કંકુના સૂરજ આથમ્યા! (પ્રકરણ 08)

Raam mori | Jan 13, 2019, 10:43 IST

દીકરીના જીવતરમાં ઘેરાતા અંધારા સામે ઝઝૂમતાં માબાપની કથા

કંકુના સૂરજ આથમ્યા! (પ્રકરણ 08)

નવલકથા - રામ મોરી

ડૉ. દીપેન પરીખની કૅબિનમાંથી રિસેપ્શનિસ્ટ નેહા બહાર દોડી આવી ત્યારે રિસેપ્શન ટેબલના સહારે ઊભેલી નમ્રતા ઑલમોસ્ટ ઢળી પડી હતી. તેની આંખો ઘેરાતી હતી. નેહાએ નમ્રતાને પોતાના બન્ને હાથથી પકડી લીધી. નમ્રતાનું આખું શરીર પરસેવાથી ભીંજાઈ ગયું હતું. તે હાંફવા લાગી હતી. નેહાએ રિસેપ્શન ટેબલ પર પડેલી પોતાની પાણીની બૉટલ નમ્રતાને આપી. નમ્રતાએ પાણી પીધું અને ઊંડા શ્વાસ લીધા.

‘આઇ ઍમ ફાઇન નેહા, થૅન્ક યુ! આજકાલ થોડી નબળાઈ રહે છે...’

‘નમ્રતા, ડૉક્ટર ઇઝ વેઇટિંગ ફૉર યુ. પ્લીઝ કમ.’

‘ઓહ થૅન્ક યુ!’ નેહા નમ્રતાને ચાલવામાં મદદ કરવા ગઈ

તો નમ્રતાએ નેહાનો હાથ ઉષ્માથી દબાવ્યો.

‘થૅન્ક્સ નેહા, તું પ્લીઝ તારું કામ કૅરી ઑન કર. હું અંદર જતી રહીશ.’ લાગણીભર્યા સ્મિતની આપ-લે થઈ. નમ્રતા ડૉ. દીપેન પરીખની કૅબિનમાં એન્ટર થઈ એ વખતે ફર્શ પર તેના લોહીના એક-બે ડાઘ અને એના પર નમ્રતાના પગની છાપના આછા ડાઘ હતા. નેહા ફાટી આંખે નમ્રતાને કશું કહેવા ગઈ ત્યાં સુધીમાં દરવાજો બંધ થઈ ગયો.

ડૉ. દીપેન પરીખ આધેડ વયના જાણીતા ડૉક્ટર હતા. નમ્રતા તેમની સામે બેસી ગઈ. તેમણે નમ્રતાની પ્રાથમિક તપાસ કરી, ‘પેટમાં દુખાવો ક્યારથી થાય છે નમ્રતા? વૉટ આઇ મીન ટુ સે કે આ પ્રેગ્નન્સી પછીનો દુખાવો છે કે પહેલાંથી જ થાય છે?’

‘ના, પ્રેગ્નન્સી પછીનો દુખાવો છે. મહિનાથી થોડો-થોડો થતો હતો, પણ આજકાલ એ ઘણો વધી ગયો છે. વારંવાર ચૂંક આવે છે. પેટની અંદર ભરતી આવતી હોય એમ બધું ઉછાળા મારે છે. જીવ ગભરાય છે, અશક્તિ જેવું થોડું...’

નમ્રતા બોલતી રહી અને ત્યાં સુધીમાં ડૉ. દીપેન પરીખ નમ્રતાની જીભ, ગળું અને આંખ પર ટૉર્ચના અજવાળાથી તકલીફને પકડવા મથી રહ્યા હતા.

‘ને ડૉક્ટર... હમણાં-હમણાંથી થોડું બ્લીડિંગ પણ થાય છે!’

‘વૉટ?’ ડૉ. દીપેન પરીખના હાથ અટકી ગયા. તે નમ્રતા તરફ ધારી-ધારીને જોવા લાગ્યા.

