કંકુના સૂરજ આથમ્યા! (પ્રકરણ – 09)

20 January, 2019 10:45 AM IST  |  | રામ મોરી

કંકુના સૂરજ આથમ્યા! (પ્રકરણ – 09)

જેમતેમ કરીને નમ્રતા સોનોગ્રાફીની ફાઇલ લઈને મહામહેનતે ડૉ. દીપેન પરીખના ક્લિનિકની બહાર નીકળી અને ઍક્ટિવા લઈને પોતાના ઘર તરફ ભાગી. આખા રસ્તે તે નાના બાળકની જેમ હીબકાં ભરી-ભરીને રડતી રહી. રસ્તામાં કેટલાય લોકોને નવાઈ લાગી કે એક સ્ત્રી ડૂસકાંઓ ખાળતી ચોધાર આંસુએ રડતી-રડતી પૂરપાટ ઝડપે ઍક્ટિવા ભગાવી રહી છે. જોકે નમ્રતાનું ધ્યાન કોઈના તરફ નહોતું. એક અંધારા કૂવામાં જાણે તે આખ્ખી માથાબોળ ઝબોળાઈ છે અને એક ધક્કા સાથે બહાર આવી ને એ પછી બધું અંધારું ટીપે-ટીપે પાણીની જેમ તેના આખા શરીરમાંથી નીતરી રહ્યું છે. તે કાંદિવલી પોતાના અપાર્ટમેન્ટ પંચશીલ રેસિડન્સીએ ઝપાટાભર પહોંચી ને પછી ઍક્ટિવાને જેમતેમ નીચે પાર્ક કરીને તેણે લિફ્ટની રાહ પણ ન જોઈ અને પગથિયાં એકશ્વાસે ચડવા લાગી. આજે તેને અચાનક એવું સમજાયું કે બધાં પગથિયાં મોટાં થઈ રહ્યાં છે. કોઈ મોટા ડુંગર પર તે હાંફતી-હાંફતી ચડી રહી છે અને તેને આખી જિંદગી કદાચ આ રીતે જ દોડતા રહેવાનું છે, હાંફતા રહેવાનું છે,

કોઈ આશા કે અપેક્ષા વગર

પડતા-આખડતા રહેવાનું છે; પણ ક્યાંય ઊભા નથી રહેવાનું. પાંચમો માળ આવતાં તો જાણે પાંચ ભવ થઈ ગયા. રસ્તામાં તેને જે કોઈ મYયું એ બધા સાથે વાતચીત કર્યા વગર, કોઈને કોઈ પણ બાબતનો જવાબ દીધા વગર, સીડીઓની િગ્રલ ને દીવાલ સાથે અથડાતી તે માંડ-માંડ પોતાના ઘરનાં બારણાં પાસે પહોંચી. બારણું ઠાલું બંધ હતું. બાજુના ઘરમાંથી ર્કીતનમાં ગયેલાં સાસુ હસુમતીબહેનનો અવાજ તેને સંભળાયો. તેણે પર્સમાંથી ચાવી કાઢી અને ઝનૂનથી લૉક પર ઝળૂંબી તો તેને સમજાયું કે દરવાજો ઑલરેડી ખુલ્લો જ છે. ધડામ કરતો દરવાજો ખોલીને તે ઘરમાં ઢોળાઈ ગઈ. ઘરમાં આવીને પણ તેને કશું સમજાયું નહીં કે હવે તે શું કરે. તાત્કાલિક પર્સમાંથી મોબાઇલ કાઢ્યો અને ચિરાગને કૉલ કર્યો. ચિરાગે ફોન રિસીવ કર્યો અને નમ્રતા કશું બોલ્યા વિના રડતી પડી.

‘હલો, નમ્રતા... હલો, શું થયું? કંઈક બોલ તો ખરી! મને ટેન્શન થાય છે... બોલ... હલો.’

