06 May, 2026 05:06 PM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
ટ્વિન ભાઈઓએ એક જ યુવતી સાથે કર્યાં લગ્ન
ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લામાં એક ગામમાં ચોંકી જવાય એવાં લગ્ન થયાં. જયમાલા વખતે જાનમાંથી એક વ્યક્તિ નહીં પણ બે-બે વ્યક્તિ દુલ્હા તરીકે સ્ટેજ પર પહોંચી ગઈ. આ બે જોડિયા ભાઈઓ હતા જે એક જ દુલ્હનને પરણી રહ્યા હતા. આ જોડિયા ભાઈઓ બાળપણથી જ જેકંઈ પણ કરતા એ સાથે જ કરતા હતા. એને કારણે તેમણે લગ્ન પણ એક જ છોકરી સાથે કરવાનું નક્કી કર્યું હતું. ભાઈઓના આ નિર્ણય માટે દુલ્હન કઈ રીતે તૈયાર થઈ એનો કોઈ ફોડ પડ્યો નહોતો, જોકે કેટલાક રિપોર્ટ્સમાં કહેવાઈ રહ્યું છે કે તે એક ભાઈની મિત્ર હતી અને એ ભાઈએ જ તેને આ ત્રિશંકુ લગ્ન માટે તૈયાર કરી હતી. આ અનોખા લગ્નની ચર્ચા સોશ્યલ મીડિયામાં ખૂબ ગાજી રહી છે. ઉત્તર પ્રદેશની આ જાતિમાં આ પહેલાં આવી કોઈ પરંપરા પણ નથી કે જેને લોકો સામાજિક નિયમ સમજીને સ્વીકારી લે. લગ્નમાં હાજર લોકોનું કહેવું હતું કે દુલ્હાઓ ભલે બહુ ખુશ દેખાતા હોય, દુલ્હન દિલથી રાજી નથી એવું લાગી રહ્યું છે.