‘હા, એટલે થોડું નહીં ઘણુંબધું બ્લીડિંગ થાય છે. મને ડૉ. સ્પ્નિલ કદમે આ વાતને ગંભીરતાથી...’ ડૉ. દીપેન પરીખના ચહેરાના પરની તનાવી કચલીઓને ઉપર-નીચે થતી જોઈને નમ્રતાને સહેજ ધ્રાસકા જેવું થયું. તે થોડી ગભરાઈ, પણ અવાજ નૉર્મલ રાખવાનો પ્રયત્ન કરીને ખાતરી કરવા બોલી, ‘ડૉ. પરીખ... અશક્તિને લીધે આવું થાયને... આઇ મીન બીજું કશું મેજર...’ તેના પોતાના અવાજમાં રહેલી ધ્રૂજારીએ નમ્રતાને ચૂપ કરી દીધી. તેનાથી આગળ બોલી ન શકાયું. શબ્દોને શોધવા હૉસ્પિટલની સફેદ દીવાલો સામે જોવા લાગી.

‘નમ્રતા, આપણે સોનોગ્રાફી કરી લઈએ. પ્લીઝ કમ.’

નમ્રતા જાળવીને ઊભી થઈ અને ડૉ. દીપેન પરીખના ટેબલની જમણી બાજુ રખાયેલા સોનોગ્રાફી ટેબલ પર સૂઈ ગઈ. રિસેપ્શનિસ્ટ નેહા પણ આવી ગઈ અને તેણે આસપાસ વાઇટ કર્ટનથી સોનોગ્રાફી એરિયા કવર કર્યો. ડૉ. દીપેન પરીખે બ્લુ ગ્લવ્ઝ પોતાના હાથમાં પહેર્યા. સામે રહેલું સોનોગ્રાફી મશીન ઑન કર્યું. એક ટીવી-સ્ક્રીન નમ્રતા તરફ હતી અને એક સ્ક્રીન ડૉક્ટર તરફ હતી. આજ સુધી અનેક વખત નમ્રતાએ સોનોગ્રાફી કરાવી હતી, પણ આ વખતે ખબર નહીં કેમ પણ એક અજાણ્યો ડર તેની છાતીમાં ભરડો લઈ રહ્યો હતો. નેહાએ પોતાના હાથમાં લિક્વિડ જેલ લીધી અને નમ્રતાએ પોતાના ડ્રેસને થોડો હટાવીને પોતાનું પેટ ખુલ્લું કર્યું. તેના ખુલ્લા પેટ પર નેહાએ થોડી જેલ લગાવી આપી. પેટની ચામડી પર થોડો ઠંડો અનુભવ થયો, પણ જીવ અંદરથી ચૂંથાતો હતો. ડૉ. દીપેન પરીખે પોતાના હાથમાં પ્રોબ મશીન લીધું અને નમ્રતાના પેટના જે ભાગ પર જેલ લગાવી હતી એ વિસ્તાર પર હળવા હાથે પ્રોબનો છેડો ઘસવા લાગ્યા. ટીવી-સ્ક્રીન પર નમ્રતાને પોતાની પ્રેગ્નન્સી દેખાઈ. એક ક્ષણ માટે તેને ચિરાગનો અને દિત્યાનો વિચાર આવી ગયો.

‘તમારા હસબન્ડ ન આવ્યા? નવાઈ લાગી મને. બાકી તો હંમેશાં દરેક દવાખાનાના સમયે તમારી સાથે ને સાથે જ હોય છે.’ ડૉ. દીપેન પરીખે પોતાની તરફ રહેલી ટીવી-સ્ક્રીન તરફ જોતાં-જોતાં સવાલ કર્યો. નમ્રતાને કોઈ જવાબ સૂઝ્યો નહીં. ચિરાગ ચિંતા ન કરે એટલા માટે તો તે તેને કહ્યા વગર ચૂપચાપ સોનોગ્રાફી માટે આવી ગઈ હતી, પણ ડૉક્ટરને આ બધું એકડે એકથી કઈ રીતે સમજાવવું? ખોટો જવાબ આપતાં તકલીફ પડી અને તે જવાબ ગોઠવવા ગઈ કે તરત ડૉક્ટર ફરી બોલી ઊઠ્યા, ‘જુઓ નમ્રતા, તમને સ્ક્રીન પર તમારું બાળક દેખાશે.’

