આઠ મહિના બાદ મેદાનમાં ફરી ગુંજશે દર્શકોની કિકિયારી

27 November, 2020 02:37 PM IST  |  Delhi | IANS

આઠ મહિના બાદ મેદાનમાં ફરી ગુંજશે દર્શકોની કિકિયારી

ક્રિકેટપ્રેમીઓ માટે આ મૅચ અંગ્રેજી ભાષામાં સોની ટેન વન ચૅનલ, હિન્દીમાં સોની ટેન થ્રી ચૅનલ અને અંગ્રેજી, તામિલ તેમ જ તેલુગુ ભાષામાં સોની સિક્સ ચૅનલ પર સવારે ૯.૧૦ વાગ્યાથી પ્રસારિત થશે.

ઘરઆંગણે કાંગારૂ ટીમ જબરદસ્ત પર્ફોર્મ કરવામાં માહેર છે, પણ બન્ને દેશ વચ્ચે આમને-સામને થયેલી છેલ્લી ૧૨ વન-ડેમાંથી મોટા ભાગની વન-ડે જીતીને ભારતે પોતાનો સ્ટારડમ બતાવ્યો છે.

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ વન-ડે મૅચની સિરીઝનો આજથી શુભારંભ થવાનો છે. વિરાટ કોહલી અને ઍરોન ફિન્ચના દમદાર પ્લેયર્સ પોતાની ટૅલન્ટ બતાવવાનો પૂરતો પ્રયાસ કરતા જોવા મળશે. સ્વાભાવિક છે કે ભારતને રોહિત શર્માની કમી નડી શકે છે અને મહેમાન ટીમે પોતાના અન્ય પ્લેયર્સ પર આધાર રાખવો પડી શકે છે, જ્યારે ઑસ્ટ્રેલિયન ટીમ પોતાના શાનદાર પ્રદર્શનથી ભારત માટે માથાનો દુખાવો બની શકે છે. આ મૅચમાં ભારતીય ટીમ નવી જર્સી પહેરીને રમતી જોવા મળશે. આઠ મહિના બાદ ફરી એક વાર દર્શકોની કિકિયારીથી મેદાન ગુંજી ઊઠશે, કારણ કે અહીં દર્શકોને મૅચ જોવાની પરવાનગી આપવામાં આવી છે.
ભારતને વર્તાશે રોહિતની ખોટ
વિરાટ કોહલીના નેતૃત્વમાં રમનારી ભારતીય ટીમને રોહિત શર્માની ગેરહાજરી સાલી શકે છે અને શૉર્ટ બૉલ માટેના વિકલ્પ પણ તેમની પાસે જૂજ છે. સંભવતઃ મયંક અગરવાલ રોહિત શર્માની જગ્યા લઈ શકે છે. આઇપીએલ ૨૦૨૦ દરમ્યાન મયંકનું પ્રદર્શન સંતોષકારક અને નોંધનીય રહ્યું હતું. શક્ય છે કે મયંક અને શિખર ધવન સાથે મળીને ટીમ માટે ઓપનિંગ કરી શકે છે. વિકેટકીપર તરીકે લોકેશ રાહુલ જવાબદારી સંભાળી શકે છે. જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીમાંથી ટીમ કોને લઈને મેદાનમાં ઊતરે છે એ જોવાનું રહેશે. નવદીપ સૈની અને શાર્દુલ ઠાકુરમાંથી પણ કોઈ એક પ્લેયરનો સમાવેશ ટીમમાં થઈ શકે છે. ઑલરાઉન્ડર તરીકે રવીન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યાએ ટીમ માટે નોંધનીય પ્રદર્શન કરવું પડશે.
ઑસ્ટ્રેલિયા પાસે ‍છે ઑલરાઉન્ડર્સની ભરમાર
ઍરોન ફિન્ચના નેતૃત્વમાં રમનારી ઑસ્ટ્રેલિયન ટીમ પાસે સારા એવા પ્લેયર અને ઑલરાઉન્ડરનો વિકલ્પ ઉપલબ્ધ છે. ભારતના બોલરો જો ઑસ્ટ્રેલિયન પ્લેયર્સને વહેલા પૅવિલિયનભેગા નહીં કરે તો તેઓ મોટો સ્કોર ઊભો કરવામાં સક્ષમ છે. ડેવિડ વૉર્નર અને સ્ટીવ સ્મિથથી માંડીને ઍડમ ઝમ્પા સુધીના પ્લેયર્સ મહેમાન ટીમને હેરાન-પરેશાન કરી શકે છે. સિડનીમાં રમાનારી પહેલી બે વન-ડે મૅચમાં સ્ટેડિયમની ક્ષમતાના ૫૦ ટકા દર્શકોને સ્ટેડિયમમાં આવવાની અનુમતિ આપવામાં આવી છે, જ્યારે ત્રીજી વન-ડે કેનબેરામાં રમાશે જ્યાં સ્ટેડિયમની કુલ ક્ષમતાના ૬૫ ટકા દર્શકોને જવાની અનુમતિ આપવામાં આવી છે.
શું કહે છે આંકડા?
આંકડા પ્રમાણે જોવા જઈએ તો છેલ્લા ૨૪ મહિનામાં બન્ને ટીમ વન-ડેમાં ૧૨ વખત આમને-સામને રમી છે જેમાંથી ૭ વખત ભારતનો વિજય થયો છે, જ્યારે સામા પક્ષે ઘરઆંગણે રમવાનો ફાયદો ઑસ્ટ્રેલિયાને મળવાની સંભાવના જોવામાં આવી રહી. ભારત ઑસ્ટ્રેલિયામાં ઑસ્ટ્રેલિયા સામે ૫૧ મૅચ રમ્યું છે જેમાંથી માત્ર ૧૩ વખત તેને વિજય પ્રાપ્ત થયો છે અને મોટા ભાગે કાંગારૂ ટીમને જ જીતનો સ્વાદ ચાખવા મળ્યો છે.
આજે સવારે ૯.૧૦ વાગ્યાથી શરૂ થશે વન-ડે મુકાબલો
ગ્લેન મૅકગ્રા, વીરેન્દર સેહવાગ, અજય જાડેજા, નિક નાઇટ, સંજય માંજરેકર, ઝહીર ખાન, મોહમ્મદ કૈફ, હર્ષા ભોગલે અને અન્ય કેટલાક દિગ્ગજ પ્લેયર આજથી શરૂ થતી ભારત-ઑસ્ટ્રેલિયા ટૂરમાં કૉમેન્ટરી કરતા જોવા મળશે. ક્રિકેટપ્રેમીઓ માટે આ મૅચ અંગ્રેજી ભાષામાં સોની ટેન વન ચૅનલ, હિન્દીમાં સોની ટેન થ્રી ચૅનલ અને અંગ્રેજી, તામિલ તેમ જ તેલુગુ ભાષામાં સોની સિક્સ ચૅનલ પર સવારે ૯.૧૦ વાગ્યાથી પ્રસારિત થશે.

australia sports news test cricket