ક્રોધ : ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે?

10 November, 2019 11:16 AM IST  |  Mumbai | Dinkar Joshi

ક્રોધ : ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે?

ક્રોધ : ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે?

વિદ્યાર્થી અવસ્થામાં એટલે કે શાળા-કૉલેજોના અભ્યાસકાળ દરમિયાન વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી અને ક્યારેક તો મારામારી સુધ્ધાં પહેલાં પણ થતી હતી અને આજે પણ થાય છે. શિક્ષણ ક્ષેત્રે છેલ્લા બે કે ત્રણ દાયકાથી સક્રિય યોગદાન આપી રહેલા બે-ત્રણ મિત્રો સાથે આ વિષય ઉપર હમણાં થોડીક ચર્ચા થઈ હતી. આ મિત્રોએ એકમતે એ વાત પર ધ્યાન દોર્યું કે પહેલાં વિદ્યાર્થીઓ વચ્ચે જે વાંધાવચકા પડતા એ છૂટાછવાયા હતા, થોડીક ઝૂંટાઝૂંટી થતી, શિક્ષકો આવા વિદ્યાર્થીઓને બોલાવીને ઠપકો આપતા, ક્યારેક વાલીઓને બોલાવીને સંસ્થામાંથી હાંકી કાઢવાની ધમકી આપતા (પણ અમલ ભાગ્યે જ કરતા) અને આમ મામલો પતી જતો. હવે આજે આવી મારામારીઓનું પ્રમાણ ખાસ્સું વધ્યું છે. એટલું જ નહિ, મોટા ભાગે કિશોર વયનાં બે બાળકો વચ્ચે આવી બોલાચાલી થાય કે તરત જ સામસામે પડકાર ફેંકાવા માંડે છે – ‘સાલા (અને અહીં એક ગંદી ગાળ) તને જાનથી મારી નાખીશ.’ આ જાનથી મારી નાખવાની ધમકી ઉપરાંત એક વિશેષ વાક્ય પણ સંભળાય – (પેલી ગંદી ગાળ સાથે) ‘તારો ફોટો દીવાલ ઉપર લટકી જશે અને ઉપર હાર ચડી જશે.’ બાળકો વચ્ચે આ પ્રકારની હિંસક ઉગ્રતા આટલા મોટા પ્રમાણમાં પહેલાં નહોતી દેખાતી. હવે મામૂલી બોલાચાલી સુધ્ધાંમાં પરસ્પરને જાનથી મારી નાખવાની ધમકી અપાય છે.
આ અવલોકન માત્ર શિક્ષણશાસ્ત્રીઓનું જ નથી. સામાન્ય નિરીક્ષણ કરનારા સામાન્ય પણ જાગ્રત માણસો સુધ્ધાં આવાં દૃશ્યોથી અપરિચિત નથી. રેલવે ગાડીઓમાં ભીડના સમયે પ્રવાસીઓ વચ્ચે સહેજ બોલાચાલી થાય કે તરત જ આવી ઉગ્રતા નજરે પડે છે. જાનથી મારી નાખવાની વાત આવા વખતે પણ સપાટી ઉપર આવે છે. આનો તરત જ અમલ થાય છે એવું પણ નથી. આ ક્રોધિત અવસ્થા છે અને ક્રોધિત અવસ્થા એ અભાન અવસ્થા છે. આવા વખતે માણસ પોતાના વશમાં નથી હોતો. પોતે શું કરી રહ્યો છે કે શું બોલી રહ્યો છે, એવી પ્રાથમિક સમજ સુધ્ધાં એણે આ અવસ્થામાં ખોઈ નાખી હોય છે. ખોઈ નાખવાની આ પ્રક્રિયા થોડીક લાંબા ગાળાની હોય છે. બોલાચાલી થાય એટલે ક્રોધ આવે પણ આ ક્રોધનો આવેગ પ્રમાણમાં ધીમેધીમે વધતો હોય છે. આ આવેગ ટોચ ઉપર પહોંચે ત્યારે માનસશાસ્ત્ર જેને Mental Disorder કહે છે, એવી અવસ્થા નિર્માણ થાય છે. આ અવસ્થા સુધી પહોંચવા માટે સમય આવશ્યક છે પણ બને છે એવું કે બોલચાલની આરંભિક અવસ્થામાં જ માણસ ટોચે પહોંચી જાય છે અને જાનથી મારી નાખવાની વાત આવી જાય છે. આવું કેમ બને છે?
