મારી અસ્વસ્થતાને વ્યવસ્થિત રીતે રજૂ કરવામાં આવી છે : ગૌતમ ગંભીર

02 May, 2019 12:01 PM IST  |  નવી દિલ્હી | (પી.ટી.આઇ.)

મારી અસ્વસ્થતાને વ્યવસ્થિત રીતે રજૂ કરવામાં આવી છે : ગૌતમ ગંભીર

ગૌતમ ગંભીર

ભારતના ભૂતપૂર્વ ઓપનિંગ બૅટ્સમૅન ગૌતમ ગંભીરનું માનવું છે કે તેને પેડી અપ્ટનની બુકમાં તેના વિશે કહેલી કોઈ વાત ખોટી નથી લાગતી. ભારતના ભૂતપૂર્વ મેન્ટલ કન્ડિશનિંગ કોચ પેડી અપ્ટને ‘ધ બેરફુટ કોચ’ નામની બુક લખી છે જેમાં તેણે પોતાની પ્રોફેશનલ કરીઅર દરમ્યાન થયેલા વિવિધ અનુભવો શૅર કર્યા છે. તેણે ગૌતમ ગંભીરને ‘નબળો અને માનસિક રીતે સૌથી અસ્વસ્થ ક્રિકેટર’ કહ્યો હતો. જોકે તાજેતરમાં પૉલિટિક્સમાં પ્રવેશ કરનાર ગંભીરને પેડીની કોઈ વાત ખોટી નથી લાગતી.

૨૦૦૭માં ટી૨૦ વર્લ્ડ કપ ફાઇનલ અને ૨૦૧૧માં વન-ડે વર્લ્ડ કપ ફાઇનલમાં અફલાતૂન મૅચ-વિનિંગ ઇનિંગ્સ રમનારા ગંભીરે મીડિયાને કહ્યું, ‘પેડી ખૂબ સારો માણસ છે અને તેણે કોઈ ખોટા ઇરાદાથી આ વાત નથી કહી. મને તેમનામાં પૂરો વિશ્વાસ છે. તેમણે મારી અસ્વસ્થતા વિશે સાચું જ લખ્યું છે. તેમણે એવું કંઈ નથી લખ્યું જે લોકોના ધ્યાનમાં ન હોય. તેમની વાતોથી મને જરાય દુ:ખ નથી થયું. મારે ભારતની ટીમને વર્લ્ડની બેસ્ટ ટીમ બનાવવી હતી એટલે હું સફળતાની વધુ પડતી ભૂખ રાખતો હતો. મને સેન્ચુરી કર્યા પછી સંતોષ નહોતો થતો અને ૨૦૦ રન કરવાની ભૂખ રાખતો હતો.’

તેણે વધુમાં કહ્યું, ‘હું જ્યારે બારમા ધોરણમાં હતો ત્યારે દિલ્હી માટે રણજી ટ્રોફીમાં ડેબ્યું કર્યું હતું, એ વખતે ટીમમાં ધરખમ ખેલાડીઓ અજય શર્મા, વિજય દહિયા, આકાશ મલ્હોત્રા હતા. ત્યારે કહેવાતું કે દિલ્હી ટીમમાં ટકવા માટે નબળા મનના ખેલાડીઓનું કોઈ કામ નથી. હું અન્ડર-૧૫ અને અન્ડર-૧૯ વર્લ્ડ કપ માટે રિજેક્ટ થયો હતો અને રિજેક્શને મને વધુ સ્ટ્રૉન્ગ બનવામાં મદદ કરી હતી. જો હું નબળા મનનો રહ્યો હોત તો ભારતને બે વર્લ્ડ કપ ન જિતાડી શક્યો હોત.’

આ પણ વાંચો : શાહિદ આફ્રિદીએ જાહેર કરી વિશ્વ કપ ટીમ : ભારતીય ચાહકો થયા નાખુશ

ભારતના આ ભૂતપૂર્વ બૅટ્સમૅને આઇપીએલમાં કલકત્તાને બે વખત ચૅમ્પિયન બનાવ્યું હતું. કલકત્તાનું ક્રાઉડ સૌરવ ગાંગુલીને વધુ પ્રેમ કરે છે અને ગંભીરે ગાંગુલીના ગઢમાં બે ટાઇટલ જીતીને બતાવી દીધું છે કે આ સ્થિતિમાં બે ટાઇટલ જીતવા કોઈ નબળા મનના વ્યક્તિનું કામ નથી.

gautam gambhir cricket news sports news