ધોનીના મહત્વને ક્યારેય ઓછું ન આંકવું : ક્લાર્ક

15 March, 2019 12:33 PM IST  | 

ધોનીના મહત્વને ક્યારેય ઓછું ન આંકવું : ક્લાર્ક

ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટન માઇકલ ક્લાર્ક

ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટન માઇકલ ક્લાર્કે ગઈ કાલે પોતાના ટ્વિટર હૅન્ડલ પર લખ્યું હતું કે ભારતના વર્લ્ડ કપ વિનિંગ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના મહત્વને ક્યારેય ઓછું ન સમજવું જોઈએ. બુધવારે ઑસ્ટ્રેલિયાએ ભારતને દિલ્હીના ફિરોઝશા કોટલા ગ્રાઉન્ડમાં રમાયેલી સિરીઝની નિર્ણાયક વન-ડેમાં ૩૫ રનથી હરાવીને જાન્યુઆરી ૨૦૧૮ પછી પહેલી વખત કોઈ વન-ડે સિરીઝ જીત્યું હતું. કાંગારૂઓ ભારતમાં આ પહેલાં વન-ડે સિરીઝ ૧૦ વર્ષ પહેલાં ૨૦૦૯માં ૪-૨થી જીત્યા હતા. ધોનીની ગેરહાજરીમાં ૨૧ વર્ષના રિષભ પંતે છેલ્લી બે વન-ડેમાં વિકેટ-કીપિંગ સંભાળી હતી. ધોની વિકેટની પાછળથી સ્પિન બોલરોને સતત ગાઇડ કરતો હોય છે જે આ બન્ને વન-ડેમાં મળી શક્યું નહોતું.

ઉસ્માન ખ્વાજાની છેલ્લી બે વન-ડેમાં સેન્ચુરીને કારણે પ્રવાસી ટીમની બૅટિંગ ઘણી મજબૂત રહી હતી. દિલ્હી વન-ડેમાં ૨૭૩ના ટાર્ગેટ સામે રોહિત શર્માના ૫૬ રન સિવાય બીજો કોઈ સ્પેશ્યલિસ્ટ બૅટ્સમૅન વધુ ટકી શક્યો નહોતો. કેદાર જાધવે ૪૪ અને ભુવનેશ્વર કુમારે ૪૬ રન બનાવીને આક્રમક કોશિશ કરી જે અપૂરતી રહી હતી. ધોનીની કૅપ્ટન્સીમાં ભારતે ૨૦૦૭માં T૨૦ વર્લ્ડ ચૅમ્પિનયશિપ અને ૨૦૧૧માં ૨૮ વર્ષ પછી વન-ડે વર્લ્ડ કપ જીત્યો હતો. ભારતે તેની લીડરશિપમાં ૨૦૧૩માં ICC ચૅમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. આ ત્રણેય ટાઇટલ જીતનાર તે વિશ્વનો એકમાત્ર કૅપ્ટન છે.

પંત સાથે મારી સ્પર્ધા નથી : વૃદ્ધિમાન સહા

ખભાની ઈજામાંથી સાજા થઈને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની ૧૧ મૅચમાં ૩૦૬ રન બનાવીને કમબૅક કરનારા ભારતના વિકેટકીપર-બૅટ્સમૅન વૃધ્ધિમાન સહાએ ગઈ કાલે મીડિયાને કહ્યું હતું કે તે ટીમમાં સ્થાન મેળવવા ૨૧ વર્ષના રિષભ પંત સાથે સ્પર્ધા નથી કરી રહ્યો. રિષભ પંતે ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયામાં સારી બૅટિંગ કરી હતી.

સહાએ કહ્યું હતું કે ‘હું અસુરક્ષિતતા નથી અનુભવી રહ્યો અને પંત સાથે મારી કોઈ સ્પર્ધા નથી. દરેક સ્પોટ્ર્સમૅનને ઇન્જરીનો ખતરો રહે છે અને મારો ટાર્ગેટ સંપૂર્ણ ફિટ થઈને કમબૅક કરવાનો હતો. હવે ફૉર્મમાં પાછા ફરીને ઇન્ડિયન ટીમમાં પાછા ફરવું છે. હું ફરી એક વખત ચોખવટ કરવા માગું છું કે મારી પંત સાથે કોઈ સ્પર્ધા નથી.’

આ પણ વાંચો : શ્રીસંત માટે રાહતના સમાચાર, SCએ ક્રિકેટ પર આજીવન પ્રતિબંધ હટાવ્યો

સહાએ ૩૨ ટેસ્ટમાં ૩ સેન્ચુરી ફટકારી છે અને ૩૦.૬૩ની ઍવરેજથી ૧૧૬૪ રન બનાવ્યા છે.

michael clarke ms dhoni cricket news sports news