IND VS BAN: પહેલી T૨૦ મૅચ સાત વિકેટથી જીત્યું બંગલા દેશ

04 November, 2019 01:38 PM IST  |  મુંબઈ

IND VS BAN: પહેલી T૨૦ મૅચ સાત વિકેટથી જીત્યું બંગલા દેશ

પહેલી T૨૦ મૅચ સાત વિકેટથી જીત્યું બંગલા દેશ

ખરાબ વાતાવરણ વચ્ચે ગઈ કાલે ઇન્ડિયા અને બંગલા દેશ વચ્ચેની પહેલી ટી૨૦ મૅચ નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મૅચ ટી૨૦ ફૉર્મેટની ૧૦૦૦મી ઇન્ટરનૅશનલ મૅચ હતી. ભારત અને બંગલા દેશ વચ્ચે ટી૨૦ ફૉર્મેટમાં અત્યાર સુધીમાં કુલ નવ મૅચો રમાઈ છે જેમાં બંગલા દેશની આ પહેલી વિનિંગ મૅચ બની હતી. બંગલા દેશે સાત વિકેટથી જીતીને મૅચ પોતાના નામે કરી હતી. ત્રણ મૅચોની સિરીઝમાં બંગલા દેશ ૧-૦ની લીડથી આગળ છે.

ભારતે આપેલા ૧૪૯ રનના લક્ષ્યને પ્રાપ્ત કરવા ઊતરેલી બંગલા દેશની ટીમે શરૂઆતથી જ પોતાની વિકેટ બચાવી બચાવીને સંયમિત રમત રમી હતી એમ કહી શકાય. જોકે પહેલી જ ઓવરમાં દિપક ચહરે લિટન દાસને પૅવિલિયન ભેગો કર્યો હતો, પણ વન ડાઉન આવેલા સૌમ્ય સરકારે ટીમની પારી સંભાળીને ૩૯ રનનું યોગદાન આપ્યું હતું. ઓપનિંગ બૅટ્સમૅન મોહમ્મદ નૈમને પણ ચહરે જ ૨૬ રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ કર્યો હતો. જોકે મુશફિકુર રહીમના નૉટઆઉટ ૬૦ રન ખૂબ જ ભારે પડ્યા હતા. ભારત વતી ખલીલ એહમદ સૌથી મોંઘો બોલર સાબિત થયો હતો. તેની ૧૯મી ઓવરના છેલ્લા ચાર બૉલમાં મુઝફિકરે ચાર બાઉન્ડરી મારી જીત તરફ આગ‍ળ વધ્યો હતો.

બંગલા દેશે પહેલાં ટોસ જીતીને ભારતને બૅટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું અને યજમાને ૨૦ ઓવરમાં છ વિકેટ ગુમાવી ૧૪૮ રન બનાવ્યા હતા. શિખર ધવને સૌથી વધારે ૪૧ રન બનાવ્યા હતા જેમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગો સામેલ છે. આ મૅચથી ટીમ ઇન્ડિયામાં ડેબ્યુ કરી રહેલા શિવમ દુબેએ માત્ર એક રન બનાવી પોતાની વિકેટ ગુમાવી હતી. તે આફિફ હુસેનનો શિકાર બન્યો હતો. જોકે શિવમ સિવાય માત્ર રોહિત શર્મા એકઅંકી સ્કોર કરી આઉટ થયો હતો. તેણે નવ રન બનાવ્યા હતા. મિડલ ઑર્ડરમાં રમવા આવેલા વિકેટકીપર રિષભ પંતે ૨૭ અને શ્રેયસ અય્યરે બાવીસ બનાવ્યા હતા.

૧-૦થી લીડ લીધા બાદ બન્ને ટીમ હવે રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ અસોસિએશન સ્ટેડિયમમાં સાતમી નવેમ્બરે સામસામે રમશે જેમાં ભારત બીજી મૅચ સાથે સિરીઝ પર કાબૂ મેળવવા, જ્યારે બંગલા દેશ સિરીઝમાં આગળ વધવાનો પ્રયાસ કરશે.

ધોનીથી આગ‍ળ નીકળ્યો રોહિત શર્મા

ઇન્ડિયન ક્રિકેટ ટીમના અનેક પ્લેયરોના નામે અનેક રેકૉર્ડ્સ નોંધાયેલા છે. એવામાં ગઈ કાલે કોઈ નવો રેકૉર્ડ નહીં, પણ સૌથી વધારે ટી૨૦ મૅચ રમવાની જે સ્પર્ધા છે એમાં રોહિત શર્માએ મહેન્દ્ર સિંહ ધોનીને પાછળ મૂકી દીધો હતો. ઇન્ટરનૅશનલ લેવલ પર ગઈ કાલે રોહિત પોતાની ૯૯મી ટી૨૦ મૅચ રમ્યો હતો જે ભારતીય પુરુષ ક્રિકેટરોમાં સૌથી વધારે છે. મહેન્દ્ર સિંહ ધોની અત્યાર સુધી ૯૮ ટી૨૦ મૅચ રમી ચૂક્યો છે અને આ યાદીમાં તે હવે બીજા ક્રમાંકે પહોંચી ગયો છે. ધોની અને રોહિતે ૨૦૦૭માં સાથે ટી૨૦ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું.

ભારતના પ્લેયરો સહિત સમગ્ર ટી૨૦ મૅચની વાત કરીએ તો પાકિસ્તાન ક્રિકેટ ટીમના શાહિદ આફ્રિદીએ પણ ૯૯ ટી૨૦ મૅચ રમી છે, જ્યારે શોએબ મલિક ૧૧૧ ટી૨૦ મૅચ રમવાનો અનુભવ ધરાવે છે.

કોહલીના રનનો આંકડો પાર કર્યો રોહિતે

ઇન્ટરનૅશનલ ટી૨૦માં સૌથી વધારે રન કરવાના મામલે પણ રોહિત શર્મા વિરાટ કોહલીથી આગળ નીકળી ગયો છે. ગઈ કાલની પહેલી ટી૨૦ મૅચમાં રોહિત માત્ર નવ કરીને આઉટ થયો હતો પણ એટલા રન કરી તેણે કોહલીને પાછળ મૂકી દીધો હતો. ટી૨૦ ફૉર્મેટમાં રોહિતના નામે હવે કુલ ૨૪૫૨ રન જમા થયા છે, જ્યારે કોહલીના ખાતામાં માત્ર બે રન ઓછા છે એટલે કે કોહલીનો ટી૨૦ ફૉર્મેટમાં કુલ સ્કોર ૨૪૫૦ છે. બંગલા દેશ સામેની સિરીઝમાં વિરાટ કોહલી રમવાનો નથી એટલે વધારે સ્કોર કરી વિરાટને વધારે પાછળ મૂકવાની રોહિત પાસે સારી એવી તક છે.

rohit sharma t20 international twenty20 international bangladesh india vijay hazare trophy cricket news sports news