પહેલી ઇનિંગમાં ઑસ્ટ્રેલિયા ૪૫૪ રને ઑલઆઉટ,ન્યુ ઝીલૅન્ડ વિના વિકેટે ૬૩ રન

05 January, 2020 01:32 PM IST  |  Mumbai Desk

પહેલી ઇનિંગમાં ઑસ્ટ્રેલિયા ૪૫૪ રને ઑલઆઉટ,ન્યુ ઝીલૅન્ડ વિના વિકેટે ૬૩ રન

ઑસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મૅચના બીજા દિવસે યજમાન ટીમ ૪૫૪ રન બનાવીને ઑલઆઉટ થઈ હતી. વન-ડાઉન આવેલા માર્નસ લબુશેને પોતાની ટેસ્ટ ક્રિકેટ કરીઅરની પહેલી ડબલ સેન્ચુરી ફટકારીને ટીમના સ્કોરને ૪૫૦ની પાર પહોંચાડ્યો હતો. તેણે ૩૬૩ બૉલમાં ૧૯ બાઉન્ડરી અને એક સિક્સર ફટકારીને ૨૧૫ રન બનાવ્યા હતા. ક્રીઝ પર જામેલા લબુશેનને આઉટ કરવામાં ટોડ એસ્ટલને સફળતા મળી હતી.

ન્યુ ઝીલૅન્ડની ટીમના કોલિન ડી ગ્રૅન્ડહોમ અને નીલ વૅગનરને ત્રણ-ત્રણ વિકેટ લેવામાં સફળતા મળી હતી. ઑસ્ટ્રેલિયાએ આપેલા લક્ષ્યને પ્રાપ્ત કરવા ઊતરેલી મહેમાન ટીમે પહેલી ઇનિંગમાં વગર વિકેટે ૬૩ રન બનાવી લીધા છે. ઓપનિંગ જોડી ટૉમ લેધમ અને ટૉમ બ્લન્ડેલ અનુક્રમે ૨૬ અને ૩૪ રને ક્રીઝ પર છે અને નિર્ધારીત લક્ષ્યથી ૩૯૧ રન પાછળ છે.

લબુશેને કરી લૅન્ગર અને પૉન્ટિંગની બરાબરી
દાયકાની પહેલી ડબલ સેન્ચુરી ત્રીજી વખત ઑસ્ટ્રેલિયન બૅટ્સમૅનના નામે

દાયકાની શરૂઆતમાં દરેક પ્લેયર કંઈના કંઈક રેકોર્ડ પોતાના નામે નોંધાવા મહેનત કરતો હોય છે. લબુશેનની ડબલ સેન્ચુરીને લીધે એક રેકોર્ડ ઑસ્ટ્રેલિયન પ્લેયરોના ફાળે ગયો છે. ટેસ્ટ ક્રિકેટની વાત કરીયે તો દાયકાની શરૂઆતમાં પહેલી ડબલ સેન્ચુરી મારવાનો રેકોર્ડ ઑસ્ટ્રેલિયન પ્લેયરોના નામે છે. વર્ષ ૨૦૦૦માં જસ્ટિન લેન્ગરે ભારત સામે સિડીનીમાં ૨૨૩ રન અને રિકી પોન્ટિંગે હોબાર્ટમાં પાકિસ્તાન સામે ૨૦૧૦માં ૨૦૯ રન બનાવી પોત-પોતાના દાયકાની પહેલી ડબલ સેન્ચુરી ફટકારી હતી.

ભાઈ, આ લબુશેનનું સાચું ઉચ્ચારણ કોઈ તો જણાવો...
મુંબઈ : ઑસ્ટ્રેલિયન ટેસ્ટ ક્રિકેટ ટીમના ધુઆંધાર પ્લેયર માર્નસ લબુશેનનું નામ એવું છે કે તેનું સાચું ઉચ્ચારણ કરવામાં ભલભલા ગોથાં ખાઈ જાય છે. વાસ્તવમાં માર્નસની સફળતાને લીધે ફરી એક વાર ક્રિકેટજગતમાં તેના નામના ઉચ્ચારણ વિશે ચર્ચા થવા માંડી છે. એવામાં ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ તેના ડેબ્યુ વખતે એક વિડિયો શૅર કર્યો હતો, જેમાં તેના નામનું ઉચ્ચારણ કઈ રીતે કરવું એ જણાવવામાં આવ્યું છે. આ વિડિયોમાં તેના સાથીખેલાડીઓમાંના કેટલાક લા-બુ-શાને, લાર-બુ-શને, લા-બુ-શાને, લા-બુ-શક-ની, લૂઝ-બસ-ચેન્જ જેવા પ્રયત્ન કરે છે, પણ કોઈ સફળ નથી થતું. અંતે માર્નસ પોતે આવીને કહે છે કે ‘મારી પત્નીએ આ નામનું ઉચ્ચારણ કઈ રીતે કરવું એની સરળ રીત જણાવી છે. જેમ શૅમ્પેન હોય છે, એમ લબુશેન. એ પર્ફેક્ટ ઉ‍ચ્ચારણ છે. મારા નામનું સાઉથ આફ્રિકન ઉચ્ચારણ ‘લાબુ-સકખ-ની’ છે, પરંતુ હું લબુશેનથી ખુશ છે.

પાપા કહતે હૈં બડા નામ કરેગા
માર્નસ લબુશેનની પહેલી ડબલ સેન્ચુરી થતાં સ્ટેડિયમમાં બેઠેલા તેના પિતાએ ઊભા થઈને દીકરાની ઉપલબ્ધિને તાળીઓ દ્વારા બિરદાવી હતી.

sports sports news cricket news australia new zealand