મહિલા ક્રિકેટ ટીમ વિવાદ: હરમનપ્રીત-સ્મૃતિનો કોચ પોવારને સપોર્ટ

14 February, 2019 12:30 PM IST  | 

મહિલા ક્રિકેટ ટીમ વિવાદ: હરમનપ્રીત-સ્મૃતિનો કોચ પોવારને સપોર્ટ

કેપ્ટન હરમનપ્રીત કૌર અને વાઇસ કેપ્ટન સ્મૃતિ મંધાના કોચ પોવારના પક્ષમાં. (ફાઇલ ફોટો)

અત્યાર સુધી ભારતીય મેન્સ ક્રિકેટ ટીમના વિવાદો જ સામે આવતા હતા. દેશની મહિલા ક્રિકેટ ટીમ અને તેમની સમસ્યાઓ અંગે કોઈ ચર્ચા પણ નહોતું કરતું. પરંતુ પહેલીવાર મહિલા ક્રિકેટ ટીમની ક્રિકેટર મિતાલી રાજ અને તેમના કોચ રમેશ પોવારના વિવાદનો મુદ્દો ચગ્યો છે. હવે મહિલા ક્રિકેટ ટીમના કોચ રમેશ પોવાર અને ક્રિકેટર મિતાલી રાજની વચ્ચેના વિવાદમાં નવો વળાંક આવ્યો છે. ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર અને વાઇસ કેપ્ટન સ્મૃતિ મંધાના કોચ પોવારના પક્ષમાં કૂદી પડી છે.

બંનેએ સોમવારે સાંજે મેનેજમેન્ટ કમિટીના ચેરમેન વિનોદ રાય, ડાયના એડુલજી, બોર્ડ સીઈઓ રાહુલ જૌહરી, જીએમ સબા કરીમ, કાર્યવાહક અધ્યક્ષ સીકે ખન્ના, અમિતાભ ચૌધરી અને અનિરુદ્ધ ચૌધરીને ઈ-મેઇલ લખીને પોવારને જ ટીમના કોચ રાખવાની માંગ કરી છે. હરમનપ્રીત અને મંધાનાએ ઈ-મેઇલમાં સ્પષ્ટ કર્યું છે કે મિતાલીને સેમીફાઇનલમાં ટીમમાંથી બહાર રાખવાનો નિર્ણય બધાએ મળીને લીધો હતો. બંનેએ લખ્યું કે મિતાલીને સેમીફાઇનલ માટે ટીમમાંથી બહાર કાઢવાનો નિર્ણય એકલા પોવારનો ન હતો. આ નિર્ણયમાં પોવારની સાથે તે બંને ઉપરાંત સિલેક્શન કરનાર સુધા શાહ મેનેજર તૃપ્તિ ભટ્ટાચાર્ય સામેલ હતી. આ નિર્ણય સંપૂર્ણપણે રમતના તર્કો અને ભૂતકાળમાં કરવામાં આવેલા અવલોકનોના આધારે લેવામાં આવ્યો હતો. તેમને વિશ્વાસ છે કે મિતાલીને કાઢી મૂકવાનો નિર્ણય વ્યક્તિગત નથી, પરંતુ ટીમના હિતોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હતો.

હરમનપ્રીતે તો ત્યાં સુધી કહ્યું છે કે પોવાર અને મિતાલીએ એક પરિવારની જેમ સામસામે બેસીને પોતાના મતભેદોનો ઉકેલ લાવવો જોઈએ અને સુલેહ કરી લેવી જોઈએ. આ જ તે બંને માટે અને ટીમ માટે સારું રહેશે. હરમનપ્રીતે તમામ અધિકારીઓને અપીલ કરતા જણાવ્યું છે કે ટી-20 ટીમની કેપ્ટન અને વન-ડે ટીમની વાઈસ કેપ્ટન હોવાથી તે અપીલ કરે છે કે પોવારને જ ટીમના કોચ તરીકે ચાલુ રાખવામાં આવે. એ ધ્યાનમાં રાખવું જોઈએ કે ઓસ્ટ્રેલિયામાં થનારા ટી-20 વર્લ્ડકપ માટે હવે 15 મહિનાનો સમય બચ્યો છે. ન્યુઝીલેન્ડ સીરીઝ પણ માથે છે. જે રીતે પોવાર ટીમમાં બદલાવ લાવ્યા છે, તેમને નથી લાગતું કે આવા સમયમાં અન્ય કોઈ વ્યક્તિ કોચ પદ માટે યોગ્ય રહેશે.

mithali raj harmanpreet kaur indian womens cricket team cricket news