‘દેખાયું? ડૉક્ટર મને દેખાડો...’ નમ્રતા લગભગ અડધી બેઠી થઈ ગઈ. તેના અવાજમાં અચાનકથી ઉત્સાહ આવી ગયો. એક નવું જોમ જાણે નાડીઓમાં ધસમસવા લાગ્યું. નેહાને નમ્રતાનું આવું બાળક જેવું વર્તન જોઈને થોડું હસવું આવી ગયું. ડૉ. દીપેન પરીખે નમ્રતા તરફ જોયું,

‘નમ્રતા, કમઑન. સોનોગ્રાફી કરાવવા તમે કંઈ પહેલી વખત નથી આવ્યાં. યુ ગેટ માય પૉઇન્ટ રાઇટ? બાળક એટલે સાવ આમ ક્લિયર બાળક નહીં દેખાય. ત્રીજા-ચોથા મહિનામાં માના ગર્ભમાં ખાલી આકાર દેખાય... ધબકારા સંભળાય... એટલું જ...’

નમ્રતા પણ હસી પડી. ડૉક્ટરના ચહેરા પર સ્માઇલ આવ્યું. નમ્રતા કૅબિનમાં આવી એના અડધા કલાક પછી કદાચ પહેલી વાર તે ચિંતા અને તનાવ વગરનું મોકળા મને હસી એ વાત નેહા અને ડૉ. દીપેન પરીખ બન્નેએ નોંધી.

‘તમને મારી ટીવી-સ્ક્રીન પર જોવાની છૂટ નથી. આ મારું પોતાનું ટીવી છે. ચીટિંગ ન કરો. તમારી ટીવી-સ્ક્રીન તમારી સામે છે. બેઠા થઈ જવાની જરૂર નથી.’ ડૉ. દીપેન પરીખ સ્મિત કરીને બોલતા હતા અને સ્ક્રીન પર દેખાતા નમ્રતાના ગર્ભનો તાગ મેળવતા હતા. નમ્રતા રિલૅક્સ થઈને ફરી સૂઈ ગઈ ને પોતાની તરફ રખાયેલી ટીવી-સ્ક્રીન પોતાના જ ગર્ભને કોઈ અજાણી સ્ત્રીના ગર્ભને જોતી હોય એમ શાંત મને જોવા લાગી.

‘ડૉ. પરીખ, તમારી વાત સાચી કે પ્રેગ્નન્સીના ત્રીજા-ચોથા મહિને બાળકનો આકાર ખબર ન પડે, પણ તમને એ નથી ખબર કે સ્ત્રીને જ્યારે ખબર પડે કે હવે તે ગર્ભવતી છે એ પછીની જ ક્ષણથી તે પોતાના આવનારા બાળકનાં બધાં સપનાં એકસાથે જોઈ લેતી હોય છે. કુદરત બાળકનો આકાર નક્કી કરે એ પહેલાં ઊનના દોરાથી મા પોતાના બાળકના આકારને, રંગોને અને •તુઓને કલ્પીને સ્વેટર ગૂંથી લેતી હોય છે. કુદરત બાળકની જાતિ નક્કી કરે એ પહેલાં તો આવનારા બાળકનું કરિયાવર કરવાનું થશે તો શું આપીશ અને કદાચ આવનારું બાળક વહુ લાવે તો પહેરામણીમાં શું આપીશ એની આખી ગણતરી એક માના મનમાં ગોઠવાઈ જતી હોય છે. મા હોવાનો હરખ તમારા આકાર-નિરાકારથી બહુ ઊંચો છે!’ નમ્રતાની વાતને સહમતી આપતી હોય એમ રિસેપ્શનિસ્ટ નેહા સ્મિત આપીને નમ્રતાની આંખોમાં જોવા લાગી. ટીવી-સ્ક્રીન પર નમ્રતા પોતાના ગર્ભને ધારી-ધારીને હવે જોવા લાગી. ડૉક્ટરે નમ્રતાને સ્ટેથોસ્કોપ પહેરાવ્યું.

