દરિયાની ઇકો-સિસ્ટમ બચાવવા 2 યુવકોએ શરૂ કરી કોરલ ઉગાડવાની કંપની

18 June, 2019 09:46 AM IST  | 

દરિયાની ઇકો-સિસ્ટમ બચાવવા 2 યુવકોએ શરૂ કરી કોરલ ઉગાડવાની કંપની

જળવાયુ પરિવર્તનને કારણે પૃથ્વી અને પાણીના તાપમાન પર તો અસર પડી જ છે, પણ એને કારણે સમુદ્રની અંદર કોરલ રીફ એટલે કે પરવાળાની ચટ્ટાનો ખતમ થઈ રહી છે. છેલ્લાં ૩૦ વર્ષમાં દુનિયાની અડધાથી વધુ કોરલ રીફ પ્રદૂષણને કારણે નાશ પામી છે. આ કોરલ રીફ જેટલી સમૃદ્ધ હોય એટલી દરિયાઈ જીવસૃષ્ટિને પનપવા માટેનું મોકળું મેદાન મળે. એની ગેરહાજરીને કારણે નાની માછલીઓ અને નાનાં દરિયાઈ પ્રાણીઓનો જીવ જોખમમાં મુકાવા લાગ્યો છે. એને અટકાવવા માટે અમેરિકાના બે ઉદ્યોગ સાહસિકોએ કૅરિબિયન ટાપુના બહામાઝમાં પહેલી વાર કમર્શિયલ કોરલ ઉગાડતી કંપની શરૂ કરી છે. આ બે ભેજાબાજ યુવકો છે સૅમ ટીચર અને ગૅટોર હાલ્પર્ન. ૨૯ વર્ષના આ યુવાનોએ શોધી કાઢ્યું છે કે કેવા વાતાવરણમાં કોરલ એટલે કે પરવાળા બહુ સહેલાઈથી અને ઝડપથી ઊગી નીકળે. અમેરિકાની યેલ સ્કૂલ ઑફ ફૉરેસ્ટરી ઍન્ડ એન્વાયર્નમેન્ટલ સ્ટડીઝમાં ભણી ચૂકેલા આ ભાઈબંધોએ જમીન પર ખાસ પાણીની મોટી ટાંકીઓ બનાવીને એમાં કોરલ ઉગાડવાનું શરૂ કર્યું છે અને પછી એને સમુદ્રમાં છોડી દેવામાં આવે છે. કોરલ વીટા નામની આ સ્ટાર્ટઅપ કંપની થકી આ ભાઈબંધો પહેલાં દરિયામાંથી કોરલનાં સૅમ્પલ લઈને બહાર આવે છે. એના નાના ટુકડા કરીને એને જુદી-જુદી ટૅન્ક્સમાં ઊગવા માટે મૂકવામાં આવે છે.

આ પણ વાંચોઃ આ ભાઈએ ‘અવેન્જર્સઃ એન્ડગેમ’ ૧૧૪ વાર જોઈ છે, કુલ ૨૦૦ વાર જોવાની ઇચ્છા છે

યોગ્ય વાતાવરણ મળે તો અહીં કોરલ ૫૦ ગણી ઝડપે વધે છે. એ પછી એને ફરી સમુદ્રમાં સ્થાપિત કરી દેવામાં આવે છે. મૉરિશિયસમાં એક પ્રોજેક્ટ પર કામ કરતાં-કરતાં આવું હટકે સાહસ કરવાનો આઇડિયા સૅમ અને ગૅટોરને આવ્યો હતો, જેને હકીકતમાં ફ્લોર પર મૂકવા માટે તેમણે ૧૪ કરોડ રૂપિયાના ખર્ચે કોરલ રીફ ફાર્મ ખોલ્યું છે.

offbeat news hatke news