મળો ભારતીય ક્રિકેટ બોર્ડની ગાંગુલીની ટીમને

16 October, 2019 02:31 PM IST  |  મુંબઈ | બિપિન દાણી

મળો ભારતીય ક્રિકેટ બોર્ડની ગાંગુલીની ટીમને

જુઓ ભારતીય ક્રિકેટ બોર્ડની ગાંગુલીની ટીમને

ભારતીય ક્રિકેટ બોર્ડની નવી ટીમ નજીકના સમયમાં કારોબાર સંભાળી લેવા સુસજ્જ થઈ રહી છે એવામાં સૌરવ ગાંગુલીએ પોતાના વડપણ હેઠળ કામ કરનારી ભારતીય ક્રિકેટ બોર્ડની નવી ટીમના મેમ્બરોનો એક ફોટો સોશ્યલ મીડિયામાં અપલોડ કર્યો હતો. આ ફોટો સાથે ગાંગુલીએ કહ્યું હતું કે ‘ભારતીય ક્રિકેટ બોર્ડની નવી ટીમ. આશા છે કે અમે સારું કામ કરી શકીશું. અનુરાગ ઠાકુરનો પણ આભાર.’

ફોટોમાં સૌરવ ગાંગુલીની જમણી બાજુએ જયેશ જ્યૉર્જ ઊભા છે, જ્યારે ડાબી બાજુએ ભારતીય ક્રિકેટ બોર્ડના ભૂતપૂ‍ર્વ પ્રેસિડન્ટ અનુરાગ ઠાકુર, જય શાહ, અરુણ ધુમલ અને મહિમ વર્મા દેખાઈ રહ્યા છે. ગાંગુલીની આ ટીમમાં ગૃહ પ્રધાન અમિત શાહના પુત્ર જય શાહ સેક્રેટરી, જયેશ જ્યૉર્જ જૉઇન્ટ સેક્રેટરી, અરુણ ધુમલ ટ્રેઝરર અને મહિમ વર્મા વાઇસ પ્રેસિડન્ટપદે કારભાર સંભાળશે.

સૌરવ એટલે મિસ્ટર ક્રિકેટ

વહીવટકાર તરીકે પણ પતિ સફળ રહેશે એવો પત્ની ડોના ગાંગુલીને વિશ્વાસ છે. ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન સૌરવ ગાંગુલી પાસે હવે ભારતીય ક્રિકેટ બોર્ડનું પ્રતિનિધિત્વ આવવાનું છે ત્યારે પત્ની ડોના ગાંગુલીને વિશ્વાસ છે કે તેનો પતિ સફળ વહીવટકાર પણ પુરવાર થશે. આ મહિનાની ૨૩મીએ સૌરવ ગાંગુલી ભારતીય ક્રિકેટ બોર્ડનો પ્રમુખ બન્યા બાદ કલકત્તા અને મુંબઈ વચ્ચે તેની અવરજવર વધી જશે. જોકે પત્ની ડોનાને આને માટે કોઈ ફરિયાદ નથી. 

કલકત્તાથી ‘મિડ-ડે’ સાથે ટેલિફોન પર વાતચીત કરતાં ડોના ગાંગુલીએ કહ્યું કે ‘કઈ પત્નીને પોતાનો પતિ દેશની સર્વોચ્ચ ક્રિકેટ સંસ્થાનો પ્રમુખ બને એ ન ગમે? અલબત્ત, હવે ઘરે એ ઝાઝો સમય નહીં આપી શકે, પરંતુ હું આનાથી ટેવાયેલી છું. આંતરરાષ્ટ્રીય ખેલાડી તરીકે તે વિદેશપ્રવાસે જતો ત્યારે મારે ઘરે પુત્રી સાનાને સાચવવી પડતી. હવે સાના મોટી થઈ ગઈ છે અને આવતા વર્ષથી કૉલેજમાં પણ જવા માંડશે. બંગાળ ક્રિકેટ અસોસિએશનના પ્રમુખ બન્યા બાદ સૌરવ સાંજે ચાર વાગ્યાથી ઈડન ગાર્ડનમાં હોય છે અને રાતે ૯-૧૦ વાગ્યે ઘરે પાછો ફરે છે. લોકોને હળેમળે છે. આ રિલેશન હવે તેણે ઉચ્ચ ધોરણે જાળવી રાખવું પડશે.’ 