‘નમ્રતા, તમે તમારા બાળકના ધબકારા સાંભળી શકશો... લો સાંભળો!’

અને એ ક્ષણે નમ્રતાએ પેટમાં સૂતેલા બાળકનો પહેલો ધબકાર સાંભળ્યો. આંખમાંથી એક આંસુ ગાલ પર દડી ગયું. ગળું ભરાઈ આવ્યું. કોઈ શબ્દ સૂઝ્યા નહીં. એક ક્ષણ માટે બધી તકલીફ, બધી હેરાનગતિ, બધી ફરિયાદો, બધા ડર ભુલાઈ ગયા. આંખ બંધ થઈ ગઈ ને ચિરાગનો ચહેરો દેખાયો. નમ્રતાના ચહેરા પર શાંત-સંતોષી સ્મિત રેલાયું. આશાનાં નવાં કિરણોએ ખૂણેખાંચરે અટવાયેલા અંધારાને જાણે એક ક્ષણ ધકેલી દીધો. તેની છાતીમાં સંતોષનો દરિયો ઉછાળા મારવા લાગ્યો ને એ દરિયાનાં મોજાં તરંગો બનીને આવનારી ક્ષણોને ભીંજવતાં હતાં. મનોમન નમ્રતા ચિરાગને પોતાની લગોલગ કલ્પવા લાગી. તેણે ચિરાગનો હાથ કચકચાવી પકડી રાખ્યો છે. ચિરાગની છાતી પર માથું મૂકીને ઊંડા શ્વાસ લઈ રહી છે. ચિરાગનો એક હાથ નમ્રતાના પેટ પર ઉષ્માથી ફરી રહ્યો છે. નમ્રતાને ચિરાગના શ્વાસ અનુભવાય એટલો અઢેલીને તે નજીક બેઠો છે. સુખ ઘૂંટડે-ઘૂંટડે પીવાઈ રહ્યું છે. ઊર્મિઓની રૂપેરી ઘંટડીઓ ચોમેર રણકી રહી છે. સમયની કમળપાંદડીઓ પર લીંપાયેલા કેસરવર્ણા તડકા પર બેસીને બન્ને આવનારા સમયની સોનેરી ક્ષણોને પંપાળી રહ્યા છે.

‘ચિરાગ, આ આપણું આવનારું બાળક છે. તમને સંભળાય છે

તેના ધબકારા? એક જીવ ફરી આપણા પોતાના સંસારમાં તેની નાનકડી કોડીલી આંખોથી આપણને ટગર-ટગર જોશે. તેના કાલાઘેલા પ્રશ્નોને ઉકેલવા આપણે તેની ડગમગ ચાલની પાછળ દોડતા રહીશું. આપણી દિત્યાને સથવારો મળશે... આપણી દિત્યાને આવનારા સમયનો ટેકો...’

‘નમ્રતા, ટીવી-સ્ક્રીન પર જુઓ... તમારું એક બાળક સલામત છે... તમને અભિનંદન. એક બાળક સ્વસ્થ છે!’

નમ્રતાની આંખો એકદમથી ખૂલી ગઈ. કાળો લિસોટો પાડીને ઍક્ટિવા ચાર રસ્તાને ક્રૉસ કરીને ચિચિયારી પાડતું છાતી સુધી ધસી આવ્યું. કાનમાં ધાક પડી ગઈ કે શું? એક ઝટકા સાથે તે પથારી પરથી ઊભી થઈ. સહેજ સંતુલન ગુમાવ્યું ને નેહા તેને પકડવા દોડી કે નમ્રતાએ બેડને પકડી લીધો. એક ધ્રૂજારી ગાલ પર દોડી ગઈ. તે ડૉ. દીપેન પરીખની સામે ફાટી આંખે જોઈ રહી,

‘ડૉક્ટર... એક બાળક સલામત છે... અભિનંદન....’ તેનો અવાજ ઢસડાઈ ગયો ને આગળ કોઈ શબ્દ તેને સૂઝ્યા જ નહીં.

ડૉ. દીપેન પરીખના ચહેરા પર શાંતિ યથાવત્ હતી. તે બની શકે એટલા સહજ અને નૉર્મલ રહેવાનો પ્રયત્ન કરીને બોલ્યા, ‘યસ, તમારા ગર્ભમાં ટ્વિન્સ બેબી હતાં. બે બાળકો. તમને બ્લીડિંગ કદાચ એટલે જ થતું હતું કેમ કે... એક બાળક ગર્ભમાં જ મૃત્યુ પામ્યું છે... પણ ચિંતા ન કરો... બીજું બાળક સ્વસ્થ છે... અભિનંદન!’

‘બે બાળકો હતાં... એક બાળક મૃત્યુ... ડૉક્ટર... મારું બાળક આવ્યા પહેલાં...’ કોઈએ કચકચાવીને ગાલ પર તમાચો માર્યો હોય એમ તે સમસમીને બેસી રહી. આસપાસનું બધું સ્થિર થઈ ગયું. આસપાસના બધા અવાજો સંભળાતા બંધ થઈ ગયા. પોતાના શ્વાસ અને ધબકારાના અવાજ પણ જાણે કે બંધ થઈ ગયા. ધીમે-ધીમે આસપાસનું બધું ઝાંખું-ઝાંખું દેખાવા લાગ્યું. છાતીમાં બધું એકસાથે ધક્કે ચડ્યું ને રડવાનો પ્રયત્ન કર્યો પણ અવાજ જ ન નીકળી શક્યો. ઊંડા શ્વાસ લઈને તે હીબકાં દબાવવા લાગી ને અસહાય થઈને તેણે પોતાનું મોઢું ખોબામાં ઢાંકી દીધું. નેહા અને ડૉ. દીપેન પરીખ બન્નેએ એકબીજાની સામે જોયું અને નજર ફેરવી લીધી. આખો ઓરડો જાણે હીબકાં ભરીને કહી રહ્યો હોય કે ‘અભિનંદન... તમારું એક બાળક સલામત છે!’

€ € €

નમ્રતાએ ભીની આંખ લૂંછી ને આસપાસ જોયું તો એ લોકો કાંદિવલીના સ્મશાને પહોંચી ગયા હતા. સ્મશાનગાડી ઊભી રહી. બધા લોકો ફટાફટ નીચે ઊતર્યા. ચિરાગ, પ્રતીક અને જલ્પેશે દિત્યાને સ્મશાનગાડીમાંથી નીચે ઉતારી. ભાંગેલા પગલે નમ્રતા એ લોકોની પાછળ ચાલી રહી હતી. સ્મશાનમાં સિમેન્ટના એક મોટા ઓટલા પર લાકડાંઓ ગોઠવાયાં હતાં. ઉપર સિમેન્ટના છાપરાથી સ્મશાનનો એ ઓટલો ઢંકાયેલો હતો. ચિરાગે જાળવીને દિત્યાને લાકડાંઓના ઢગ પર સૂવડાવી. નમ્રતા તરત દિત્યા પાસે પહોંચી ગઈ અને તેની દામણી, ટીકો ને હાર વ્યવસ્થિત કરવા લાગી. તેનું ધ્યાન ગયું કે દિત્યાના ખુલ્લા મોંના સુકાઈને તરડાયેલા હોઠ પર લાગેલી લિપસ્ટિક ફરી થોડી રેલાઈ છે. તેને થયું કે દિત્યાને જો ખબર પડી જશે કે તેની લિપસ્ટિક રેલાયેલી છે અને એનાથી તેના મમ્મી-પપ્પાને હસવું આવશે... કોઈ પોતાના પર હસે એ વાત દિત્યાને ફાવે નહીં ને તે કદાચ રડી પણ પડે! નમ્રતાને થયું કે ભલે લિપસ્ટિક રેલાયેલી રહી. કદાચ એ બહાને મારી દીકરી રડવા માટે પણ પાછી તો આવશે! જાણે હમણાં ફરી કોઈ ચમત્કાર થશે એ અપેક્ષાથી નમ્રતા દિત્યાની સામે એકધારું જોઈ રહી.

