15 October, 2024 04:11 PM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
એક પત્નીએ સાસુ-સસરા, નણંદ, પતિ અને પતિ સાથે લિવ-ઇનમાં રહેતી ગર્લફ્રેન્ડનાં પૂતળાં બાળ્યાં
દશેરાના દિવસે લોકો રાવણનું પૂતળું બાળે છે, પણ ઉત્તર પ્રદેશના હમીરપુરમાં એક પત્નીએ સાસુ-સસરા, નણંદ, પતિ અને પતિ સાથે લિવ-ઇનમાં રહેતી ગર્લફ્રેન્ડનાં પૂતળાં બાળ્યાં હતાં. ભગવાન શ્રીરામનો વનવાસ તો ૧૪ વર્ષે પૂરો થઈ ગયો હતો, પણ મારો વનવાસ હજી ચાલુ જ છે એવી હૈયાવરાળ સાથે એ બહેને પૂતળાદહનનો કાર્યક્રમ ગોઠવ્યો હતો. લગ્ન પછીથી જ સાસરે દુઃખ મળતું હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે. ઉરઈ ગામની પ્રિયંકા દીક્ષિતનાં ૧૪ વર્ષ પહેલાં લગ્ન થયાં હતાં. પ્રિયંકા પરણીને મુસ્કરા ગામે આવી, પણ ક્યારેય હસી નહોતી શકી. લગ્ન પછી તેને ખબર પડી કે પતિના બીજી સ્ત્રી સાથે પણ સંબંધ છે. નણંદની બહેનપણી સાથે પતિના સંબંધની તેને લગ્નના થોડા દિવસમાં જ ખબર પડી ગઈ હતી. ઘરમાં બધાને આ વાતની ખબર હતી છતાં કોઈ પ્રિયંકાના પક્ષમાં નહોતું એટલે તેણે પિયરમાં રહેવું પડે છે. તેણે કેસ પણ કર્યો છે. છૂટાછેડા તો થયા, પણ કોર્ટના આદેશનું પતિ પાલન કરતો નથી. પ્રિયંકા કહે છે કે રાવણ પરસ્ત્રીને ઉઠાવી ગયો હતો એટલે આજે પણ તેનાં પૂતળાં બળે છે, પણ સમાજમાં રાવણ જેવા કેટલાય પતિઓ આરામથી જીવે છે.