વિરાટ કોહલીના સામ્રાજ્યનો અણમોલ રત્ન છે પુજારા : ચૅપલ

07 January, 2019 11:35 AM IST  | 

વિરાટ કોહલીના સામ્રાજ્યનો અણમોલ રત્ન છે પુજારા : ચૅપલ

ચેતેશ્વર પુજારા

કોઈની પણ પ્રશંસા કરવામાં ભારે કંજૂસી કરનાર ઑસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર ઇયાન ચૅપલે વર્તમાન સિરીઝમાં ઢગલો રન કરનાર ચેતેશ્વર પુજારાને વિરાટ કોહલીના સામ્રાજ્યનો સૌથી અણમોલ રત્ન ગણાવ્યો છે. પુજારાએ વર્તમાન સિરીઝમાં ત્રણ સદી ફટકારી છે, જેને કારણે ભારત દબદબો કાયમ રાખવામાં સફળ થયું હતું. ચૅપલે પોતાની કૉલમમાં લખ્યું હતું કે ‘પુજારાએ ઑસ્ટ્રેલિયાના બોલરોને થકવી નાખીને ટીમના ખેલાડીઓને તેમની સામે આક્રમક થવાની તક આપી. કોહલી ભારતીય ક્રિકેટનો બાદશાહ હશે, પરંતુ પુજારાએ સાબિત કરી આપ્યું છે કે તે તેના સામ્રાજ્યનો વફાદાર સહયોગી અને અણમોલ રત્ન છે. ભારતીય ટીમ માટે આ સિરીઝમાં ઘણીબધી સારી વાતો થઈ છે, જેમાં જીત ઉપરાંત પુજારાની ડિફેન્સિવ રમત પણ સામેલ છે.’

ચૅપલે વધુમાં કહ્યું હતું કે ‘સિરીઝમાં ત્રણ સદી સાથે તે પોતાના દેશના મહાન ખેલાડી સુનીલ ગાવસકરની શ્રેણીમાં સામેલ થઈ ગયો છે, જેમણે ૧૯૭૭-’૭૮માં આવી સિદ્ધિ મેળવી હતી. ૭ ઇનિંગ્સમાં ૫૨૧ રન બનાવતી વખતે તે ૧૮૬૭ મિનિટ સુધી ક્રીઝ પર રહ્યો અને ૧૨૫૮ બૉલનો સામનો કર્યો હતો.’

ચૅપલે કહ્યું હતું કે ‘ઑસ્ટ્રેલિયાની ટીમનું ધ્યાન કોહલી પર હતું. પરંતુ પુજારાએ શાનદાર પ્રદર્શન કર્યું. તેણે ઑસ્ટ્રેલિયાના બોલિંગ-આક્રમણને હતાશ કરી નાખ્યું.’

આ પણ વાંચો : ઑસ્ટ્રેલિયામાં પહેલી વખત સિરીઝ જીતશે ભારત

DRS ન લેનાર ઑસ્ટ્રેલિયાના ખેલાડીઓ સામે પૉન્ટિંગ નારાજ

ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટન રિકી પૉન્ટિંગે ભારત સામે ચોથી ટેસ્ટ-મૅચના ચોથા દિવસે રમત દરમ્યાન કાંગારૂ ટીમના ખેલાડીઓએ ડિસિઝન રિવ્યુ સિસ્ટમ (DRS) ન લેતાં નારાજગી વ્યક્ત કરી છે. પૉન્ટિંગનું કહેવું છે કે આ સ્થિતિ ઑસ્ટ્રેલિયાના ખેલાડીઓની માનસિકતા વિશે ઘણુંબધું જણાવે છે. ગઈ કાલે નૅથન લાયન બૅટિંગ દરમ્યાન કુલદીપ યાદવના બૉલમાં લેગ-બિફોર વિકેટ થયો તો તે અમ્પાયરના નિર્ણયને યોગ્ય ગણીને પૅવિલિયનમાં પાછો ફરી ગયો. પૉન્ટિંગે કહ્યું હતું કે ‘લાયને DRS લેવું જોઈતું હતું. વળી સામે છેડે ઊભેલા મિચલ માર્શે પણ લાયનને DRS મામલે કંઈ જણાવ્યું નહોતું. ખરેખર સામે છેડે ઊભેલા બૅટ્સમૅને આ મામલે પોતાનો અભિપ્રાય ચોક્કસ આપવો જોઈએ.’

cheteshwar pujara virat kohli ian chappell australia test cricket cricket news