નમ્રતાએ બોલવાનો પ્રયત્ન કર્યો, પણ તેનું હીબકું છાતીમાં એવું તો અટવાયું કે કશું બોલી શકાતું નહોતું. ચિરાગને ફોનમાં નમ્રતાનાં ડૂસકાંઓ જ સંભળાઈ રહ્યાં હતાં.

‘દિત્યા... દિત્યાને કશું થયું છે? નમ્રતા... તને સંભળાય છે કંઈ? હલો... પ્લીઝ... ફૉર ધ સેક ઑફ ગૉડ કશુંક તો બોલ... હલો... નમ્રતા!’ ચિરાગનો અવાજ કડક થયો.

નમ્રતા મહામહેનતે રડવાનું રોકીને માત્ર એટલું જ બોલી શકી, ‘ચિરાગ... ચિરાગ... આપણું આવનારું બાળક... ચિરાગ... હું ટ્વિન્સ... ચિરાગ!’

‘પ્લીઝ નમ્રતા, કામ ડાઉન... મને કશું જ સમજાતું નથી. તું શાંત થા અને સરખી વાત કર!’ સામા છેડે ચિરાગની અકળામણ અને ચિંતા ફોનમાં સતત પડઘાતી હતી.

‘ ચિરાગ... મારા પેટમાં ટ્વિન્સ બેબી...’

‘વૉટ? વાઉ! ટ્વિન્સ બેબી? માય ગૉડ... બટ, તો તું રડે છે કેમ... પ્લીઝ, શાંત થા... મમ્મી નથી ઘરે? ઘરે કોણ છે બીજું? દિત્યા ઘરે છે કે સ્કૂલમાં ગઈ છે? હલો... નમ્રતા... હલો... સરખી વાત તો કર... તેં મને આ ન્યુઝ આપીને તો સાતમા આસમાને...’

‘ચિરાગ, અભિનંદન... તમારું એક બાળક સલામત છે!’ કોઈ અંધારી ગુફામાંથી નમ્રતાનો રડમસ અવાજ આવ્યો.

‘વૉટ? વૉટ યુ મીન? નમ્રતા શું બોલે છે તું?’

‘ચિરાગ.... એ ટ્વિન્સ બેબીમાંથી એક તો મારા પેટમાં જ... આવ્યા પહેલાં જ... ચિરાગ વી લૉસ્ટ અવર બેબી!’ નમ્રતાનો અવાજ ફાટી ગયો અને જાણે તેના અસ્તિત્વમાંથી એક-એક કાંકરીઓ ખરી અને તે ઢગલો થઈ ગઈ. સામા છેડે ચિરાગનો કોઈ અવાજ સંભળાયો નહીં. નમ્રતાને ખાતરી હતી કે ચિરાગ કદાચ ફસડાઈ જ પડ્યો હશે! ડ્રૉઇંગરૂમની ફર્શ પર તે ટૂંટિયું વાળીને રડવા લાગી. તેના રડવાનો મોટો અવાજ સાંભળી બેડરૂમમાં સ્કૂલ-ડ્રેસ પહેરીને સૂતેલી દિત્યા ઊઠી ગઈ. લથડાતા પગે પાંચેક વર્ષની દિત્યા ડ્રૉઇંગરૂમમાં દોડી આવી ને પોતાની મમ્માને આમ હીબકે-હીબકે રડતી જોઈને તે ડઘાઈ ગઈ.

‘મમ્મા... મમ્મા... તું કેમ રડે છે... મમ્મી!’ બોલવામાં તકલીફ પડતી હતી તો પણ દિત્યા એકશ્વાસે પ્રશ્નો પૂછવા લાગી અને નમ્રતાનો હાથ પકડીને તેની બાજુમાં બેસી ગઈ. રડતાં-રડતાં નમ્રતાએ દિત્યા તરફ જોયું અને દિત્યાને ભેટી પડી. દિત્યા પોતાની નાનકડી આંગળીઓ નમ્રતાના વાળમાં ફેરવવા લાગી અને બીજા હાથથી નમ્રતાનાં આંસુ લૂછતી રહી.

