કરીઅરમાં જેટલું પણ ક્રિકેટ રમ્યો એનાથી હું ખૂબ જ સંતુષ્ટ છું:ઇરફાન પઠાણ

06 January, 2020 05:01 PM IST  |  Mumbai Desk

કરીઅરમાં જેટલું પણ ક્રિકેટ રમ્યો એનાથી હું ખૂબ જ સંતુષ્ટ છું:ઇરફાન પઠાણ

ઇન્ડિયન ક્રિકેટ ટીમના ઑલરાઉન્ડર પ્લેયર અને ‘સ્વિંગ કિંગ’ના નામે ઓળખાતા ઇરફાન પઠાણે ક્રિકેટના તમામ ફૉર્મેટમાંથી રિટાયમેન્ટ લઈ લીધી હોવાની જાહેરાત કરતાં અનેક ચાહકોનાં દિલ દુભાયાં હતાં. વળી ટીમના સાથી અને વર્તમાન પ્લેયરોએ તેને જીવનની નવી ઇનિંગ માટે શુભેચ્છા આપી હતી. આ બધી વાત વચ્ચે ઇરફાનનું કહેવું છે કે હું આજે જે કંઈ છું એ ક્રિકેટને લીધે છું અને જેટલી પણ ક્રિકેટ હું રમ્યો છું એનાથી ખુશ છું. 

મારી સફરથી ખુશ છું
પોતાના ક્રિકેટ કરીઅરની જર્નીને સંતોષકારક ગણાવતાં ઇરફાને કહ્યું કે ‘મારા માટે આ સફર સંતોષકારક રહી છે. તમને હંમેશાં કંઈક સારું જોઈતું હોય છે, સારી તક જોઈતી હોય છે. તમે જે પણ ગેમ રમો છો એમાં અલગ અને સારો પર્ફોર્મન્સ આપવા ધારો છો છતાં તમે દરેક ગેમમાં સફળ નથી થતા. મને યાદ છે કે મારા એક્સ-ક્રિક્રેટર મને કહેતા કે મારા સારા કરતાં ખરાબ દિવસો વધારે આવશે, પણ મારા મતે હું આજે જે છું એ ક્રિકેટને લીધે છું.’
ગાંગુલી-દ્રવિડની સરખામણી ન થઈ શકે
પઠાણ પોતાના ક્રિકેટ-કરીઅરની મોટા ભાગની મૅચો સૌરવ ગાંગુલી અને રાહુલ દ્રવિડના નેતૃત્વમાં રમ્યો છે. આ બન્ને પ્લેયરોની વાત કરતાં ઇરફાને કહ્યું કે ‘બન્ને પ્લેયરો પોતપોતાની જગ્યાએ બેસ્ટ છે. ઇન્ડિયન ક્રિકેટ ટીમ જ્યારે કપરા સમયમાં હતી ત્યારે સૌરવે ટીમને સંભાળી હતી. સિનિયર અને જુનિયર પ્લેયરો વચ્ચેની કડી બનવાનું કામ દ્રવિડ ખૂબ સારી રીતે કરી શકતો. આ બન્નેએ મને ઘણું શીખવ્યું છે. આપણે અન્ય કોઈ ટીમ કરતાં નબળા નથી એ વાત મને ગાંગુલીએ શીખવી, જ્યારે રાહુલ દ્રવિડે મને નવા બૉલ સાથે અને બૅટિંગ ઑર્ડરમાં ઉપર આવીને રમવાની તક વધારે આપી.’
ટૉપ-ઑર્ડરમાં રમાડવાનો આઇડિયા સચિન તેન્ડુલકરનો કોચ ગ્રેગ ચૅપલના વડપણમાં ઇરફાન પઠાણને ટૉપ ઑર્ડરમાં બૅટિંગ કરવાની તક મળી હતી. એ વિશે વાત કરતાં પઠાણે કહ્યું કે ‘મને ટૉપ ઑર્ડરમાં બૅટિંગ માટે મોકલવાનો આઇડિયા માત્ર ગ્રેગ ચૅપલનો નહીં, સચિન તેન્ડુલકરનો પણ હતો. બરોડા અન્ડર-૧૬માં હું ત્રીજા નંબરે બૅટિંગ કરવા આવતો અને રણજી ટ્રોફીમાં પણ હું ટૉપ ઑર્ડરમાં જ રમતો, પણ ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં કદાચ એ લાંબા સમય માટે શક્ય ન બન્યું.’

ઇરફાનની કરીઅર પર એક નજર
ઇરફાન પઠાણ પોતાની ક્રિકેટ-કરીઅરમાં કુલ ૨૯ ટેસ્ટ, ૧૨૦ વન-ડે અને ૨૪ ટી૨૦ મૅચ રમ્યો છે જેમાં તેણે અનુક્રમે ૧૧૦૫ રન અને ૧૦૦ વિકેટ, ૧૫૪૪ રન અને ૧૭૩ વિકેટ તેમ જ ૧૭૨ રન અને ૨૮ વિકેટ લીધી હતી. ૨૦૦૬માં પાકિસ્તાન સામેની ટેસ્ટ મૅચમાં હૅટ-ટ્રિક લેનારો આ પ્લેયર ટીમ ઇન્ડિયા માટે ૨૦૧૨માં છેલ્લી મૅચ રમ્યો હતો.

sports sports news irfan pathan cricket news