03 September, 2025 11:49 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
૧૫ વર્ષની રિયા મૌર્ય
ઉત્તર પ્રદેશના કોશાંબીમાં ૧૫ વર્ષની રિયા મૌર્ય નામની ટીનેજરને એક મહિનામાં નવમી વાર સાપ કરડ્યો હતો. વારંવાર સાપ કરડવાની ઘટનાથી ગામમાં ડરનો માહોલ સર્જાયો છે. સાપ કરડવાની સારવાર કરાવવાના ખર્ચથી તેના પરિવારની આર્થિક સ્થિતિ કથળી ગઈ છે અને હવે તો તેઓ તંત્રમંત્રવાળા ભૂવાની મદદ લેવા માંડ્યા છે. પહેલી વાર રિયાને બાવીસમી જુલાઈએ સાપ કરડ્યો હતો એ પછીથી તરત જ તેને જિલ્લાની હૉસ્પિટલમાં લાવવામાં આવી, જ્યાં બે દિવસની સારવારમાં તે સાજી થઈ ગઈ હતી. એ પછી તો થોડા-થોડા દિવસના અંતરે સાપ કરડવાનો સિલસિલો શરૂ થઈ ગયો. ત્રણેક વાર સાપ કરડ્યો અને ઇન્જેક્શનથી સારું થઈ ગયું. જોકે તેને જ્યારે ૧૩ ઑગસ્ટે ફરીથી સાપ કરડ્યો એ વખતે તેની તબિયત ખરાબ થતાં તેને પ્રયાગરાજની મોટી હૉસ્પિટલમાં ટ્રાન્સફર કરવી પડી હતી. એ પછી ૨૭થી ૩૧ ઑગસ્ટના ચાર દિવસમાં ચાર વાર સાપ કરડ્યો. તે જ્યારે પણ ઘરકામ કરવા માટે ઘરની બહાર ચોકડીમાં જતી ત્યારે તેને સાપ કરડતો હતો. રિયાનું કહેવું છે કે તેને એક જ કાળા રંગનો મોટો સાપ કરડે છે. સાપ કરડવાથી તે બેહોશ થઈ જાય છે. રિયાની આ હાલત જોઈને તેનાં નાનાં ભાઈ-બહેનોને નાનીને ત્યાં મોકલી દેવામાં આવ્યાં છે.