‘મમ્મા, તું રડ નહીં... હું અહીં જ હતી... તને એટલે રડવું આવ્યું કે તું એકલી છે... મારે સ્કૂલમાં નથી જવું બસ... હું તારી સાથે જ રહીશ... તું રડતી નહી!’ દિત્યા પ્રયત્નપૂવર્કએ બની શકે એટલી સ્પક્ટ રીતે બોલતી રહી. નમ્રતા તેને ભેટી પડી અને તેના હાથ પર, કપાળ પર અને માથા પર બચ્ચીઓ ભરવા લાગી. પોતાની છાતીમાં સમાવી લીધી અને બન્ને હાથથી દિત્યાને કવર કરી લીધી, જાણે આવનારા સમયને તે કહી રહી હોય કે મારી દીકરીને હું મારાથી દૂર ક્યાંય જવા નથી દેવાની!

***

દિત્યાના આખા શરીર પર નમ્રતા અને ચિરાગે ગાયનું ઘી લેપી દીધું. દેશી ગાયનું પીળાશ પડતું ઘી સોળ શણગારમાં ચિતા પર અનંત નિદ્રામાં પોઢેલી દિત્યાના શરીર પર પીઠીની જેમ શોભી રહ્યું છે. પ્રતીક અને જલ્પેશે સાત નારિયેળ દિત્યાની ચિતાની આસપાસ બાંધ્યા. બ્રાહ્મણે ચિરાગના હાથમાં પાણી ભરેલો માટીનો ઘડો આપ્યો.

‘ચિરાગભાઈ, માટીના આ ઘડાને જમણા ખભા પર ઊંચકી રાખો અને ચિતાની ફરતે ભગવાન ઇન્દ્રના નામનું રટણ કરતાં-કરતાં ત્રણ પ્રદક્ષિણા કરો. આ વિધિને જલદાન વિધિ કહેવાય છે. મનુષ્યને અãગ્નદાહ પહેલાં સ્વજનો દ્વારા જલદાન કરવામાં આવે છે. જળ એ સૌથી મોટું તર્પણ છે, પણ જળના સ્વામી ભગવાન ઇન્દ્ર છે. હું ભગવાન ઇન્દ્રની સ્તુતિ કરું છું. આપ પાછળ જોયા વિના ત્રણ પ્રદક્ષિણા પૂરી કરો. આ જલદાન વિધિથી આત્માને શાંતિ પ્રાપ્ત થાય છે.’

કૉટનના સફેદ દુપટ્ટાને માથા પર ઓઢી રાખીને નમ્રતા દિત્યાના શરીરની અડોઅડ ઊભી હતી. નમ્રતાનો ભાઈ જલ્પેશ તેની પાસે આવ્યો અને નમ્રતાના ખભે હાથ મૂકીને તેને ચિતાથી થોડો દૂર લઈ ગયો. ચિરાગે માટીના ઘડાને જમણા ખભા પર ઊંચક્યો. બ્રાહ્મણે અણીદાર પથ્થરથી માટીના ઘડાને પાછળથી ટોચીને કાણું પાડ્યું. પાણીની ધાર ચિરાગના ખભા પરથી ઝિલાઈને નીચે જમીન પર ઢોળાતી રહી. બ્રાહ્મણ ઇન્દ્ર અને વરુણની સ્તુતિના મંત્રો ગાવા લાગ્યા. વાતાવરણમાં ધીમો-ધીમો પવન ઊઠuો. આજે તો જાણે પવન પણ કંપી રહ્યો હતો. ચિરાગ ધીમા પગે ચિતાની આસપાસ પ્રદક્ષિણા કરતો રહ્યો ને ત્રીજી પ્રદક્ષિણા પૂરી કરીને તે ઊભો રહ્યો. બ્રાહ્મણે ઇન્દ્રની સ્તુતિ પૂરી કરી.

