100 ટી20 રમનાર પ્રથમ ભારતીય પ્લેયર બની હરમનપ્રીત કૌર

05 October, 2019 02:46 PM IST  |  સુરત

100 ટી20 રમનાર પ્રથમ ભારતીય પ્લેયર બની હરમનપ્રીત કૌર

હરમનપ્રીત કૌર

ઇન્ટરનૅશનલ ટી૨૦ મૅચમાં જે રેકૉર્ડ મોટા-મોટા ભારતીય પ્લેયરો નથી બનાવી શક્યા એ રેકૉર્ડ ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે કરી બતાવ્યો છે. સુરતમાં ગઈ કાલે સાઉથ આફ્રિકા મહિલા ટીમ સામે રમાયેલી છઠ્ઠી અને અંતિમ ટી૨૦ મૅચ હરમનપ્રીતની ૧૦૦મી મૅચ હતી. ૧૦૦ ઇન્ટરનૅશનલ ટી૨૦ મૅચ રમવાનો રેકૉર્ડ કરનાર તે પહેલી ભારતીય પ્લેયર બની છે. મહેન્દ્ર સિંહ ધોની અને રોહિત શર્મા પણ આ યાદીમાં હરમનપ્રીત કરતાં પાછળ છે. આ બન્ને પ્લેયરો અત્યાર સુધી કુલ ૯૮ ઇન્ટરનૅશનલ ટી૨૦ મૅચ રમ્યા છે.

આ યાદીમાં ન્યુ ઝીલૅન્ડની સુઝી બાટેસ અને ઑસ્ટ્રેલિયાની એલીસ પેરી ૧૧૧ મૅચ રમીને ટૉપ પર છે. ૧૦૦ ટી૨૦ મૅચ રમનારા પ્લેયરોની યાદીમાં તે દસમી પ્લેયર બની છે અને તેની સાથે આ યાદીમાં પાકિસ્તાનની બિસમાહ મારુફ અને વેસ્ટ ઇન્ડીઝની સ્ટેફની ટેલરનું નામ સામેલ છે.

આ પણ વાંચો : હરભજનસિંહે ‘ધ હન્ડ્રેડ’ ના ડ્રાફ્ટમાં નામ નોંધાવનાર એક માત્ર ભારતીય

થોડા સમય અગાઉ ટી૨૦માંથી રિટાયરમેન્ટ લઈ ચૂકેલી મિતાલી રાજ કુલ ૮૯ ટી૨૦ મૅચ રમી છે જ્યારે ઝુલન ગોસ્વામી ૬૮ અને વેડા ક્રિષ્ણમૂર્તિ ૬૩ મૅચ રમી ચૂકી છે. ગઈ કાલે સાઉથ આફ્રિકા સામેની મૅચ ભારતીય મહિલા ટીમ હારી ગઈ હતી, પણ સિરીઝ તેમણે ૩-૧થી જીતી લીધી હતી. બે મૅચ વરસાદને લીધે રદ કરવામાં આવી હતી. હવે ૯ ઑક્ટોબરથી બન્ને ટીમે વચ્ચે ત્રણ વન-ડે મૅચની સિરીઝ વડોદરામાં રમાશે.

harmanpreet kaur cricket news sports news