૅપ્ટન વિરાટ કોહલી બંગલા દેશ સામેની ટી૨૦ સિરીઝમાં રમવાનો નથી, આરામ કરવાનો છે એવી ચર્ચા ચાલી રહી છે. ઇન્ડિયન ટીમ માટે વર્કલોડ સૌથી મહત્વનો છે એથી જ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. વિરાટે છેલ્લે જાન્યુઆરીમાં બ્રેક લીધો હતો. ત્યાર બાદ તે ઑસ્ટ્રેલિયા સિરીઝ, આઇપીએલ, વર્લ્ડ કપ, વેસ્ટ ઇન્ડીઝ ટૂર અને હવે સાઉથ આફ્રિકા સાથે ટેસ્ટ સિરીઝ રમી રહ્યો છે. તે હવે બંગલા દેશની ટી૨૦ સિરીઝમાંથી બ્રેક લેશે અને ફરી તેમની સામે ટેસ્ટ મૅચ રમવા માટે હાજર થઈ જશે.

સૌથી વધુ સિક્સર મારવાનો શિમરોન હેટમાયરનો રેકૉર્ડ તોડ્યો રોહિત શર્માએ

બે દેશ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકૉર્ડ રોહિત શર્માએ પોતાના નામે કરી લીધો છે. શનિવારે રમાયેલી ત્રીજી ટેસ્ટ મૅચના પહેલા દિવસે રોહિતે ચાર સિક્સર મારી હતી. વેસ્ટ ઇન્ડીઝના બૅટ્સમૅન શિમરોન હૅટમાયરે ૨૦૧૮-’૧૯માં બંગલા દેશ સામે ૧૫ સિક્સર ફટકારી હતી. જોકે આ સિરીઝમાં રોહિત શર્માએ અત્યાર સુધીમાં ૧૬ સિક્સર મારી છે. હૅટમાયર પહેલાં આ રેકૉર્ડ હરભજન સિંહના નામે હતો. તેણે ૨૦૧૦-’૧૧માં ન્યુ ઝીલૅન્ડ સામે ૧૪ સિક્સર ફટકારી હતી.

rohit sharma ajinkya rahane south africa india cricket news sports news