આજે માણસનું જીવન ભારે જટિલ બની ગયું છે. એણે અપાર સંઘર્ષ કરવો પડે છે. આ સંઘર્ષ બસ કે ગાડી પકડવાથી માંડીને આતંકવાદી હુમલાના ભય સુધી પ્રસરેલો હોય છે. પરિવાર જીવનમાં, વ્યાવસાયિક જીવનમાં અને અન્યત્ર ડગલે ને પગલે ટકી રહેવા માટે ભારે સ્પર્ધાત્મક પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. મોટા માણસને આવી જે અવસ્થા નજીવી લાગતી હોય એ અવસ્થા, એમાંથી જે પસાર થઈ રહ્યો હોય એ નાના માણસને તો ભારે કપરી જ લાગતી હોય છે. દરેક પરિસ્થિતિમાં એણે સંઘર્ષ કરવો પડે છે પણ બધે જ એને ધારી સફળતા મળે જ એવું તો બનતું નથી. નિષ્ફળતાથી એના મનમાં અણગમો પેદા થાય છે. આ અણગમો એ જ્યાં ત્યાં વ્યક્ત કરી શકતો નથી. આ બધું અંદર જ સંઘરાતું જાય છે અને એ રોષનું રૂપ ધારણ કરે છે.
મામૂલી વાતમાં જ્યારે માણસ ક્રોધિત અવસ્થાની ટોચ ઉપર પહોંચી જાય છે ત્યારે એનો અર્થ એવો થાય છે કે એના ચિત્તમાં નિષ્ફળતાને કારણે પેદા થયેલા રોષનો જથ્થો સડિયલ અવસ્થામાં પહોંચી ગયો છે. ક્રોધિત અવસ્થાના એના ચહેરાનું નિરીક્ષણ જો થઈ શકે તો એક વાર કરજો. ચહેરાની પ્રત્યેક રેખાઓ જોવી ન ગમે એવી કદરૂપી લાગશે. (તમે પોતે જો ક્યારેક ક્રોધિત અવસ્થામાં હો ત્યારે સહેજ સભાનાવસ્થાને સંકોરજો. તમારો પોતાનો ચહેરો અરીસામાં જોઈ લેજો. બનવાજોગ છે, અરીસાના ચહેરાને તમે ન પણ ઓળખો.) ક્રોધ એ અકુદરતી અવસ્થા નથી. માનસશાસ્ત્ર ૧૪ મૂળભૂત વૃત્તિઓની વાત કરે છે. ક્રોધ આ ૧૪ પૈકીની એક છે. ક્રોધનું હોવું કે ક્રોધ થવો એ મનુષ્યસહજ છે. આમ છતાં ક્રોધનું પ્રમાણભાન ન જળવાય ત્યારે જે વર્તન થાય છે એ અમાનુષી જ હોય છે.
ક્રોધિત અવસ્થામાં સામસામે ગાળાગાળી કરતા બન્ને પક્ષો વચ્ચે ક્યારેક એમની નજર સામે જ રેકૉર્ડિંગ કરવાનો પ્રયત્ન અને પ્રયત્ન ન થાય તો માત્ર અભિનય પણ કરી જોજો. એમની જીભાજોડીનું રેકૉર્ડિંગ થાય છે એ જાણતાંવેત બન્નેની ગાળાગાળી સંયમિત થઈ જશે. એટલું જ નહિ પણ બનવાજોગ છે કે ઘડી પહેલાના આ બન્ને શત્રુઓ સમાધાન કરીને તમારા શત્રુ થઈ જશે. આનો અર્થ એવો થયો કે ગાળાગાળી કરી રહેલા આ બન્નેને પોતે કશુંક ખોટું કરી રહ્યા છે, એટલી સભાનતા તો હતી જ. પોતાનું આ ખોટું, રેકૉર્ડિંગ મારફતે, કાયમી ધોરણે પકડાઈ જાય એવું એ કરવા માંગતા નહોતા એટલે જે તમારાથી માનતા નહોતા એ તમારા આ રેકૉર્ડિંગના અભિનયથી માની જશે.