‘ચિરાગભાઈ, હવે એ ઘડો પાછું જોયા વિના નીચે પાડી દો.’

ચિરાગે ઘડો છોડી દીધો અને માટીનો ઘડો નીચે પડીને ફૂટી ગયો. બ્રાહ્મણે અãગ્નદાહ માટેનું અગ્નિ પ્રગટાવેલું લાકડું ચિરાગના હાથમાં આપ્યું.

‘દીકરીને મુખાગ્નિ આપો. શાસ્ત્રો પ્રમાણે મુખાગ્નિ અપાય તો આત્મા પરમાત્મામાં લીન થાય અને તેમના જન્મ-મરણના ફેરા ટળી જાય!’

‘પણ અમારે તો અમારી દીકરી પાછી જોઈએ છે મહારાજ!’ નમ્રતાનો દૃઢ અવાજ સાંભળીને બ્રાહ્મણ અને ચિરાગે પાછું વળીને નમ્રતા તરફ જોયું. નમ્રતા બે ડગલાં આગળ આવીને ઊભી રહી. તે ચિરાગ સામે હાથ જોડીને બોલવા લાગી, ‘ચિરાગ, તમે મને પ્રૉમિસ કરેલું કે દિત્યા પાછી આવશે. મને મારી દીકરી પાછી જોઈએ છે. જો તેના જન્મ-મરણના ફેરા ટળી જશે તો મારી દીકરી મને ક્યારેય પાછી નહીં મળે!’

તેના અવાજમાં રહેલો આક્રંદ બ્રાહ્મણને અંદરથી ભીંજવી ગયો. ચિરાગના ચહેરા પર દદર્ભ ર્યું સ્મિત આવ્યું અને કોઈ નાના બાળકને બોલાવતો હોય એમ ઇશારાથી તેણે નમ્રતાને પોતાની પાસે બોલાવી. નમ્રતા ધીમા પગલે ચિરાગ પાસે પહોંચી તો ચિરાગે ઇશારાથી તેને અãગ્નદાહના લાકડાને પકડી રાખવાનું કહ્યું. નમ્રતા અવઢવમાં ચિરાગની ભીની આંખોને જોઈ રહી.

‘આ દુનિયામાં દિત્યા આવી ત્યારે તેને વધાવવા માટે આપણે બન્ને સાથે હાજર હતાં. આજે જ્યારે તે જઈ રહી છે ત્યારે પણ આપણે બન્ને સાથે જ તેને વળાવીશું. કન્યાદાનનું પુણ્ય એકલા પિતાને નહીં માબાપને મળે.’

નમ્રતાની આંખ છલકાઈ અને એક આંસુ ગાલ પર દડી ગયું.

પતિ-પત્ની બન્નેએ જમણા હાથથી અગ્નિદાહનું લાકડું પકડી રાખ્યું અને દિત્યાની પાસે આવીને ઊભાં રહ્યાં.

‘મહારાજ, અમારે અમારી દીકરીને પાછી બોલાવવાની છે. બોલો, કેવી રીતે અગ્નિદાહ આપીએ?’ ચિરાગના અવાજમાં દૃઢતા અને ગજબનો આત્મવિશ્વાસ હતાં. બ્રાહ્મણે દિત્યાને બે હાથ જોડ્યા અને કહ્યું, ‘આવાં માયાળુ માવતર હોય તો જન્મ સાથે જ મોક્ષ મળી જાય છે યજમાન. દીકરીબાના જમણા પગના અંગૂઠા પાસે અãગ્નદાહ આપી દો.’

બ્રાહ્મણે શુક્લ યજુર્વેદની રુદ્રીના છઠ્ઠા અધ્યાયના અગ્નિદાહના મંત્રોનું ગાન શરૂ કર્યું. ચિરાગ અને નમ્રતાએ એક વાર ધરાઈ-ધરાઈને દિત્યાનો ચહેરો જોયો. બન્નેએ વારાફરતી દિત્યાના કપાળને ચૂમી લીધું અને વાળ પર હાથ ફેરવ્યો.

