06 October, 2025 10:05 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
જરાક બેદરકારીથી દીકરાને ગુમાવ્યાના આઘાતમાં પરિવારજનોની રડી-રડીને હાલત ખરાબ થઈ ગઈ હતી
ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં દોઢ વર્ષનું એક બાળક ઘરમાં જ રમતાં-રમતાં બાથરૂમમાં જતું રહ્યું. ત્યાં પાણી ભરેલી બાલદીમાં ઊંધા માથે પડી ગયું.
શુક્રવારે બનેલી આ ઘટનામાં આલીશાન નામના બાળકની મમ્મી અગાસી પર કપડાં સૂકવવા ગયેલી ત્યારે બાળક રમતાં-રમતાં બાથરૂમમાં જતું રહ્યું હતું. બાળક ઊંધા માથે પાણીમાં પડ્યું હોવાથી તેનો અવાજ પણ કોઈને સંભળાયો નહીં. થોડીક વાર પછી જ્યારે મા નીચે આવી ત્યારે તેને લાગ્યું કે દીકરો ક્યાંક બહાર જતો રહ્યો છે અને ગાયબ થઈ ગયો છે. પરિવારજનોએ બે કલાક સુધી દીકરાની આસપાસમાં શોધ કરી હતી, પણ ક્યાંય ન મળ્યો. ગામમાં જ એક મેળો ભરાયો હતો ત્યાં કદાચ દીકરો જતો રહ્યો હશે એમ માનીને પરિવારજનોએ મેળાના ખૂણે-ખૂણે તપાસ કરી લીધી. ત્રણ-ચાર કલાકની તપાસ પછી પણ જ્યારે ક્યાંયથી દીકરો ન મળ્યો ત્યારે પરિવાર થાકીને ઘરે આવ્યો. એ પછી કોઈક બાથરૂમમાં ગયું ત્યારે બાલદીમાં ઊંધા માથે પડેલું નિસ્તેજ બાળક મળ્યું હતું. પેરન્ટ્સનું આ એકનું એક સંતાન હતું. જરાક બેદરકારીથી દીકરાને ગુમાવ્યાના આઘાતમાં પરિવારજનોની રડી-રડીને હાલત ખરાબ થઈ ગઈ હતી.