અહંકાર વૃત્તિ પણ થોડીક સમજવા જેવી છે. સ્વમાન કે ગૌરવ જેવા રૂપકડા શબ્દોથી આપણે આપણી પોતાની અહંકાર વૃ‌િત્તને વહાલ કરતાં હોઈએ છીએ. આ વૃત્તિ આપણી ધારણા પ્રમાણે જ્યારે પરિતૃપ્ત થતી નથી ત્યારે પહેલાં રોષ અને પછી ક્રોધનું સ્તર અંતરમાં પથરાઈ જાય છે. તત્કાલ એનું શમન થતું નથી અને જ્યારે કોઈક દેખીતું નિમિત્ત હાથવગું થાય છે ત્યારે પેલો છંછેડાયેલો અહંકાર ક્રોધના વિકૃત રૂપે ઊલટી કરવા માંડે છે. આ અહંકાર પોતાથી વધુ સમર્થ સામે પ્રગટ ન થાય પણ જ્યાં પ્રતિસ્પર્ધી નિર્બળ હોય ત્યાં લીલું ચરિયાણ ચરતી ભેંસની જેમ ફરી શકાય એ વાત આ અહંકાર બરાબર જાણતો હોય છે.
શાળામાં ભણતો વિદ્યાર્થી જ્યારે જાનથી મારી નાખવાની વાત કરે ત્યારે એની પારિવારિક ભૂમિકા પણ ધ્યાનમાં લેવી જોઈએ. પરિવારમાં એ એવું જીવન જીવતો હોય કે જેનાથી એને અસંતોષ હોય. એટલું જ નહિ, માતાપિતા વચ્ચે કલહ પ્રવર્તતો હોય, ટીવીના પડદા સામે એ કલાકો સુધી બેસી રહેતો હોય, આવા સંજોગોમાં એની માનસિક પરિસ્થિતિ, પોતાનો અણગમો ક્યાંક ઠાલવી દેવા માટે અવસર મળે એની પ્રતીક્ષા કરતો હોય છે. ટીવી ઉપર દરેક ત્રીજું દૃશ્ય ઢીશુમ ઢીશુમનું હોય છે. અહીં હીરો એકલા હાથે દસ ગુંડાને પહોંચી વળતો હોય છે. બાળકનું કૂમળું માનસ આ વાત સાચી માની લેતું હોય છે અને દસ ગુંડાઓને પહોંચી વળતા ટીવીના પેલા હીરોનું પોતાનામાં આરોપણ કરી લે છે. હીરો જે રીતે ગુંડાઓને ખતમ કરીને જયજયકાર મેળવે છે, એ રીતે પોતે પણ મેળવે એવી એને લાલસા થાય છે. આ બાળક જ્યારે કોઈને જાનથી મારી નાખવાની વાત કરે છે ત્યારે એ એની ક્રોધિત અવસ્થાની ટોચ નથી પણ પોતાને પેલા હીરો તરીકે સ્થાપિત કરવાની લાલસા જ હોય છે. જાનથી મારવું એટલે શું એની કદાચ એને પૂરી ગતાગમ પણ હોતી નથી.
ક્રોધનું એક હકારાત્મક સ્વરૂપ પણ અહીં સંભારી લેવા જેવું છે. ક્રોધ વિધાયક ગુણ નથી - અવગુણ જ છે પણ ક્રોધનું એક સ્વરૂપ દૈવી ગુણ તરીકે ઓળખાય છે, એનું નામ મન્યુ છે. સમાજમાં કેટલુંક એવું બનતું હોય છે કે જે તિરસ્કૃત, ગંદું અને નાશ કરવા જેવું હોય છે. માણસ જ્યારે પોતાના કશાય સ્વાર્થ વિના આવાં દુષ્ટ તત્ત્વો સામે યુદ્ધ આદરે છે ત્યારે એનો ક્રોધ અનિવાર્ય બને છે. આ અનિવાર્ય ક્રોધને મન્યુ કહેવામાં આવે છે. માણસ જ્યારે ક્રોધે ભરાય છે - પછી ભલે એ મન્યુ હોય, ત્યારે એની લડાયક શક્તિમાં વધારો થાય છે. આ વધેલી લડાયક શક્તિ મન્યુ તરીકે દુષ્ટ તત્ત્વો ઉપર તૂટી પડે ત્યારે આ ક્રોધ આવકાર્ય પણ છે.

health tips gujarati mid-day