પગાર જાણવા સાસુ, સસરાએ જમાઈને રૂમમાં પૂરી દીધો

12 June, 2021 09:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોશ્યલ નેટવર્કિંગ સાઇટ રેડિટ પર એક યુવાને રસપ્રદ અનુભવ વર્ણવ્યો છે

પ્રતીકાત્મક તસવીર

કોઈ પણ મા-બાપ તેમની દીકરીને જે ઘરે આપવાની હોય એ ઘરના મેમ્બરો વિશે અને તેમની આર્થિક પરિસ્થિતિ વિશે સ્વાભાવિક રીતે જાણવાની કોશિશ કરતાં જ હોય. એમાં ખાસ કરીને જમાઈ શું કામ કરે છે અને કેટલું કમાય છે એ પણ જાણી લેતાં હોય છે. સોશ્યલ નેટવર્કિંગ સાઇટ રેડિટ પર એક યુવાને રસપ્રદ અનુભવ વર્ણવ્યો છે. એ યુવાનની સગાઈ થઈ અને થોડા વખત પહેલાં નવી જૉબમાં પણ જોડાયો. એથી ભાવિ સાસુ-સસરાએ તેને પૂછ્યું કે ‘તમારો પગાર કેટલો છે?’ જમાઈએ કહ્યું કે ‘એ તમારો વિષય નથી. હું તમને ન કહી શકું.’

સાસુ-સસરાએ જમાઈ જે રૂમમાં બેઠા હતા એ રૂમને કડી મારી દીધી. સસરાએ જમાઈને બૂમ મારીને કહ્યું કે ‘તમે તમારો પગાર કે કમાણીનો આંકડો નહીં જણાવો ત્યાં સુધી તમને વૉશરૂમ પણ નહીં જવા દઈએ.’ લાંબા સમય સુધી તેમની રકઝક ચાલી. છેલ્લે જમાઈએ ખૂબ ગુસ્સામાં કહ્યું કે ‘તમને એ બધું આ રીતે જાણવાનો હક્ક નથી. હું તમને નથી જ કહેવાનો.’ એ વખતે સાસુમાએ મોટા અવાજે નિસાસો નાખ્યો અને સસરાએ રૂમનું બારણું ખોલી નાખ્યું. સાસુએ રડતાં-રડતાં દીકરીને કહ્યું ‘જો દીકરી, આ તારા ફિયાન્સે આપણા જ ઘરમાં અમારા બન્નેનું અપમાન કર્યું.’ ફિયાન્સીએ તેનાં મા-બાપની માફી માગવા ફિયાન્સને કહ્યું, પરંતુ તેણે ચોખ્ખી ના પાડી દીધી.

offbeat news national news new delhi