નિર્ણાયક મુકાબલામાં ઑસ્ટ્રેલિયાના 272 રન સામે ભારત 237 રને આઉટ

14 March, 2019 11:52 AM IST  |  દિલ્હી

નિર્ણાયક મુકાબલામાં ઑસ્ટ્રેલિયાના 272 રન સામે ભારત 237 રને આઉટ

ગજબનું કમબૅક કર્યું : સિરીઝમાં ૦-૨થી પાછળ રહ્યા પછી લાગલગાટ ૩ મૅચ જીતીને સિરીઝ જીતનારી ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયન ટીમ

દિલ્હીના ફિરોઝશા કોટલા મેદાનમાં ૨૭૩ રનના ટાર્ગેટ સામે કેદાર જાધવ અને ભુવનેશ્વર કુમારની આક્રમક વળતી લડત છતાં ભારત ૩૫ રનથી મૅચ અને સિરીઝ ૩-૨ના માર્જિનથી હાર્યું હતું. પ્લેયર ઑફ ધ મૅચ અને પ્લેયર ઑફ ધ સિરીઝનો અવૉર્ડ ૩૮૩ રન બનાવનાર ઉસ્માન ખ્વાજાને મળ્યો હતો. ઑસ્ટ્રેલિયા ભારતમાં છેલ્લી વન-ડે સિરીઝ ૨૦૦૯માં ૪-૨થી જીત્યું હતું.

શિખર ધવન (૧૨)ની વિકેટ જલદી ગુમાવ્યા પછી રોહિત શર્મા (૫૬) અને કૅપ્ટન વિરાટ કોહલી (૨૦) વચ્ચે ૫૧ રનની પાર્ટનરશિપ થઈ હતી. રિષભ પંત (૧૬), વિજય શંકર (૧૬) અને રવીન્દ્ર જાડેજા (૦) ક્રીઝ પર ટકી શક્યા નહોતા. કેદાર જાધવ (૪૪) અને ભુવનેશ્વર કુમારે (૪૬) ૯૧ રનની પાર્ટનરશિપ કરીને બતાવ્યું હતું કે ધીમી પિચ પર પણ રન બની શકે છે. આ બન્ને આઉટ થતાં ભારતની ટીમ ૫૦ ઓવરમાં 237 રનના સ્કોરે આઉટ થઈ હતી.

ખ્વાજા પાછો નડ્યો

ટૉસ જીતીને ઑસ્ટ્રેલિયન કૅપ્ટન ઍરોન ફિન્ચે પહેલાં બૅટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કૅપ્ટનની વિકેટ જલદી ગુમાવ્યા બાદ પાકિસ્તાનમાં જન્મેલા ઉસ્માન ખ્વાજા અને પીટર હેન્ડ્સ્કૉમ્બ વચ્ચે બીજી વિકેટ માટે ૯૯ રનની પાર્ટનરશિપ થઈ હતી. જોકે રનરેટ ૬ની અંદર જ રહ્યો હતો. સતત બીજી મૅચમાં સેન્ચુરી ફટકારનાર ખ્વાજાને ભુવનેશ્વર કુમારે ૧૭૫ના ટીમ ટોટલે આઉટ કરીને અગત્યની વિકેટ અપાવી હતી. ત્યાર પછીના ૫૪ રનમાં પ્રવાસી ટીમે ૬ વિકેટ ગુમાવતાં સ્કોર ૨૨૯ રનમાં ૭ વિકેટ થયો હતો. છેલ્લી ૪ ઓવરમાં ૪૨ રન બનતાં પ્રવાસી ટીમે ૫૦ ઓવરમાં ૯ વિકેટે 272 રન બનાવ્યા હતા. જસપ્રીત બુમરાહને એકેય વિકેટ નહોતી મળી પણ તેણે પહેલી ૮ ઓવરમાં ફક્ત ૧૪ રન આપ્યા હતા.

આ પણ વાંચો: વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ માટે MCC કમિટીનાં રસપ્રદ સૂચનો

સિરીઝમાં ભારત વતી હાઇએસ્ટ ૧૦ વિકેટ લેનાર કુલદીપ યાદવે ૧૦ ઓવરમાં ૭૪ રન આપીને ચોથી વન-ડેના હીરો એશ્ટન ટર્નરને ૨૦ રનમાં આઉટ કર્યો હતો. આ સિરીઝમાં બુમરાહે ૭, શામીએ પાંચ, ભુવનેશ્વરે ૪ અને રવીન્દ્ર જાડેજાએ ૩ વિકેટ લીધી હતી. ભારતની વર્લ્ડ કપ પહેલાંની આ છેલ્લી વન-ડે હતી. હવે ભારત આગામી વન-ડે પાંચ જૂને સાઉથ આફ્રિકા સામે રમશે.

india australia cricket news sports news