‘નમ્રતા, તું નથી રડી, પરંતુ અત્યારે હવે રડીશ પણ નહીં જ... આપણી દીકરીને આપણે રાજીપા સાથે વળાવીશું!’

નમ્રતાએ ભીની આંખો લૂછી ને પછી બન્ને જણ દિત્યાની ચિતા ફરતે પ્રદક્ષિણા કરવા લાગ્યાં. એ દિવસ યાદ આવી ગયો જ્યારે પહેલી વખત તેમના હાથમાં થોડી ક્ષણે પહેલાં જન્મેલી દિત્યા કિલકારી કરતી હતી. ત્રણ-સવાત્રણ કિલોની તંદુરસ્ત નવજાત દિત્યાએ પોતાની નાનકડી આંગળીઓથી ચિરાગની આંગળી પકડી લીધી હતી. ચિરાગ અને નમ્રતાએ દિત્યાને વારાફરતી છાતીએ એ રીતે ચાંપી દીધેલી જાણે હવે એ લોકો ક્યારેય પોતાની દીકરી તેમનાથી દૂર થવા દેવા ન માગતા હોય. એ લોકોને પોતાની દીકરી પાછળ આમ ઘેલા થતા જોઈને એ સમયે બધા બહુ હસેલા. આજે બધાની આંખો ભીની છે. ચિરાગ અને નમ્રતા એ બધાં દૃશ્યોને યાદ કરીને રડી પડવાની ક્ષણે જાત પર કાબૂ રાખીને ઊભાં રહ્યાં. સાંજ ઢળવા આવી હતી. આકાશ વાદળછાયું હતું. પવનની લહેરખીઓ નમ્રતાના દુપટ્ટાને ઉડાડતી હતી. દિત્યાના ઘૂંઘટમાં પવન ભરાયો અને દિત્યાનો ચહેરો ઘરચોળાના ઘૂંઘટમાં ઢંકાઈ ગયો. ચિરાગ અને નમ્રતાએ દિત્યાના જમણા પગ પાસે અãગ્નદાહ આપ્યો. અãગ્નની જ્વાળાઓ જાણે કે દિત્યાને પોતાની છાતીમાં સમાવતી હોય એમ ચારે ખૂણેથી ભેટી પડી. જલ્પેશ આગળ આવ્યો અને નમ્રતાનો હાથ પકડીને તેને ચિતાથી દૂર પરાણે ખેંચી ગયો. નમ્રતા એ અãગ્નની જ્વાળાઓને પણ જાણે કે ભેટી પડવાની હોય એમ બહાવરી થઈને દિત્યાનો ચહેરો જોવા ઊંચી-નીચી થવા લાગી. તેને આશા હતી કે હજી પણ કદાચ દિત્યા તેને કશું કહેશે અને પછી જ અãગ્નના ખોળામાં સૂઈ જશે. પ્રતીક ચિરાગને ખેંચી ગયો અને જલ્પેશે પોતાના બે હાથમાં પોતાની બહેન નમ્રતાને બાંધી રાખી. નમ્રતાના ચહેરા પર અãગ્નદાહના પ્રકાશનો કેસરવર્ણો રંગ લેપાયો.

જલ્પેશ પોતાનાં આંસુ લૂછીને નમ્રતાના માથા પર હાથ ફેરવવા લાગ્યો, ‘નમ્રતા, બેટા... તું ભગવાનનું નામ લે!’

નમ્રતા એકીટશે અગ્નિદાહને જોતી હતી.

‘ભાઈ, મારો ભગવાન મારી દીકરી હતી... આ જો... મારો ભગવાન મારાથી દૂર જઈ રહ્યો છે!’

અãગ્નની જ્વાળાઓ જાણે કે આકાશને આંબવા અધીરી થઈ હોય એમ ઊંચે ને ઊંચે વિખેરાઈ જતી હતી. આખા વાતાવરણમાં ચંદનનાં લાકડાંઓની ધૂમþસેર ઊઠી. આખું આકાશ કેસરવર્ણા રંગે ઘૂંટાયું. બધા લોકો હાથ જોડીને અãગ્નદાહની સામે ઊભા રહ્યા. જલ્પેશને અપેક્ષા હતી કે હવે તો નમ્રતા ધþુસકે-ધþુસકે રડી પડશે જ. મનોમન તેને એ ક્ષણની પ્રતીક્ષા હતી. ઘરેથી નીકYયો ત્યારે તેની મમ્મી જશોદાબહેને પણ તેને કહ્યું હતું કે ‘જલ્પેશ... સ્મશાનમાં એવું કંઈક કરજે કે મારી છોકરી છાતી ફાટી જાય એવું રોઈ નાખે... તેની છાતીમાં બધું સંકોડાઈ ગયું છે... એ ગંઠાઈ ગયેલા ડૂમાઓની મને બહુ ચિંતા થાય છે.’

જલ્પેશ પણ મૂંઝાઈ રહ્યો હતો. તેને સમજાતું નહોતું કે સ્થિર નજરે અગ્નિદાહને જોતી નમ્રતાને એવું તો શું કહે કે તે રડી પડે અને છાતીમાં સંઘરી રાખેલો બધો મૂંઝારો મીણની જેમ પીગળી જાય! જલ્પેશે પ્રયત્ન કર્યો કે દિત્યા સાથે જોડાયેલી એવી કોઈ વાત કરે કે નમ્રતા ભાંગી પડે, પણ તેને કોઈ શબ્દો સૂઝ્યા નહીં!

***

ચિરાગ તાત્કાલિક ભાગતો-ભાગતો ઘરે દોડીને આવ્યો ત્યારે નમ્રતા દીવાલે અઢીને ગૅલેરીમાં બારી બહાર આકાશને જોઈ રહી હતી. રડી-રડીને તેની આંખો સૂઝી ગઈ હતી. બાજુના સોફા પર સ્કૂલ-ડ્રેસ પહેરેલી દિત્યા ઘસઘસાટ ઊંઘી રહી હતી. જેવો ચિરાગ આવ્યો કે નમ્રતાએ ચિરાગ સામે જોયું. ચિરાગે નમ્રતાની આંખમાં સર્જા‍યેલો શૂન્યાવકાશ જોયો. તે કશું પણ બોલ્યા વિના દોડીને સીધો નમ્રતાને ભેટી પડ્યો. નમ્રતા મોટા અવાજે નાનું બાળક રડે એમ ચિલ્લાઈ-ચિલ્લાઈને રોઈ પડી. ચિરાગે પણ કશું બોલ્યા વિના નમ્રતાને કચકચાવીને પકડી રાખી - જાણે આ રીતેય કદાચ નમ્રતાની છાતીના ખૂણેખાંચરે અટવાયેલાં ડૂસકાંઓ પણ ચિરાગની અંદર ઊતરી જાય. ચિરાગની આંખોમાંથી આંસુ નમ્રતાની પીઠને ભીંજવતાં રહ્યાં. નમ્રતાને રડતી જોઈને સોફા પર ઘસઘસાટ સૂતેલી દિત્યા ઝબકીને જાગી ગઈ. મમ્મી અને પપ્પાને રડતાં જોઈને તે કશું પણ બોલ્યા કે રડ્યા વિના ચૂપચાપ બેસી રહી. દિત્યા સમજવા મથતી રહી કે મમ્મી-પપ્પા શું કામ રડે છે અને તેમને રડતાં અટકાવવા તેણે શું કરવાનું છે! ખાસ્સા સમય સુધી તે હતપ્રત થઈને બધું જોઈ રહી ને આખરે કશું ન સમજાયું, કોઈ જવાબ ન સૂઝ્યો એ પછી તે પણ રડી પડી. દિત્યાના રડવાનો અવાજ સાંભળીને નમ્રતા અને ચિરાગનું તેના તરફ ધ્યાન ગયું. તે બન્નેએ ઇશારાથી દિત્યાની પોતાના તરફ બોલાવી. સોફા પરથી ઊભી થઈને સહેજ લથડાતી ચાલ સાથે ઝડપથી સહેજ અસ્પક્ટ અવાજે ‘મમ્મા... પપ્પા...!’ બોલતી દિત્યા તે બન્ને સુધી પહોંચી ગઈ. નમ્રતા અને ચિરાગ બન્ને દિત્યાને ભેટી પડ્યાં. ક્યાંય સુધી રૂમમાં શાંતિ તોળાતી રહી. મુંબઈનો દરિયાઈ પવન ધીરે-ધીરે રૂમમાં પ્રવેશ્યો. નમ્રતાનાં હીબકાં શાંત થયાં હતાં. ચિરાગના ગાલ પરનાં આંસુ સુકાઈ ગયાં હતાં અને બન્નેના ખોળામાં અડધી-અડધી વહેંચાઈને સૂતેલી દિત્યા ચૂપચાપ એ લોકોને ટીકી-ટીકીને જોતી હતી. ચિરાગે નમ્રતાના વાળની લટોને આંગળીમાં લઈ વિખરાયેલા વાળને સરખા કર્યા. થોડી વાર સુધી બન્ને આ મૌનની વચ્ચે અનુસંધાન સાધવા મથતાં રહ્યાં. ચિરાગ દિત્યાના કપાળ પર હાથ ફેરવતો રહ્યો ને ધીરેથી બોલ્યો, ‘નમ્રતા, આપણે હવે એ ધ્યાનમાં રાખવાનું છે કે જે આપણા નસીબમાં નહોતું એની પાછળ દુ:ખી થઈને આપણે જે આપણી સાથે છે તેને ક્યાંક અન્યાય ન કરીએ બેસીએ.’