બ્રાહ્મણ આવીને ચિરાગના ખભે હાથ મૂકીને બોલ્યા, ‘ચિરાગભાઈ, દીકરીને અગ્નિદાહ આપવાનો સમય થયો છે. આ બધો શણગાર હવે કાઢી લઈશુંને?’

બ્રાહ્મણે બીજા અમુક લોકોની સામે મદદની અપેક્ષાથી જોયું ને દિત્યાનો શણગાર ઉતારવા માટે ઇશારાથી બોલાવ્યા. બ્રાહ્મણ દિત્યાના શરીર પાસે પહોંચ્યા અને તેમણે નથ ઉતારવા હાથ લાંબા કર્યા કે ચિરાગે બ્રાહ્મણના હાથ પકડી લીધા.

‘ભૂદેવ, અમારે અમારી દીકરીનો શણગાર નથી ઉતારવો. અમારે અમારી દીકરીને સોળ શણગાર અને ઘરચોળા સાથે જ અગ્નિદાહ આપવો છે. કંકુકન્યાનો શણગાર ઉતારવો પાપ કહેવાય છેને!’

ટોળામાંથી અમુક પુરુષો આગળ આવ્યા.

‘ચિરાગ, આ બધું પહેરાવીને અગ્નિદાહ આપવો એ મૂર્ખામી છે. આ બધું સળગી જશે... સમજાય છે તમને કંઈ?’

‘અરે ભાઈ, બાપ તરીકેના તેમનાં ઇમોશન્સને વંદન, પણ અગ્નિદાહમાં આ બધી વસ્તુઓનો દાહ કરવામાં તો વાર ખૂબ લાગશે.’

‘આટલું બધું સોનું શું કામ તમારે લાકડે જવા દેવું છે મહેતા, કાંઈ સમજો!’

ચિરાગે નમ્રતા સામે જોયું. તે ભીની આંખે દિત્યાના ગાલે હાથ મૂકીને ઊભી હતી અને વારંવાર દિત્યાની હથેળીઓને પોતાના ગાલ પર દબાવતી હતી. ચિરાગે પોતાનું ધ્યાન નમ્રતા તરફ રાખ્યું ને જવાબ આપ્યો, ‘આ મારું ને મારી પત્નીનું સપનું છે કે અગ્નિની સાક્ષીએ અમારી દીકરીને સોળ શણગારે વળાવવી. આ કન્યાદાન છે. અમારી દીકરીને અમે લોકો ઈશ્વરને સોંપવા આવ્યા છીએ. આ અમારો કરિયાવર છે. દિત્યાનો અગ્નિદાહ તો આ સોળ શણગાર અને ઘરચોળા સાથે જ થશે.’

નમ્રતાની આંખો ભરાઈ આવી. તે હાથ જોડીને ચિરાગની સામે ઊભી રહી. ચિરાગે પોતાના બન્ને હાથ નમ્રતાના જોડાયેલા હાથ પર ઢાળી દીધા અને નમ્રતા ચિરાગને ભેટી પડી.

