યુનિવર્સલ બૉસ ગેઇલના 162 રન છતાં ઇંગ્લૅન્ડે મેળવી 29 રનથી જીત

01 March, 2019 11:07 AM IST  | 

યુનિવર્સલ બૉસ ગેઇલના 162 રન છતાં ઇંગ્લૅન્ડે મેળવી 29 રનથી જીત

‘બૉસ ઑફ ક્રિકેટ’ : ૨૮૭મી વન-ડેમાં ૨૫મી સેન્ચુરી પૂરી કર્યા બાદ વેસ્ટ ઇન્ડીઝનો ઓપનર ક્રિસ ગેઇલ

ગ્રેનેડાના સેન્ટ જ્યૉર્જ નૅશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ઇંગ્લૅન્ડે હાઇ-સ્કોરિંગ મૅચમાં વેસ્ટ ઇન્ડીઝને ૨૯ રનથી હરાવીને પાંચ વન-ડે સિરીઝની ચોથી મૅચમાં ૨-૧થી લીડ લીધી છે. ત્રીજી મૅચ ધોધમાર વરસાદને કારણે એકેય બૉલ ફેંકાયા વિના રદ કરવામાં આવી હતી. ઓઇન મૉર્ગન અને જોસ બટલરની આક્રમક સેન્ચુરી પછી ‘યુનિવર્સલ બૉસ’ ક્રિસ ગેઇલે ૯૭ બૉલમાં ૧૧ ફોર અને ૧૪ ઝંઝાવાતી સિક્સરોની મદદથી ૧૬૨ રન બનાવ્યા હતા છતાં ટીમના બીજા ખેલાડીઓના અપૂરતા પ્રયાસને કારણે યજમાન ટીમ ૨૯ રનથી હારી ગઈ હતી. ટૉસ જીતીને વેસ્ટ ઇન્ડીઝના કૅપ્ટન જેસન હોલ્ડરે પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓઇન મૉર્ગન અને જોસ બટલર વચ્ચે ૨૦.૨ ઓવરમાં ૨૦૪ રનની પાર્ટનરશિપ થતાં ઇંગ્લૅન્ડે સ્કોર ૫૦ ઓવરમાં ૬ વિકેટે ૪૧૮ રન સુધી પહોંચાડ્યો હતો. મૉર્ગને ૮૮ બૉલમાં ૮ ફોર અને ૬ સિક્સરોની મદદથી ૧૦૩ અને જોસ બટલરે ૭૭ બૉલમાં ૧૩ ફોર અને ૧૨ સિક્સરોની મદદથી ૧૫૦ રન બનાવ્યા હતા.

આ પણ વાંચો : ઇંગ્લૅન્ડે મૅચ અને ભારતની વિમેન્સ ટીમે જીતી સિરીઝ

જોન કેમ્બેલ અને આશાસ્પદ શાઇ હોપની વિકેટ ૪૪ રનના ટોટલે ગુમાવ્યા પછી વન-ડે ટીમમાં પાછા ફરેલા ક્રિસ ગેઇલે એક છેડો ૩૪.૧ ઓવર સુધી સાચવી રાખ્યો હતો. ગેઇલ અને ડેરેન બ્રાવો વચ્ચે જીતવા માટે મહત્વની ૧૭૬ રનની પાર્ટનરશિપ થઈ હતી. ભારત સામે ગજબની અટૅકિંગ બૅટિંગ કરનારા શિમરન હેટમાયર સતત બીજી સિક્સ મારવાના ચક્કરમાં કૅચ-આઉટ થયો હતો. બેન સ્ટોક્સે ગેઇલને ક્લીન-બોલ્ડ કરીને ઇંગ્લૅન્ડની જીતની આશા વધારી હતી. કાર્લોસ બ્રેથવેઇટ અને એશ્લે નર્સે ૧૨ ઓવરમાં ૮૮ રન બનાવીને મૅચમાં રોમાંચ જાળવી રાખ્યો હતો. આદિલ રાશીદે તે બન્નેને ૪૮મી ઓવરમાં સતત બે બૉલમાં આઉટ કરીને જીત સુનિશ્ચિત કરી હતી. યજમાન ટીમ ૪૮ ઓવરમાં ૩૮૯ રનના ટોટલે ઑલઆઉટ થઈ હતી જેમાં આદિલ રાશીદે ૮૫ રન ખર્ચીને પાંચ વિકેટ લીધી હતી જે લેખે લાગી હતી.

chris gayle sports news cricket news england