ક્યારનીયે ચૂપચાપ બેસી રહેલી નમ્રતા પર ચિરાગના આ શબ્દોની અસર થઈ. તેણે હકારમાં માથું ધુણાવ્યું ને દિત્યાના ગાલ પર હાથ ફેરવ્યો, ‘હું તારા પેટમાં જે બાળક છે એના વિશે પણ વાત કરી રહ્યો છું. આપણે બન્નેનું ધ્યાન રાખવાનું છે. આપણે સ્ટ્રૉન્ગ રહેવાનું છે.’

નમ્રતાએ ઊંડા શ્વાસ લીધા, પોતાના વાળ બાંધ્યા ને ચિરાગ સામે જોઈને બોલી, ‘ચિરાગ, ડૉ. અનાઇતા હેગડેનો સંપર્ક થયો? ડૉ. સ્વãપ્નલ કદમે આપણને લોકોને જેટલું બની શકે એટલી ઝડપથી દિત્યાને લઈને તેમની પાસે જવાનું કહેલું!’

‘મારી વાત થઈ ગઈ! તેમની હૉસ્પિટલમાંથી મને એવી અપડેટ મળી કે ડૉ. અનાઇતા હેગડે છ મહિના માટે આઉટ ઑફ ઇન્ડિયા છે. તે આવે પછી જ વાત આગળ વધશે!’ ચિરાગે ફળફળતો નિસાસો નાખ્યો.

‘તો ત્યાં સુધી શું કરીશું ચિરાગ?’

નમ્રતાના આ પ્રશ્નનો જવાબ ચિરાગ પાસે નહોતો. થોડી વાર સુધી તે બારીની બહાર જોઈ રહ્યો. સાંજ ઢળવા લાગી હતી. અંધારું સ્લાઇડિંગ વિન્ડોના ગ્લાસમાંથી ડોકાઈ રહ્યું હતું. નમ્રતાને એકાએક ભાન થયું કે આ રૂમમાં તેમના ત્રણ સિવાય વિન્ડો-ગ્લાસની ઓથમાં કાન દઈને ઊભેલું અંધારું પણ છે. રોકી રાખવા છતાં કેટલાક નકારાત્મક વિચારો આવી ગયા તો તેણે રૂમની બધી લાઇટો શરૂ કરી દીધી.