ડોનાને વિશ્વાસ છે કે સૌરવ નવા રોલમાં પણ સારો દેખાવ કરી શકશે. આ વિશે વાત કરતાં ડોનાએ વધુમાં કહ્યું હતું કે ‘તેની પાસે વહીવટકારનો અનુભવ છે. કૉલેજના સમયથી જ તે લડાયક જુસ્સાવાળો રહ્યો છે. ક્રિકેટ માટે તેને ચાહના છે. ખેલાડીઓના હિતમાં તે જરૂર સારું કાર્ય કરશે.’

સૌરવ ગાંગુલી ક્રિકેટમાંથી નિવૃત્ત થયા બાદ ભારતીય ક્રિકેટ સાથે ટેક્નિકલ કમિટીમાં તથા સલાહકાર સમિતિમાં કામ કરી ચૂક્યો છે. ક્રિકેટના નિયમો ઘડતી લંડનની જાણીતી એમસીસી ક્લબમાં પણ ક્રિકેટની સલાહકાર સમિતિમાં સૌરવ ગાંગુલી કાર્યરત છે.

ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રેસિડન્ટપદ માટે પસંદગી પામવા બદલ દાદીને શુભેચ્છા. મને ભરોસો છે કે દર વખતની જેમ આ વખતે પણ તું ઇન્ડિયન ક્રિકેટમાં પોતાની સેવાનું યોગદાન આપીશ. નવા ટર્મમાં મળનારી નવી જવાબદારીઓ માટે બેસ્ટ વિશિસ.

- સચિન તેન્ડુલકર

દાદા સૌરવ ગાંગુલીને ખૂબ-ખૂબ શુભેચ્છા. દેર હૈ અંધેર નહીં. ભારતીય ક્રિકેટ માટે આ એક સારી વાત છે. ભારતીય ક્રિકેટમાં તમે અત્યાર સુધી જે યોગદાન આપ્યું છે એમાં આ નવી જવાબદારી તમારા અભૂતપૂર્વ યોગદાનનું વિસ્તરણ કરશે.

- વીરેન્દર સેહવાગ

ભારતીય ક્રિકેટ બોર્ડના નવા પ્રેસિન્ડટ બનવા જઈ રહેલા સૌરવ ગાંગુલીને ખૂબ-ખૂબ શુભકામના. તારી લીડર‌શિપમાં ભારતીય ક્રિકેટ સમૃદ્ધ બનશે અને એ વિશે મને કોઈ શંકા નથી. દાદાને આ નવા રોલમાં અઢળક સફળતા પ્રાપ્ત થાય એ માટે બેસ્ટ વિશિસ.

- વીવીએસ લક્ષ્મણ

ગાંગુલી આ પદ માટે યોગ્ય માણસ છે. ભારતીય ક્રિકેટને તે નવી ઊંચાઈએ લઈ જશે. લોકો કહેતા હતા કે ગાંગુલી મારી સામે બેટિંગ કરતાં ડરતો હતો. એ વાત ખોટી છે. તે ક્યારેય મારાથી ડર્યો નથી. એવું હોત તો તે ઓપનિંગ ન કરત. ૨૦૦૦ સુધી ભારતીય ટીમ દબાણમાં રમતી હતી. સૌરવે આ ટીમને લડત આપીને જીતતાં શીખવાડ્યું છે. તે યુવરાજ, હરભજન, ઝહીર અને નેહરા જેવા પ્લેયર્સ લઈને આવ્યો હતો.

- શોએબ અખ્તર

sourav ganguly cricket news sports news international cricket council world cup