ઑસ્ટ્રેલિયામાં પહેલી વખત સિરીઝ જીતશે ભારત

Jan 07, 2019, 11:30 IST

સિડની ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયા પહેલી ઇનિંગ્સમાં ૩૦૦ રનમાં આઉટ, ફૉલો-ઑન ઇનિંગ્સમાં બનાવ્યા વિના વિકેટે ૬ રન

ઑસ્ટ્રેલિયામાં પહેલી વખત સિરીઝ જીતશે ભારત
દાંડિયા ડૂલ : ગઈ કાલે પૅટ કમિન્સને ક્લીન બોલ્ડ ક્ર્યા બાદ ખુશખુશાલ મોહમ્મદ શમી.

આજે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ૭૧ વર્ષથી જે દુર્લભ ક્ષણની રાહ જોવાઈ રહી હતી એનો અંત આવશે, કારણ કે ભારત પહેલી વખત ઑસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ-સિરીઝ જીતશે. બૉર્ડર-ગાવસકર સિરીઝની ચોથી અને છેલ્લી ટેસ્ટમાં ચોથા દિવસના અંતે ભારતે યજમાન દેશને પહેલી ઇનિંગ્સમાં ૩૦૦ રનમાં આઉટ કરીને ફૉલો-ઑન આપ્યું હતું. સેકન્ડ ઇનિંગ્સમાં એણે ૪ ઓવરમાં વિના વિકેટે ૬ રન બનાવ્યા હતા. ઑસ્ટ્રેલિયાએ ઇનિંગ્સના પરાજયથી બચવા હજી ૧૧૬ રન બનાવવાના છે અને ભારત પાસે કુલ ૩૧૬ રનની તોતિંગ લીડ છે. ગઇ કાલે ફક્ત ૨૫.૨ ઓવરની રમત શક્ય બની હતી જેમાં ૭૦ રનમાં ૪ વિકેટ પડી હતી.

ચોથા દિવસે મૉર્નિંગ સેશન વરસાદને કારણે સંપૂર્ણ ધોવાઈ ગયું હતું. બીજા સેશનમાં ઑસ્ટ્રેલિયાએ ૬ વિકેટે ૨૩૬ રનથી આગળ રમવાનું શરૂ કરતાં મોહમ્મદ શમીએ પૅટ કમિન્સને ક્લીન બોલ્ડ કર્યો હતો. તેણે ૬ ફોરની મદદથી ૨૫ રન બનાવ્યા હતા. ઇનિંગ્સની ૮૯મી ઓવરમાં જસપ્રીત બુમરાહે પીટર હૅન્ડ્સકૉમ્બને ક્લીન બોલ્ડ કરીને તે આ સિરીઝમાં સંયુક્ત રીતે હાઇએસ્ટ વિકેટ લેનારો બોલર બની ગયો હતો. નૅથન લાયન અને બુમરાહ બન્નેએ આ સિરીઝમાં ૨૧ વિકેટ લીધી છે. તેની પછીની ઓવરમાં ચાઇનામૅન બોલર કુલદીપ યાદવે નૅથન લાયનને લેગ-બિફોર વિકેટ આઉટ કર્યો હતો. કુલદીપની સતત બીજી ઓવરમાં જોશ હેઝલવુડે બેદરકારીભર્યો શૉટ હવામાં ઉછાળ્યો હતો, પણ મિડ-ઑન પર હનુમા વિહારી આસાન કૅચ નહોતો પકડી શક્યો. એનો ફાયદો ઉઠાવતાં મિચલ સ્ટાર્ક અને જોશ હેઝલવુડ વચ્ચે ૧૦મી વિકેટ માટે ૧૪ ઓવરમાં ૪૨ રનની પાર્ટનરશિપ થઈ હતી. કુલદીપે હેઝલવુડને લેગ-બિફોર વિકેટ આઉટ કરીને પોતાની પાંચમી વિકેટ પૂરી કરી હતી. તેણે ટેસ્ટ-કરીઅરમાં બીજી વખત ઇનિંગ્સમાં પાંચ વિકેટ લીધી હતી. ૨૦૦૪માં અનિલ કુંબલેએ આ જ મેદાન પર ૧૪૧ રનમાં ૮ વિકેટ લીધી હતી. ઑસ્ટ્રેલિયા ૧૦૪.૫ ઓવરમાં ૩૦૦ રનમાં આઉટ થયું હતું. ભારતના કૅપ્ટન વિરાટ કોહલીએ પોતાની કૅપ્ટન્સીમાં પાંચમી વખત હરીફ ટીમને ફૉલો-ઑન આપ્યું હતું. યજમાન ટીમે સેકન્ડ ઇનિંગ્સમાં ૪ ઓવરમાં વિના વિકેટે ૬ રન બનાવ્યા હતા. ભારતે પહેલી ઇનિંગ્સમાં ૧૬૭.૨ ઓવરમાં ૭ વિકેટે ૬૨૨ રન બનાવીને દાવ ડિક્લેર કર્યો હતો. આ સ્કોર ઑસ્ટ્રેલિયામાં ભારતનો ચોથો હાઇએસ્ટ સ્કોર છે. આજે ભારતને ટેસ્ટ-સિરીઝ ૩-૧થી જીતવા માટે ૧૦ વિકેટની જરૂર છે અને યજમાન ટીમને શરમજનક સિરીઝ-પરાજયથી ફક્ત મેઘરાજા બચાવી શકે છે.

આ પણ વાંચો : કુલદીપ પાસે દિલ માંગે મોર : ભરત અરુણ

૩૧ વર્ષ બાદ ઑસ્ટ્રેલિયાને ઘરઆંગણે ફૉલો-ઑન

છેલ્લે ઑસ્ટ્રેલિયાને ૧૯૮૮માં સિડનીમાં રમાયેલી મૅચમાં ઇંગ્લૅન્ડે ફૉલો-ઑન આપ્યું હતું. ઘરઆંગણે ઑસ્ટ્રેલિયા ૧૭૨ ટેસ્ટ રમ્યું હતું. જેમાં એને કોઈ ટીમ ફૉલો-ઑન નથી આપી શકી. ઑસ્ટ્રેલિયાની બહાર ૨૦૦૫માં ઇંગ્લૅન્ડે ટ્રેન્ટ બ્રિજમાં ઑસ્ટ્રેલિયાને ફૉલો-ઑન આપ્યું હતું. ભારતે ફક્ત બીજી વખત ઑસ્ટ્રેલિયાને ઑસ્ટ્રેલિયામાં ફૉલો-ઑન આપયું હતું. ભારતે પહેલી વખત ૧૯૭૯માં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ફૉલો-ઑન આપ્યું હતું, જેમાં ભારતનો ઇનિંગ્સ અને ૧૦૦ રનથી વિજય થયો હતો.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK