સુખી માણસના માથે શિંગડાં હોય છે?

10 November, 2019 11:24 AM IST  |  Mumbai | Kana Bantwa

સુખી માણસના માથે શિંગડાં હોય છે?

જિંદગીમાં જલસો પાડી દે એવી સુખ–સુવિધાઓનો અખૂટ ખજાનો જ્યાં હોવાનું મનાય છે એવા સુખ નામના માયાવી ટાપુ સુધી પહોંચીને માત્ર સુખ જ સુખમાં આળોટવા માટે માણસ મથતો રહે છે, ભાગતો રહે છે અને અનાદિ કાળથી સુખના આ ટાપુની ખોજ માણસ કરતો રહ્યો છે. આ ખોજયાત્રા દુ:ખ નામના સમુદ્રમાં થઈને દિશાવિહીન અથડાતાં-કૂટાતાં થાય છે. મુશ્કેલીઓ, પીડા, સંતાપ, બોજ, તાણ, હતાશા, પલાયન વગેરે વચ્ચે ક્યારેક સુખનું એક છીપલું મળી આવે છે તો ક્યારેક નાનકડું મોતી પણ મળી જાય છે. કોઈને જલપરી મળી જાય છે તો કોઈને રત્નો પણ હાથ લાગે છે. પરંતુ આ યાત્રા એવી શાપિત છે કે જેને જે વસ્તુ મળી હોય તે તેને નાની જ પડે, ઓછી પડે છે, તુચ્છ લાગે છે અને જે દુ:ખ, પીડા, સંતાપ, હતાશા વગેરે મળે છે એ બહુ મોટાં લાગે છે, વિરાટ લાગે છે. દરેક માણસની આ અનુભૂતિ છે. જે અબજો કમાય છે, દોમદોમ સાહ્યબી છે તેમને પણ લાગે છે કે થોડું વધુ મળ્યું હોત તો સારું હતું, આ તો હજી ઓછું છે, અધૂરું છે.
એક સુંદર રશિયન વાર્તા છે. બાળપણમાં તમે કદાચ વાંચી હશે. એક ગામમાં વાવડ આવ્યા કે દૂરના એક પ્રદેશમાં જમીન સાવ સસ્તી મળે છે. તમે જેટલી જમીન એક દિવસમાં કવર કરી શકો એ તમને આપી દેવામાં આવે છે. ગામનો સૌથી શ્રીમંત ખેડૂત તરત ઊપડ્યો. સસ્તી જમીન વેચનારાઓએ નિયમ સમજાવ્યો કે માત્ર ૧૦૦ રૂબલમાં તમે જેટલી જમીન પર તમારાં નિશાન લગાવી શકો એટલી તમારી. સૂર્ય ઊગે ત્યાંથી આથમે ત્યાં સુધીમાં સ્ટાર્ટિંગ પૉઇન્ટ પર પહોંચી જવાનું, નહીંતર જમીન પણ નહીં મળે અને રૂપિયા પણ નહીં મળે. બીજા દિવસે સૂર્યનું પ્રથમ કિરણ ફૂટતાં જ ખેડૂત તો નિશાનીઓ કરવા માટેનાં સાધનો લઈને ઊપડ્યો. બપોર સુધીમાં તો ખાસ્સો આગળ નીકળી ગયો. થયું કે હવે વળી જાઉં, પણ થોડું વધુ મેળવી લેવાની લાલચ રોકી ન શક્યો. રોંઢા સુધીમાં તેણે વિશાળ વિસ્તાર કવર કરી લીધો. હવે પાછું વળીને સ્ટાર્ટિંગ પૉઇન્ટ સુધી નહીં પહોંચાય તો પૈસા અને જમીન બન્ને જશે એમ વિચારીને તે ઉતાવળે પાછો ફર્યો. પહેરેલું શર્ટ પણ કાઢી નાખ્યું. જૂતાં પણ ઉતારી નાખ્યાં. કોદાળીથી ખાડો કરતો જાય અને ભાગતો જાય. શ્વાસ ખાવા ઊભો રહેવાનો પણ તેની પાસે સમય નહોતો. દૂર ઊભેલા લોકો તેને જલદી પહોંચવા બૂમો પાડી રહ્યા હતા. સૂર્ય પશ્ચિમની ક્ષિતિજે અડું-અડું થઈ રહ્યો હતો. ખેડૂતે મરણિયા થઈને દોટ મૂકી. સ્ટાર્ટિંગ પૉઇન્ટના ખૂંટાને અડવા તેણે રીતસરનું પડતું જ મેલ્યું અને તેનો હાથ જરા અડી પણ ગયો. લોકોએ ચિચિયારી પાડી, પહોંચી ગયો. આ જમીન તારી. ખેડૂત હલ્યો કે ચાલ્યો નહીં. લોકોએ તેને તપાસ્યો, પણ તેનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. વાર્તા એવરગ્રીન છે. જ્યાં સુધી માણસ રહેશે ત્યાં સુધી આ વાર્તા જીવતી રહેશે. માણસની અપેક્ષાઓ કે ઇચ્છાઓ ક્યારેય પૂરી થતી નથી. એક સાધુને કોઈ ભાવિકે આવીને પૂછ્યું કે ‘મહારાજ, ઇચ્છાઓ ક્યારેય પૂરી નથી થતી એનું કારણ સમજાવશો?’ સાધુએ કહ્યું, ‘હું કૂવા પર પાણી લેવા જાઉં છું, મારી સાથે ચાલ, તારા પ્રશ્નનો જવાબ કદાચ મારે આપવો પણ નહીં પડે, તને સમજાઈ જશે.’ કૂવા પર પહોંચીને સાધુએ ડોલ કૂવામાં નાખી. તળિયા વગરની ડોલ. સાધુ ડોલ પાણીમાં ડુબાડે, દોરડું ખેંચે. ડોલ પાણીમાંથી બહાર આવતાં જ ખાલી થઈ જાય. સાધુ ફરી ડુબાડે. તળિયા વગરની ડોલ ડૂબીયે તરત જાય, પણ પાણીમાંથી બહાર આવતાં જ ખાલી. પેલા માણસે કહ્યું, ‘મહારાજ નકામી મથામણ ન કરો, ડોલને તળિયું જ નથી તો ભરાય કઈ રીતે?’ સાધુએ તેની સામે નજર માંડીને પૂછ્યું, ‘કાંઈ સમજાયું?’ સમજી ગયો પેલો માણસ કે ઇચ્છાઓ તળિયા વગરની ડોલ જેવી છે, ક્યારેય ભરાય નહીં. ખાલી ને ખાલી. ઇચ્છાઓ પૂરી થતી નથી એટલે સુખ મળતું હતું એ તો જાણે સમય, પણ અસલી ત્રાગડો એ છે કે જે નથી મળતું એને માટે દુખી થઈને આપણે જે મળ્યું છે એના સુખને પણ માણતા નથી કે માણી શકતા નથી.
સુખને માણો તો દુ:ખ દૂર ભાગી જાય છે. મારી બારીમાંથી બાજુના પ્લૉટની કન્સ્ટ્રક્શન-સાઇટના મજૂરોનાં ઝૂંપડાં દેખાય છે. કામચલાઉ ઝૂંપડામાં સુવિધાના નામે જેવું તેવું છાપરું અને પથ્થર ગોઠવીને બનાવેલા ચૂલા, કંતાન બાંધીને બનાવેલું, ઉપરથી ખુલ્લું બાથરૂમ, બીજું કશું નહીં. એ મજૂરોનાં બાળકો મોજથી રમતાં હોય રેતીના ઢગલા પર, પથ્થરના ખડકલા પર. કોઈ રમકડાં નહીં, કોઈ સાધન નહીં છતાં કિલ્લોલ કરે અને આપણાં બાળકો? બધું જ હોવા છતાં સાધન-સુવિધાઓ, વ્યવસ્થાઓથી ‌વીંટળાયેલાં હોવા છતાં એટલાં ખુશ હોતાં નથી. કારણ કે સુખને, સુવિધાને, જે મળ્યું છે એને માણી લેવાનું તેઓ શીખ્યાં નથી. બાળકો જ નહીં, આપણે કોઈ શીખ્યા નથી. મળેલું માણી લેવાનો અર્થ એ નથી કે વધુ મેળવવા, વધુ કમાવા પ્રયત્ન ન કરવો. એનો અર્થ એ છે કે જે નથી એની ચિંતામાં, એની અપેક્ષામાં જે પાસે છે એને રોળી ન નાખીએ.
કોઈ અન્ય તમને સુખી કે દુખી કરી શકે નહીં. કોઈની તાકાત નથી. તમને તમે પોતે જ સુખી કે દુખી કરી શકો. દુખના ડુંગર તૂટી પડ્યા હોય તો પણ સમતા ન ગુમાવે તેને કોણ દુખી કરી શકે? આનંદી કાગડાની વાર્તા યાદ છેને ? રાજાએ કરેલી દરેક સજામાં એ કાગડાએ આનંદ શોધી લીધો. સુખ એ દુ:ખનો અભાવ છે કે સુખ નામની સ્વતત્રં કોઈ ચીજ છે? અથવા સુખનો અભાવ એ દુ:ખ છે?
માણસને કઈ ચીજ સુખી કરી શકે? તમે શેનાથી સુખનો અનુભવ કરો? પૈસા હોય તો? વૈભવ હોય તો? મોજમજાનાં સાધનો ઉપલબ્ધ હોય તો? કુટુંબ-કબીલો કે સંતાનો હોય તો? પોતાનું ઘરનું ઘર હોય તો? પરિવારમાં સંપ–સુલેહ હોય તો? સરસ લાઇફ-પાર્ટનર મળે તો? ઘરમાં શાંતિ હોય તો? ઑફિસમાં તમારો વટ હોય તો? ધંધામાં ચડતી હોય તો?
આના સિવાય પણ કશુંક હશેને? આ બધી જ વસ્તુઓ વધતા-ઓછા પ્રમાણમાં સુખ આપી શકે, પણ સાચું સુખ તમારી અંદર છે. તમે ઇચ્છો તો નાનકડી ખુશીને મોટા સુખમાં પલટી શકો, તમે ચાહો તો દુ:ખને મિનિમાઇઝ કરી શકો. તમે કહેશો કે આનંદમાં રહેવાની વાતો કરવી સહેલી છે પણ આ દોડધામવાળા, કઠિન જીવનમાં આનંદિત રહેવું, હસતું મોઢું રાખવું અસંભવ જેવું છે. વાતમાં દમ છે તમારી. જિદંગીમાં અઢળક મુશ્કેલીઓ છે. ધંધામાં કમાણી છે, પણ એને માટે જે મહેનત કરવી પડે છે એ આકરી છે. બાળકો છે, પણ લાઇને ચડાવવાની ચિંતા છે. પતિ પહેલાં જેવું સાચવતો નથી, પત્ની કચકચ કરતી રહે છે, ગર્લફ્રેન્ડ રિસાઈ છે, બૉયફ્રેન્ડ દાદ નથી આપતો, એક સાંધો ત્યાં તેર તૂટે છે. વાત તો સાચી છે વહાલા વાચક તમારી, પણ એ જ જિંદગીને ક્યારેય બીજી બાજુથી નિહાળી છે? એમાં માત્ર સમસ્યાઓ જ છે? એની સુંદરતા તરફ નજર નાખી છે તમે ક્યારેય? કેટલુંબધું મજાનું મળી આવશે જો તમે શોધશો તો. પણ એને માટે આનંદી કાગડો બનવું પડશે. જિંદગી અરીસા જેવી છે. તમે રડમસ ચહેરો રાખશો તો પ્રતિબિંબ રડમસ લાગશે અને હસતો ચહેરો રાખશો તો હસતું લાગશે. આપણે ખુશ હોઈએ ત્યારે આખી દુનિયા ખુશ લાગે, મોજમાં લાગે અને આપણે દુખી હોઈએ ત્યારે સમગ્ર વિશ્વ દુખી, ઉદાસ, વેરાન લાગે. એક વાત યાદ રાખજો કે તમારી જિંદગી જેવી છે એવી તમે બનાવી છે. તમે તમારા હાથે એને ઘડી છે અને હજી ભવિષ્યની બાકી જિંદગીને રોજ ઘડી રહ્યા છો. એટલે તમારી આસપાસ જે થઈ રહ્યું છે એને માટે માત્ર તમે જ જવાબદાર છો. જો દુ:ખ છે તો એ પણ તમે જ ઊભું કર્યું છે અને જો સુખ છે તો એ પણ તમે જ બનાવ્યું છે. તો હવેથી જેકાંઈ કરો એ સુખ પેદા કરનારું હોય એટલું ધ્યાન રાખો. જિંદગી સુંદરતમ બની જશે.

health tips gujarati mid-day