શેફાલીએ ફરી બ્રિટિશ બોલરોની ખબર લઈ નાખી

19 June, 2021 11:42 AM IST  |  Bristol | Gujarati Mid-day Correspondent

૧૭ વર્ષની ઓપનર શેફાલી વર્મા પોતાની પહેલી જ ટેસ્ટમાં બે હાફ સેન્ચુરી કરનાર વિશ્વની યંગેસ્ટ મહિલા પ્લેયર બની છે

શેફાલી વર્મા

બ્રિસ્ટલમાં ગઈ કાલે મિતાલી રાજના સુકાનમાં ભારતીય મહિલા ટેસ્ટ ટીમ ઇંગ્લૅન્ડની મહિલા ટીમ સામેની એકમાત્ર ટેસ્ટના ત્રીજા દિવસે મુસીબતમાં મુકાઈ ગઈ હતી. પહેલા દાવમાં ભારતીય ટીમ ૨૩૧ રનના સ્કોર પર ઑલઆઉટ થઈ જતાં ફૉલો-ઑન થવું પડ્યું હતું. રમતના અંત સુધીમાં ભારતના બીજા દાવમાં એક વિકેટે ૮૩ રન હતા. ભારતીય ટીમે બીજા ૮૨ રનની લીડ ઉતારવાની બાકી હતી.

ઇંગ્લૅન્ડે પહેલો દાવ ૯ વિકેટે ૩૯૬ રનના સ્કોરે ડિક્લેર કર્યો હતો.

૧૭ વર્ષની ઓપનર શેફાલી વર્મા પોતાની પહેલી જ ટેસ્ટમાં બે હાફ સેન્ચુરી કરનાર વિશ્વની યંગેસ્ટ મહિલા પ્લેયર બની છે. તેની આ પહેલી જ ટેસ્ટના પ્રથમ દાવમાં ૯૬ રને આઉટ થતાં ૪ રન માટે સદી ચૂકી ગઈ હતી, પરંતુ ગઈ કાલે બીજા દાવમાં તે પંચાવન રને રમી રહી હોવાથી તેને ડેબ્યુ ટેસ્ટમાં ઐતિહાસિક સદી ફટકારવાનો ફરી મોકો છે. સ્મૃતિ મંધાના ૮ રને આઉટ થઈ ચૂકી હતી. શેફાલીએ ૬૮ બૉલમાં નોંધાવેલી પંચાવન રનની અણનમ ઇનિંગ્સમાં ૧૧ ફોર ફટકારી છે. તેણે પ્રથમ દાવમાં બે સિક્સર તથા ૧૩ ફોર ફટકારી હતી. ભારતના પ્રથમ દાવમાં બ્રિટિશ લેફ્ટ-આર્મ સ્પિનર સૉફી એકલસ્ટને ૪ વિકેટ લીધી હતી. ટીમના ૨૩૧ રનના ટોટલમાં શેફાલીના ૯૬ રન ઉપરાંત મંધાનાનું ૭૮ રનનું યોગદાન હતું.

sports sports news cricket news