બાપુ નાડકર્ણીની અંતિમવિધિ

19 January, 2020 12:29 PM IST  |  Mumbai Desk

બાપુ નાડકર્ણીની અંતિમવિધિ

બાપુ નાડકર્ણીની અંતિમ યાત્રામાં સુનીલ ગાવસકર પહોંચ્યા હતા. તેમની અંતિમવિધિ દાદરના શિવાજી પાર્કમાં કરવામાં આવી હતી. તસવીર : સૈયદ સમીર અબેદી

ઇન્ડિયન ટેસ્ટ ક્રિકેટના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર પ્લેયર રામચંદ્ર ગંગારામ નાડકર્ણીનું ગઈ કાલે મુંબઈમાં ૮૬ વર્ષની વયે અવસાન થયું છે. બાપુના નામથી ઓળખાતા નાડકર્ણીએ ૧૯૫૫માં ન્યુ ઝીલૅન્ડ સામે દિલ્હી ટેસ્ટમાં ડેબ્યુ કર્યું હતું તેમ જ પોતાની છેલ્લી મૅચ તેમણે ૧૯૬૮માં ઓકલૅન્ડમાં ન્યુ ઝીલૅન્ડ સામે રમી હતી. નાડકર્ણીએ ૧૯૫૫થી ૧૯૬૮ સુધી ટીમ ઇન્ડિયા માટે ૪૧ ટેસ્ટ મૅચ રમી છે. તેમણે ૧૪૧૪ રન કરવાની સાથે ૮૮ વિકેટ પણ પોતાના નામે નોંધાવી છે.

યાદગાર ૨૧ મેઇડન ઓ‍વર
બાપુએ ૧૯૬૪માં ઇંગ્લૅન્ડ સામેની મૅચમાં મદ્રાસ (હવે ચેન્નઈ)માં ટેસ્ટ મૅચ રમતાં સતત ૨૧ ઓવર મેઇડન નાખી હતી. જોકે એ ઇનિંગમાં તેમણે કુલ ૨૭ મેઇડન ઓવર નાખી હતી. ફર્સ્ટ ઇનિંગમાં તેમનો બોલિંગ સ્પેલ હતો ૩૨-૨૭-૫-૦. બીજા ઇનિંગમાં તેમને બે વિકેટ મળી હતી. આખી મૅચનો તેમનો બોલિંગ સ્પેલ હતો ૩૮-૩૧-૧૧-૨.
નાડકર્ણીએ ટેસ્ટ ક્રિકેટમાં ૯૧૬૫ બૉલમાં ૨૫૫૯ રન આપ્યા હતા.

ક્રિકેટ જગતે કર્યો ખરખરો
ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન સુનીલ ગાવસકરે બાપુના નિધન પર કહ્યું કે ‘તેઓ અમારા ઘણા પ્રવાસમાં સહાયક મૅનેજર તરીકે આવ્યા હતા. તેઓ ખૂબ જ પ્રોત્સાહક હતા. તેમનો પ્રિય શબ્દ જે અમે બધા તેમની પાસેથી શીખ્યા છે ‘છોડો મત’. બાપુ એ જમાનામાં રમતા હતા જ્યારે ગ્લવ્સ અને જાંઘના પેડ્સ સારા નહોતા. ખૂબ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ નહોતાં અને તેમ છતાં જ્યારે બૉલ વાગતો ત્યારે તેઓ ક્રિઝ છોડીને જતા નહીં, કારણ કે તેઓ માનતા હતા - છોડો મત, તમે ભારત માટે રમી રહ્યા છો. એ વસ્તુ અમે તેમની પાસેથી શીખી છે. તેઓ જ્યારે પણ ટૂર પર હતા ત્યારે સ્ટ્રૅટેજી બનાવવામાં ખૂબ જ મદદગાર થતા. લંચ-બ્રેક અથવા ટી-બ્રેક સમયે તે કહેતા કે જો તમે ફીલ્ડિંગ કૅપ્ટન છો તો આ પ્રયાસ કરો. આ બોલરને બોલિંગ આપો અથવા આ બોલરને રાઉન્ડ ધ વિકેટથી બોલિંગ કરવાનું કહો. તે એક ફેન્ટાસ્ટિક માણસ હતા. ભારતીય ક્રિકેટે એક ચૅમ્પિયન ખેલાડી ગુમાવ્યા છે. સંદીપ પાટિલના માથામાં (લેન પેસ્કોનો બાઉન્સર) બૉલ વાગ્યો ત્યાર બાદ તે ફરી બૅટિંગ કરવા આવ્યો એ પાછળ બાપુ મુખ્ય વ્યક્તિ રહ્યા હતા. તેઓ સંદીપને કહેતા રહ્યા કે ‘કોઈ ફરક પડતો નથી, તમે અહીં છો અને તમારે બહાર જઈને ફરી બૅટિંગ કરવી જોઈએ.’

ગાવસકર ઉપરાંત સચિન તેન્ડુલકરે કહ્યું હતું કે ‘શ્રી બાપુ નાડકર્ણીના નિધનના સમાચાર સાંભળીને ઘણું દુ:ખ થયું છે. ટેસ્ટ ક્રિકેટમાં તેમના ૨૧ મેઇડન ઓવરના રેકૉર્ડની વાત સાંભળીને હું મોટો થયો છું. હું તેમના પરિવારના દુ:ખમાં સહભાગી છું. તેમના આત્માને શાંતિ મળે.’

sports sports news cricket news sunil gavaskar