ચાલતી ટ્રેનમાં મુસાફરી દરમ્યાન મહિલાએ કરી વટ સાવિત્રીની પૂજા

17 May, 2026 01:09 PM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

તમામ વિધિ મહિલાએ ટ્રેનના ઍર-કન્ડિશન્ડ કોચમાં પૂરી કરી હતી

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

ભારતીય મહિલાઓ વ્રત દરમ્યાન પળાતી પરંપરાઓ અને રીતરિવાજોમાં ખૂબ આસ્થા ધરાવે છે. ચાહે કંઈ પણ થઈ જાય, મહિલાઓ વ્રત અને તહેવારોની પૂજા કદી નથી ભૂલતી. ગઈ કાલે વટ સાવિત્રીનું વ્રત હતું. જોકે સોશ્યલ મીડિયામાં એક મહિલા ટ્રેનના 3AC કોચમાં વટ સાવિત્રી માટે વડની પૂજા કરતી જોવા મળી હતી. ટ્રેન ચાલી રહી છે અને બહેને પોતાની પૂજા પણ એમાં જ કરી લીધી. આ માટે તે પાણીની બૉટલમાં વડના ઝાડની ડાળી પણ સાથે લઈ આવી હતી. પૂજા દરમ્યાન વડની ફરતે ચક્કર લગાવવાના હોય. એ કામમાં તેના પરિવારજનોએ મદદ કરી હતી. વડની ડાળીને પતિએ પકડી રાખી હતી અને મહિલા સૂતરની આંટી લઈને એની ફરતે ફેરા લઈ રહી હોય એવું વિડિયોમાં જોઈ શકાય છે. એક વડની સામે જે પૂજા થાય એ તમામ વિધિ મહિલાએ ટ્રેનના ઍર-કન્ડિશન્ડ કોચમાં પૂરી કરી હતી. આને કહેવાય ભારતીય મહિલાની શ્રદ્ધા. ટ્રેનમાં છું તો શું થયું? વટ સાવિત્રીની પૂજા તો થઈને જ રહેશે. 

offbeat news india national news culture news festivals