આ બે ભાઈઓએ નોકરીના એક હોદ્દા માટે અલગ-અલગ અરજી કરી

02 August, 2021 10:23 AM IST  |  Punjab | Gujarati Mid-day Correspondent

નાનપણથી કમરેથી જોડાયેલા હોવાને કારણે એકસાથે ઊછરેલા આ બન્ને ભાઈઓ ૧૮ વર્ષના થયા છે

સોહણા-મોહણા

કુદરત જ્યારે ટીખળ કરે છે ત્યારે ભલભલાની બોલતી બંધ થઈ જાય છે. પંજાબમાં બે યુવાનો સોહણા-મોહણા એક જીસ્મ બે જાન છે. નાનપણથી કમરેથી જોડાયેલા હોવાને કારણે એકસાથે ઊછરેલા આ બન્ને ભાઈઓ ૧૮ વર્ષના થયા છે. તેમણે ઇલેક્ટ્રિકલ ડિપ્લોમા કરીને પંજાબ પાવરવર્કમાં જેઈ (જુનિયર એન્જિનિયર)ના એક પદ માટે અલગ-અલગ અરજી કરી છે. જોકે આવા કેસમાં દિવ્યાંગતાનું પ્રમાણપત્ર આપવાની કાયદામાં જોગવાઈ ન હોવાથી સમસ્યા સર્જાઈ છે.

પાવરવર્ક્સ જો નોકરી આપે તો એકની સાથે બીજો ભાઈ ઑફિસમાં આવશે. તો હવે પ્રશ્ન એ છે કે શું બંને જણ એક નોકરી પર એકસાથે કામ કરશે કે બન્નેની પોસ્ટ જુદી-જુદી બતાવવી પડશે. તેમનું વેતન કેવી રીતે ચૂકવાશે એ જ સમજાતું નથી.

શારીરિક વિકૃતિ ધરાવતા આ બન્ને ભાઈઓને નોકરી મળી શકે છે, પણ એ માટે પણ દિવ્યાંગતાનું સર્ટિફિકેટ મળવું આવશ્યક છે. જોકે, આવી સ્થિતિમાં દિવ્યાંગતાનું સર્ટિફિકેટ આપવાની કાયદામાં જોગવાઈ ન હોવાથી વાત અટકી પડી છે. સોહણા-મોહણાની મેડિકલ તપાસ પણ થઈ છે. બન્નેના લોહી અને યુરિનનાં સૅમ્પલના રિપોર્ટ ઉપરાંત બે આર્થો, એક મેડિસિન અને એક ન્યુરો ડૉક્ટરની બનેલી એક ટીમનું ગઠન કરવામાં આવ્યું છે, જેણે આ બન્ને ભાઈઓ નોકરી કરવા ફિટ હોવાનું જણાવાયું છે.

વાસ્તવમાં ૨૦૦૩ની ૧૪ જૂને જન્મેલા આ બન્ને ભાઈઓને તેમનાં માતા-પિતાએ છોડી દીધા બાદ પિંગલવાડજાની મુખ્ય સેવાદાર બીબી ઇન્દ્રજિત કૌર તેમને પોતાની સાથે લઈ ગઈ હતી તથા તેમની દેખભાળ માટે ખાસ નર્સ રાખી હતી. ડૉક્ટરોના મતે આ ભાઈઓનું લાંબું જીવવાની શક્યતા નહીંવત્ હતી, પરંતુ તેઓ હવે ૧૮ વર્ષના થઈ ગયા છે.

offbeat news national news punjab