15 May, 2026 02:29 PM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઉત્તર પ્રદેશના બલિયામાં દુલ્હા પક્ષે આપેલી સાડી દુલ્હનને પસંદ ન આવતાં તેણે લગ્ન તોડી નાખ્યાં. બલિયાના પંચરુખી દેવી મંદિરમાં ૧૧ મેએ નિકી અને વિશાલ નામના યુગલનાં લગ્ન થઈ રહ્યાં હતાં. જાન પહોંચી અને લગ્નની રસમો પણ શરૂ થઈ ગઈ હતી. જોકે એ દરમ્યાન દુલ્હન અને દુલ્હા પક્ષ વચ્ચે લેવડદેવડને લઈને મગજમારી શરૂ થઈ. વાત એમ હતી કે વરપક્ષ તરફથી કન્યાને અપાયેલી સાડી દુલ્હનને પસંદ ન આવી. દુલ્હને કહ્યું કે આ સાડી તેને જરાય સૂટ નહીં થાય અને આવી સાડી પહેરીને તે લગ્નની રસમો નહીં કરે. વરપક્ષનો ઈગો ઘવાયો. કન્યા આવું કઈ રીતે કહી શકે? કન્યા પણ અડગ રહી કે આ સાડી તો નહીં જ પહેરું. વાત એટલી વણસી કે બન્ને પરિવારજનો વચ્ચે હાથાપાઈ સુધી વાત પહોંચી. એમાં દુલ્હનનો ભાઈ અને તેની મમ્મી તેમ જ એક અન્ય મહિલા ઘાયલ થઈ ગયાં. હોબાળા પછી લગ્ન રોકાઈ ગયાં અને ફેરા ફર્યા વિના જ દુલ્હો જાન લઈને પાછો વળી ગયો.