07 February, 2025 12:17 PM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
અનન્યા પ્રસાદ
અનન્યા પ્રસાદે બાવન દિવસ સુધી એકલા હાથે હોડી ચલાવીને, ઍટલાન્ટિક મહાસાગરમાં ૩૦૦૦ માઇલનું અંતર કાપીને મહાસાગર પાર કરનાર સૌપ્રથમ અશ્વેત મહિલા બનીને ઇતિહાસ રચ્યો છે.
બૅન્ગલોરમાં જન્મેલી અને યુનાઇટેડ કિંગડમમાં રહેતી ૩૪ વર્ષની અનન્યા પ્રસાદે આ અસાધારણ સફરની શરૂઆત કૅનેરી આઇલૅન્ડ્સના ગામેરાથી ૨૦૨૪ની ૧૧ ડિસેમ્બરે કરી હતી અને ૨૦૨૫ની ૩૧ જાન્યુઆરીએ ઍન્ટિગામાં બાવન દિવસમાં પૂરી કરી હતી.
આ સફર માટે અનન્યાએ સાડાત્રણ વર્ષની સઘન શારીરિક અને માનસિક તાલીમ લીધી હતી અને સફર દરમ્યાન કપરા દરિયાઈ સંજોગો, બદલાતું હવામાન, તૂટેલા દિશાનિયંત્રકના સમારકામ જેવી મુશ્કેલીનો સામનો કર્યો હતો. જોકે જરૂરી રિપેરકામ તેણે જાતે જ કર્યું હતું અને રોજ ૬૦થી ૭૦ કિલોમીટર હોડી ચલાવતી હતી. અનન્યા પ્રસાદે દક્ષિણ ભારતની અનાથ બાળકો માટે કામ કરતી બે સંસ્થાઓ દીનબંધુ ટ્રસ્ટ અને મેન્ટલ હેલ્થ ફાઉન્ડેશન માટે આ અભિયાન દ્વારા ૧,૫૦,૦૦૦ પાઉન્ડનું ફન્ડ ભેગું કર્યું હતું અને વ્યક્તિગત સિદ્ધિ તથા સામાજિક ફરજ પૂરી કરી હતી.