કંકુના સૂરજ આથમ્યા! - પ્રકરણ - 06

‘ત્યાં સુધી બીજા ડૉક્ટરો પાસે જઈશું. દિત્યા માટે દવાઓ લઈશું, રિપોર્ટ્સ કરાવીશું... તું ચિંતા ન કરતી.’

‘ચિરાગ, એક વાત તો ક્લિયર છે. જ્યાં સુધી મારી દીકરીને શું તકલીફ છે એ મને સ્પક્ટ શબ્દોમાં કોઈ ડૉક્ટર સમજાવશે નહીં ત્યાં સુધી હું એ લોકો દ્વારા કોઈ જ પ્રકારની દવાઓ કે ઇજેક્શન મારી દીકરીને દેવા નહીં જ દઉં!’

‘આપણે ડૉક્ટરોને સમયાંતરે બતાવતા તો રહીશું જ, પણ તારે એય નથી ભૂલવાનું કે તારા પેટમાં એક બાળક ધબકી રહ્યું છે. એક બાળક ગુમાવ્યા પછી મને એવું સમજાય છે કે પપ્પાની સારવાર અને દિત્યાની તકલીફો પાછળ તેં રાત-દિવસ જે કંઈ સ્ટ્રેસ ભોગવ્યું છે કદાચ એ સ્ટ્રેસનું જ આ પરિણામ છે કે આપણું એક બાળક જન્મતાં પહેલાં જ...’

પળ-બે પળ માટે આ વાત ભૂલી ગયેલી નમ્રતાનો ઘા જાણે કે ફરી ઉઝરડાયો. તેની આંખમાંથી રતાશભર્યો વસવસો વરસી પડ્યો. દીવાલને પીઠ ટેકવીને ક્યાંય સુધી તે છતને તાકતી રહી. દિત્યા ચૂપચાપ મમ્મીને આમ જોતી રહી.

‘નમ્રતા, હું ઇચ્છું છું કે દિત્યાને લઈને તું અમદાવાદ તારા પિયરમાં થોડો સમય જતી રહે. આપણું આવનારું બાળક અમદાવાદમાં જન્મે તો મને એ વધારે ગમશે. તારો ભાઈ જલ્પેશ પોતે ડૉક્ટર છે તો એ લોકો તારી તબિયતનું ધ્યાન વધારે રાખી શકશે. હું આ નોકરીની વ્યસ્તતામાં એટલો બધો અટવાયેલો છું કે તને બિલકુલ સમય નથી આપી શકતો. અહીં તો તું સરખી રીતે તારું પણ ધ્યાન નથી રાખી શકતી.’

‘ચિરાગ... કંઈ પણ થાય, હું તમને છોડીને ક્યાંય જવાની નથી! હું તમારી સાથે અહીં જ રહીશ. આપણું આવનારું બાળક પણ અહીં મુંબઈમાં જ જન્મ લેશે. આપણે સાથે રહીશું તો કોઈને કશું જ નહીં થાય!’

કંકુના સૂરજ આથમ્યા! (પ્રકરણ 08)

નમ્રતાની વાત પૂરી થાય એ પહેલાં અચાનક લાઇટ જતી રહી. નમ્રતાને લાગ્યું કે જાણે વિન્ડો-ગ્લાસની પેલે પાર કાન દઈને ઊભેલું અંધારું ખિખિયાટા કરતું આખા ઘરમાં ઘૂસી આવ્યું ને ત્રણેયની આસપાસ આવનારા સમયના ઓળાની ઓથ ઊભી થઈ ગઈ!

(ક્રમશ:)