ચિરાગનો બનેવી પ્રતીક હાથમાં મોટી તપેલી જેવા વાસણમાં ગાયનું ઘી લઈને આવ્યો. તે ચિરાગ અને નમ્રતા સામે ઊભો રહ્યો અને ખોંખારો ખાઈને બોલ્યો, ‘ચિરાગ, હું અને જલ્પેશભાઈ દિત્યાના શરીરને ઘી લગાવી દઈએ. તમારા માટે દિત્યાના શરીર પર ઘી લગાવવું અઘરું થઈ પડે... અમે લોકો આ વિધિ કરીએ છીએ!’

નમ્રતાએ પ્રતીકના હાથમાંથી ઘીનું વાસણ લઈ લીધું ને દિત્યા તરફ જોઈને બોલી, ‘પ્રતીકકુમાર, અમારી દીકરીના શરીરે અમે લોકો પીઠી લગાવી શકીએ એ સુખ તો અમને નહીં મળે, પણ ઘી લગાવીને પીઠી ચોળ્યાનું સુખ તો લઈ શકીએ જને!’

પ્રતીક આ સાંભળીને જાણે કે સૂન થઈ ગયો. તેને સમજાયું નહીં કે શું રીઍક્ટ કરવું. તેણે નમ્રતાના ભાઈ જલ્પેશ તરફ જોયું. જલ્પેશે પ્રતીકને ઇશારાથી પાછા આવી જવા સમજાવ્યું. નમ્રતા ગાયના ઘીની તપેલી લઈને દિત્યા પાસે આવી. ચિરાગ નમ્રતાની બાજુમાં ઊભો રહ્યો. બન્ને પતિ-પત્નીએ તપેલીમાં જમણો હાથ બોળ્યો અને હથેળીની આંગળીઓમાં ઘી લીધું. બ્રાહ્મણે શુક્લ યજુર્વેદની રુદ્રીના છઠ્ઠા અધ્યાયના મંત્રનું ગાન શરૂ કર્યું. વાતાવરણમાં પવન થંભી ગયો. સાંજ થવા જઈ રહી હતી, પણ આથમવાની ઉતાવળ કોરાણે મૂકીને સૂરજે કાળાં વાદળોની આડશે મોઢું ફેરવી લીધું. ચિરાગના હાથ ધþુજી રહ્યા હતા. નમ્રતાએ દિત્યાના બન્ને હાથ પર ગાયનું ઘી લગાવ્યું. ચિરાગમાં હિંમત આવી. તેણે મહાપરાણે દિત્યાના ગાલ પર ઘી લગાવ્યું. બન્ને જણ હાથમાં ઘી લઈને દિત્યાના શરીર પર હળવા હાથે લગાવતા હતા. બ્રાહ્મણના મંત્રો નમ્રતાના કાને પીઠીના ગીતના લાંબા ઢાળે ઢળતા જતા હતા. સ્મશાનની આસપાસ ઊડતાં પક્ષીઓ ધીમા અવાજે તાલબદ્ધ ગાવા લાગ્યાં. દિત્યાના કંકુવાળા કઠણ પગ પર નમ્રતાની ઘીવાળી આંગળીઓ ચાલી તો તેને લાગ્યું કે વાતાવરણમાંથી એકઅવાજે રાતાપીળા ગુલાબી ઘરચોળા ને બાંધણી ઘૂંઘટના હરખઘેલા પીઠીગીત ગુંજી ઉઠ્યા

પીઠી ચોળે પીઠી રે પિતરાળી
હાથપગ ચોળે રે બેનની મામી
મુખડા નિહાળે રે બેનની માડી
પહેલી પીઠી ચડશે રે મારી બેનીને
ઊતરતી કાંઈ ચડશે રે ઉગમણે દેશ!
(ક્રમશ:)

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK