હવે વિમેન્સ લીગમાં ટીમોની સંખ્યા વધારવી જોઈએ : હરમનપ્રીત કૌર

13 May, 2019 12:56 PM IST  |  જયપુર | (પી.ટી.આઈ.)

હવે વિમેન્સ લીગમાં ટીમોની સંખ્યા વધારવી જોઈએ : હરમનપ્રીત કૌર

વિમેન પાવર : રોમાંચક જીત મેળવ્યા પછી સુપરનોવા ટીમની ખેલાડીઓ.

ત્રણ ટીમની પહેલી વિમેન્સ ટી૨૦ લીગ જીતનાર સુપરનોવા ટીમની કૅપ્ટન હરમનપ્રીત કૌરે જીત મેળવ્યા પછી પોસ્ટ-મૅચ પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું કે મેઇડન લીગની શાનદાર સફળતા પછી ટીમોની અને મૅચોની સંખ્યા વધારવી જોઈએ. સુપરનોવાએ શનિવારે વેલોસિટીને રોમાંચક મૅચમાં છેલ્લા બૉલે ૪ વિકેટથી હરાવીને આ મેઇડન લીગ જીતી હતી.

જીત મેળવ્યા પછી તેણે કહ્યું, ‘સૌથી પહેલાં આ ટુર્નામેન્ટ મારા માટે શાનદાર રહી. મને અને દરેક ખેલાડીને આ ટુર્નામેન્ટમાંથી ઘણું શીખવા મળ્યું. અમે ભારતમાં ટી૨૦ લીગ રમવા ઇચ્છતા હતા અને અમને આ આયોજનથી ઘણો આનંદ થયો છે. ૧૫,૦૦૦ લોકોને સ્ટેડિયમમાં ચિયર કરતાં જોઈને સુખદ આશ્ચર્ય થયું હતું. વિદેશના ખેલાડીઓએ આ લીગને મોટા પાયે આયોજન કરવાની હિમાયત કરી હતી જે બતાવે છે કે લીગનું વિસ્તરણ કરવું જરૂરી છે. તેઓ મને હંમેશાં પૂછે છે કે વિમેન્સ લીગ ભારતમાં ક્યારે રમાશે. તેઓ આ ટુર્નામેન્ટમાં વધુ મૅચો રમવા આતુર છે.’

આ પણ વાંચો : વર્લ્ડ કપની તૈયારી માટે આઇપીએલ સૌથી બેસ્ટ ટુર્નામેન્ટ : રોહિત શર્મા

ટુર્નામેન્ટમાં પોતાના પર્ફોર્મન્સ વિશે તેણે કહ્યું, ‘મને શીખવા મળ્યું કે મૅચ ફિનિશ કરતી વખતે દરેક વખતે સિક્સર ફટકારવી જરૂરી નથી, ફોર મારીને પણ ફિનિશ લાઇન સુધી પહોંચી શકાય છે. શનિવારે મેં અડધી મૅચ જિતાડી હતી અને બાકીનું કામ રાધા યાદવે પૂરું કર્યું હતું. રાધા યાદવ, જેમાઇમા રૉડ્રિગ્સ અને દિપ્તી જેવા યંગ ખેલાડીઓનું ભવિષ્ય આ લીગમાં ઊજળું છે.’

harmanpreet kaur cricket news sports news