સ્મિથ ઇજાગ્રસ્ત થતાં લબુશેનને રમવાની તક આપવામાં આવી

20 August, 2019 10:42 AM IST  |  London

સ્મિથ ઇજાગ્રસ્ત થતાં લબુશેનને રમવાની તક આપવામાં આવી

લબુશેન

ઘણાં વર્ષોથી લૉર્ડ્સનું મેદાન ઐતિહાસિક ઘટનાઓનું સાક્ષી રહ્યું છે. હાલમાં રમાઈ રહેલી ઍશિઝમાં પણ એક એવો ઐતિહાસિક નિર્ણય લેવાયો જે ટેસ્ટ ક્રિકેટનાં ૧૪૨ વર્ષના ઇતિહાસમાં પહેલાં ક્યારેય નથી લેવાયો. ઇંગ્લૅન્ડના બોલર જોફ્રા આર્ચરના બાઉન્સરને કારણે ઑસ્ટ્રેલિયન પ્લેયર સ્ટીવ સ્મિથ ઇન્જર્ડ થયો હતો જેના બાદ શેષ રહેલી મૅચમાં તેના સ્થાને માર્નસ લબુશેનને રમાડવાનો નિર્ણય લેવાયો હતો. લબુશેન ક્રિકેટ ઇતિહાસમાં સૌપ્રથમ કન્કશન સબસ્ટિટ્યુટ બનશે.

ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં કોઈ પ્લેયર ઈજાગ્રસ્ત થાય અને તેના સ્થાને અન્ય કોઈ પ્લેયરને રિપ્લેસ કરવામાં આવે એવી આ પહેલી ઘટના છે. ડૉક્ટરો અને કોચના ના કહેવા થવા છતાં સ્મિથે રમતા રહેવાની જીદ કરી હતી અને તે ૯૨ રન કરી આઉટ થયો હતો, પરંતુ રવિવારે સવારે દુખાવો વધી જતાં સ્મિથને ગેમમાંથી બહાર કરવામાં આવ્યો હતો અને તેના સ્થાને માનૅસને રમવા માટે બોલાવવામાં આવ્યો હતો. માનૅસ લબુશેને ગયા વર્ષે પાકિસ્તાન સામેની મૅચમાં ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. અત્યાર સુધી પાંચ ટેસ્ટ મૅચ રમી ચૂકેલા માનૅસે કુલ ૨૧૦ રન કર્યા છે.

સ્મિથની ઈજાને જોતાં ડૉક્ટરોએ આઇસીસીને અરજી કરી હતી કે સ્મિથને મૅચમાંથી બહાર કરવામાં આવે જેથી કરીને તેનો ઈલાજ કરી શકાય. સ્મિથની આ ઈજાને કારણે તે હવે ત્રીજી ઍશિઝમાં નહીં રમી શકે. ટ્રિટમેન્ટના ભાગરૂપે ગઈ કાલે તેની ગરદનનું સ્કૅન પણ કરાયું હતું. ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મૅચ લીડ્સમાં ૨૨ ઑગસ્ટથી રમાશે.

ભવિષ્યમાં નેક ગાર્ડ ફરજિયાત કરવામાં આવે તો નવાઈ નહીં

ક્રિકેટ જગતના ઐતિહાસિક ગ્રાઉન્ડ લૉર્ડ્સમાં ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ મૅચમાં ઑસ્ટ્રેલિયન બૅટ્સમૅન સ્ટીવ સ્મિથને થયેલી ઈજાએ ફરી એક વાર ક્રિકેટ જગતમાં પ્લેયરોની સાવચેતી બાબતે લોકોનું ધ્યાન આકર્ષ્યું છે. આ ટેસ્ટ મૅચના ચોથા દિવસે ઇંગ્લૅન્ડના બોલર જોફ્રા આર્ચરે ફેંકેલા એક બાઉન્સરને કારણે ૮૦ રનના વ્યક્તિગત સ્કોર પર રમી રહેલો સ્ટીવ સ્મિથ ઈજાગ્રસ્ત થયો હતો.

સ્મિથને થયેલી ઈજા વિશે વાત કરતાં ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના કોચ જસ્ટિન લૅન્ગરે કહ્યું છે કે ‘તમારા પ્લેયરને આવી રીતે ઈજા થાય એ સ્વાભાવિક રીતે તમને ન જ ગમે. પ્લેયરોના સંઘર્ષની યાદોમાં આ કિસ્સો પણ એક કડવી યાદરૂપે સામેલ થઈ જાય માટે આ કોઈ હસવાની વાત નથી.’

પ્લેયરોની સુરક્ષા માટે નેક ગાર્ડ ફરજિયાત કરવાની વાત કરતાં લૅન્ગરે જણાવ્યું કે ‘વાસ્તવમાં ભૂલ મારી હતી, પણ મને હજી સુધી એ સમજાતું નથી કે શા માટે આ સુરક્ષાનાં સાધનો ફરજિયાત કરાયાં નથી. ભવિષ્યમાં પ્લેયરો માટે નેક ગાર્ડ ફરજિયાત કરવામાં આવે તો નવાઈ નહીં.’

સ્મિથ જ્યારે પહેલી ઇનિંગમાં બૅટિંગ કરવા ઊતર્યો ત્યારે તેણે પોતાની હેલ્મેટની નેક ગાર્ડ બાંધી ન હતી જેને કારણે તે ઈજા પામ્યો હતો. બૉલ વાગતાં બન્ને ટીમના ડૉક્ટરો તાત્કાલિક મેદાનમાં પહોંચી ગયા હતા અને તેને પ્રાથમિક સારવાર આપી હતી. આ ઇનિંગમાં સ્મિથ ૯૨ રન કરીને આઉટ થતાં સેન્ચુરી ચૂકી ગયો હતો.

આ પણ વાંચો : વેસ્ટઈન્ડીઝમાં ટીમ ઈન્ડિયા પર હુમલાની શક્યતાના અહેવાલો પર ICCની સ્પષ્ટતા

બાઉન્સર નાખ્યા બાદ હસી રહેલા જોફ્રા પર ભડક્યું સોશ્યલ મીડિયા

ઑૅસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મૅચમાં યજમાન ટીમ વતી જોફ્રા આર્ચરે ટેસ્ટ મૅચમાં ડેબ્યુ કર્યું હતું. જોકે જોફ્રાના એક બાઉન્સરને કારણે ક્રિકેટના ચાહકો સોશ્યલ મીડિયામાં તેના પર ગુસ્સે થયા છે. વાસ્તવમાં જોફ્રાના બાઉન્સરથી ઈજાગ્રસ્ત થયેલો સ્ટીવ સ્મિથ જ્યારે મેદાનમાં ટ્રીટમેન્ટ લઈ રહ્યો હતો ત્યારે તે હસી રહ્યો હતો. તેના આ સ્વભાવથી સોશ્યલ મીડિયામાં તેની ઝાટકણી કાઢવામાં આવી હતી અને ચાહકોએ પોતાનો ગુસ્સો તેના પર ઠાલવ્યો હતો. જોકે સ્ટીવને બૉલ લાગતાં હરીફ ટીમમાંથી સૌથી પહેલાં જોસ બટલર જ તેની પાસે પહોંચ્યો હતો.

australia england cricket news sports news